સામાન્ય રીતે દિવાળી એટલે હર્ષોલ્લા અને ઉમંગનો તહેવાર. પરંતુ ક્યારેક થોડીક બેદરકારીના કારણે હર્ષોલ્લાસનો તહેવાર જીવનભર ન ભૂલી શકાય તેવી ખરાબ યાદમાં ફેરવાય જાય છે.
ચિત્રલેખા: દિવાળીના તહેવારને લઈને કેવાં પ્રકારની તૈયારીઓ છે?
જશવંત પ્રજાપતિ: દિવાળીના તહેવારો દરમિયાન આગ-અકસ્માતના કેસોમાં અંદાજિત 16 ટકાનો વધારો થતો હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે 108 ઈમર્જન્સી સેવાએ પણ પ્લાન તૈયાર કરી નાખ્યો છે. આ માટે 838 એમ્બ્યુલન્સ, 38 ICU ઓન વ્હીલ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન લગભગ સાતેક દિવસનું મીની વેકેશન હોય છે. જે દરમિયાન મોટાં-મોટાં હોસ્પિટલ બંધ હોય છે. બીજી તરફ લોકોની મુવમેન્ટના કારણે ઈમરજન્સી કેસમાં વધારો થાય છે. વધારાનો સ્ટાફ લોકોની સેવામાં કાર્યરત રહે તેનું અમે લોકો અગાઉથી જ પ્લાનિંગ કરીએ છીએ. અમારી એમ્બ્યુલન્સમાં વપરાતી દવાઓ અને મેડિકલ સાધનો અમે અગાઉથી સ્ટોરેજ કરી લીધા છે. વધારાના કોલને પહોંચી વળવા માટે સ્ટાફની રજાઓનું પણ અરેન્જમેન્ટ્સ એ પ્રમાણે કર્યુ છે કે તહેવારો દરમિયાન અમારા કર્મચારીઓ ઓછી રજા લે.
તહેવાર દરમિયાન ઇમર્જન્સી સેવામાં વધારાને લઈને સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સમાં દવા અને અન્ય વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. તહેવાર સમયે દર્દીને ઝડપથી હેન્ડઓવર ટેકઓવર કરી શકાય તેમજ એમ્બ્યુલન્સને ઝડપથી ફ્રી કરી શકાય તે માટે અમે લોકો અગાઉથી મોટાં હોસ્પિટલ્સ સાથે સંકલન કરીએ છીએ. જરૂર પડે અમારો સ્ટાફ પણ ઈમરજન્સી વિભાગના અરાઈવલ પર હાજર રાખીએ છીએ, જેનાં કારણે સિમલેસલી દર્દીને વોર્ડમાં ટ્રાન્સફર કરી શકાય. સાંજના સમયે આ અકસ્માતના કેસો વધારે આવતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન વધતા જતા આગ-અકસ્માતના કેસમાં વધારો જણાય છે, ત્યારે લોકોને સાવચેતી જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
સામાન્ય દિવસોમાં 4,000થી 4500 જેટલા કેસો આવતા હોય છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમર્જન્સી કોલમાં 16 ટકા વધારો થઈને 5200 કેસ આવી શકે છે. ભાઈ બીજના દિવસે 13 ટકા વધારો થઈને 5000 કેસ આવી શકે છે. દિવાળીના તહેવારો દરમિયાન આગ, અકસ્માત, મારામારી, પડવાના અને શ્વાસના કેસ વધુ આવતા હોય છે. દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાય છે.
દિવાળીના તહેવારો દરમિયાન મોટાં શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પોતાના વતન જતાં હોય તેવાં સમયે અકસ્માત થતાં હોય તેવાં જિલ્લામાં અરવલ્લી, મહીસાગર, આણંદ, મહેસાણા, છોટાઉદેપુર, દાહોદમાં વધુ કેસ જોવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં બ્લેક સ્પોટ આઇડેન્ટિફાય કર્યા છે. બ્લેક સ્પોટ પર બંદોબસ્ત, બમ્પ, સિગ્નલ, સાઈન બોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તહેવારમાં બહાર જતા ઓવરસ્પીડના કેસ જોવા મળતા હોય છે. 75 ટકા કેસ રોડ અકસ્માતના જોવા મળતા હોય છે. અકસ્માતમાં હેલ્મેટ વગરના કેસ વધુ હોય છે. તહેવારો દરમિયાન લોકો ફરવા માટે અથવા તો કોઈને મળવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય છે ત્યારે તેમની મુવમેન્ટ વધે છે. એ દરમિયાન અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે. આ સિવાય મારમારી, પડી જવાથી વાગવાના, જરૂરી ખાનપાનમાં ધ્યાન ન રાખે તો ફૂડ પોઈઝનિંગના કેસ પણ આવતા હોય છે. આ બધાં ઉપરાંત બર્ન કેસીસ એટલે કે દાઝી જવાના કેસમાં પણ વધારો સામાન્ય દિવસ કરતાં દિવાળીના તહેવારો દરમિયાન થતો હોય છે.
૧૦૮-ઈએમએસ તરફથી હું તમામ નાગરિકોને સુરક્ષિત અને સમૃદ્ધ દિવાળી માટે શુભેચ્છા પાઠવું છું. તહેવારની ઉજવણીમાં મગ્ન થતી વેળાએ, નાગરિકોને થોડા જરૂરી પગલાં લેવા વિનંતી કરું છું. દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતોના મોટા પ્રમાણમાં બનાવો જોવા મળતા હોવાથી, હું નમ્ર વિનંતી કરું છું કે તમે સાવચેત અને સુરક્ષિત રીતે મુસાફરી કરો. પેટ સંબંધિત સમસ્યાઓ ટાળવા માટે ગુણવત્તાવાળા અને પૂરતા પ્રમાણમાં આહાર લેવું પણ મહત્વનું છે. ઉપરાંત, તમારી આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ રાખીને શારીરિક ઝઘડાઓ અટકાવવાનો પ્રયાસ કરવો.
(રાધિકા રાઓલ – અમદાવાદ)