ક્યા પ્રયત્નોએ અમદાવાદને બનાવ્યું સ્વચ્છ શહેર?

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડમાં આ વખતે 10 લાખ કરતાં વધુ વસતિ ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોની કેટેગરીમાં અમદાવાદે બાજી મારી. આજે અમારા ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં અમે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે એ ક્યા પ્રયાસો હતા, જેના પગલે શહેર સ્વચ્છતામાં અગ્રેસર બન્યું!

 

 

ચિત્રલેખા.કોમઃ શહેરને વધારે સ્વચ્છ બનાવવા માટે કઈ નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓ અપનાવવામાં આવી ?

બંછાનિધિ પાની: RRR એટલે કે રિડયુઝ, રિયુઝ, રિસાયકલ થીમ આધારિત શહેરમાં મોબાઈલ RRR વાન અને સાત RRR સેન્ટરો શરૂ કરવામાં આવ્યા, જ્યાં નાગરિકો પોતાની જૂની ચીજ-વસ્તુઓને આપી શકે છે. આ વસ્તુઓને જરૂરિયાતવાળા લોકોને આપવામાં આવે છે, જેથી શહેરમાં કચરાની માત્રામાં ઘટાડો થયો.

  • ડોર ટુ ડોર સિસ્ટમ હેઠળ 1,850 જેટલાં વાહનો મૂકવામાં આવ્યા, સાથે-સાથે નવી ટેક્નોલૉજીવાળી ઇ-રીક્ષા પ્રકારના વાહનો પણ નાના રસ્તાઓ ધરાવતી સોસાયટીઓનાં કવરેજ માટે મૂકવામાં આવ્યા.
  • શહેરમાં 9,000 કરતાં વધુ મેન્યુઅલ સફાઈ કામદારો અને 4,800 કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો દ્વારા દૈનિક ધોરણે રેસિડેન્શિયલ વિસ્તારોમાં એકવાર અને કોમર્શિયલ વિસ્તારોમાં બે વાર ખાસ કરીને રાત્રિના સમયે મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવી.
  • સાબરમતી નદીની સફાઈ માટે અધતન ટેક્નોલોજીવાળા ટ્રેશ સ્ક્રીમર મશીન મૂકવામાં આવ્યા. શહેરમાં ન્યૂસન્સ કરતાં ઇસમો-એકમોને ઓનલાઈન m-challan કાર્યવાહી પારદર્શિતા સુનિશ્વિત કરે છે.
  • શહેરમાં નાગરિકો – વાહનો દ્વારા જાહેર રસ્તાઓ ઉપર કચરો છૂટો નાંખવામાં આવતો હોય, તેવાં 283થી વધારે ન્યૂસન્સ પોઈન્ટો CCTV મારફતે રોજે-રોજ મોનિટરિંગ કરવામાં આવે છે.
  • ટ્રાફિક જંકશનો ઉપર વાહનો ઉપરથી રસ્તા ઉપર પાન-મસાલા ખાઈ થૂંકતા ઇસમો સામે ઇ-મેમો જનરેટ કરવાની કાર્યપ્રણાલી પણ અમલવારીમાં છે.
  • સી એન્ડ ડી વેસ્ટનાં વિના મૂલ્યે નિકાલ માટે 25 કલેક્શન સેન્ટરોની સાથે-સાથે નાગરિકો માટે ઉપયોગી એવું હેંડશેક મોડયુલ પણ કાર્યરત કરવામાં આવેલ છે.

જાહેર જનતાની ભાગીદારી કેટલી મહત્વની રહી? લોકોના સહકાર મેળવવા શું ખાસ અભિયાનો ચલાવ્યા?

સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. જેમાં ‘ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ’ હેઠળ 6,000થી વધારે સોસાયટીઓને આવરી લઈ વોર્ડ, ઝોન અને શહેર કક્ષાએ કરેલ સ્પર્ધાત્મક હરીફાઈ મુખ્ય પરિબળ બની.

  • જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. જેમાં ‘ઇ-શપથ’ કાર્યક્રમની શરૂઆત પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત, અત્યાર સુધીમાં 11 લાખથી વધારે નાગરિકો ડિજિટલ માધ્યમ દ્વારા શપથ લઈ ચૂક્યા છે. જે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે AMCના પ્રયાસોને મજબૂતી આપે છે.
  • માય સિટી, માય પ્રાઇડ અભિયાન હેઠળ વિવિધ ઝુંબેશોમાં છેલ્લાં એક વર્ષમાં લાખો નાગરિકો, સામાજિક સંસ્થાનાં પ્રતિનિધીઓ અને NGO તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મોટાપાયા ઉપર શ્રમદાન કરી શહેરને સ્વચ્છ બનાવેલ છે.

પિરાણા લેન્ડફિલ સાઈટના રીમેડિએશન અંગે વધુ માહિતી આપો. કામગીરી કેટલાં સમયમાં અને કેવી રીતે પૂર્ણ થઈ?

વર્ષ 1980થી પિરાણા ડમ્પ સાઈટ અમદાવાદ શહેરનો દૈનિક ધોરણે કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જેના મોટા બે ઢગલાઓના બાયો રિમેડિએશન માટે વર્ષ 2019થી કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ડિસેમ્બર-2024 સુધીમાં તે કામગીરી પૂર્ણ કરવામાં આવી. વર્ષ 1980થી પિરાણા ડમ્પ સાઇટનો દૈનિક ધોરણે કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. આ કામગીરીમાં 60 જેટલાં ટ્રોમેલ મશીનો મૂકવામાં આવેલ હતા અને લગભગ 125 લાખ મેટ્રિક ટનથી વધુ જૂના કચરાનું બાયોમાઇનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 45 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી, જે પૈકી નીકળતા ઇનર્ટ-માટીને ધોલેરા એકસપ્રેસ હાઇવે ખાતે પુરાણ માટે ઉપયોગ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત RDF મટિરિયલ માટેનો પ્રોસેસીંગ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં RDF પ્રોસેસ કરી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં બળતણ માટે મોકલી આપવામાં આવેલ છે. પિરાણા બાયોમાઈનીંગ પ્રક્રિયામાં નાગરિકોની સુવિધા માટે એર ક્વોલિટી માટે મિસ્ટ વાન વાહનો પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પુરસ્કારથી AMCની જવાબદારી વધી છે, હવે આગળના લક્ષ્યાંકો શું રહેશે?

અમદાવાદ શહેરને સંપૂર્ણપણે પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી કરવાનો લક્ષ્યાંક છે.

  • શહેરમાં ઘરના સ્તરે 100% સૂકો અને ભીનો કચરો અલગ કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવાશે.
  • વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ્સ દ્વારા ઓર્ગેનિક કચરાથી ઊર્જા અને ખાતર ઉત્પન્ન કરવા વધુ પ્રયાસ થશે.
  • ટેકનોલોજી આધારિત મોનિટરિંગ જેવી કે GPS અને AI વડે સફાઈ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવશે.
  • નાગરિકો અને શૈક્ષણિક સંસ્થાઓની સહભાગિતા વધારવા માટે વ્યાપક જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવશે.
  • શહેરમાં સોસાયટીઓની સાથે-સાથે વિવિધ વાણિજયક એકમોને પણ સ્વચ્છતા અંગે પ્રોત્સાહિત કરવા માટે ‘ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ 0’ શરૂ કરવામાં આવશે.

અમદાવાદના નાગરિકોને તમારે શું સંદેશ આપવો છે? ખાસ કરીને સ્વચ્છતા જાળવવા અંગે.

સૌએ ઘરમાંથી કચરો સૂકો અને ભીનો અલગ કરીને આપવો, જાહેર સ્થળે કચરો ન ફેંકવો અને સ્વચ્છતા જાળવવા માટે અન્યને પ્રેરિત કરવાં જોઈએ. સાથે જ સફાઈ કામદારોના પરિશ્રમનું સન્માન કરી તેમને સહકાર આપવો જોઈએ. “મારું શહેર, મારી જવાબદારી”ના સિદ્ધાંતને સમજીને આપણે એક સ્વચ્છ, આરોગ્યદાયક અને ગૌરવભર્યું અમદાવાદ બનાવી શકીએ, જ્યાં સફાઈ ફક્ત અભિયાન નહીં પરંતુ એક સંસ્કાર બને.

(રાધિકા રાઓલ – અમદાવાદ)