દેશના 74મા સ્વાતંત્ર્ય દિવસે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધું. આ ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેને તેની 16 વર્ષની કારકિર્દી દરમિયાન ભારતીય ટેસ્ટ, વન-ડે ઈન્ટરનેશનલ્સ અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સમાં ભારતની સફળતામાં બહુમૂલ્ય પ્રદાન કર્યું છે.
ધોની બેટ્સમેન તરીકે એની આકર્ષક ફટકાબાજી દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણીતો. એમાંય એનો હેલિકોપ્ટર શોટ જોવાની વિશેષ મજા આવે. હવે એ શોટ જોવા નહીં મળે, દર્શકોને એની ખોટ સાલશે.
હેલિકોપ્ટર શોટ એવા પ્રકારનો ફટકો છે જે જોતી વખતે એમ લાગે કે આ રમવો તો બહુ આસાન છે, પણ જ્યારે રમવાનું આવે ત્યારે બેટ્સમેનને ભારે પડી જાય. બાવડાઓ સાથે બેટને ઘૂમાવતો શોટ રમતી વખતે વિશેષ કાળજી રાખવી પડે. પણ ધોની એમાં પાવરધો. વિરેન્દર સેહવાગ, બ્રેટ લી, ડીન જોન્સ અને વી.વી.એસ. લક્ષ્મણ જેવા અનેક બેટ્સમેનોએ ધોનીના એ શોટની નકલ કરવાની કોશિશ કરી જોઈ હતી, પણ એકેય જણ ફાવ્યો નહોતો.
આમ તો સર વિવિયન રિચર્ડ્સ, સચીન તેંડુલકર, અબ્દુલ રઝાક આ શોટ રમતા હતા, પણ ધોનીની સ્ટાઈલનો જોટો જડે નહીં. ધોનીએ હેલિકોપ્ટર શોટને લોકપ્રિય બનાવ્યો.
ધોની હેલિકોપ્ટર શોટ મારવાનું ટેનિસ બોલથી રમીને શીખ્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધોનીની નિવૃત્તિની જાહેરાત બાદ પોતાના પ્રત્યાઘાત આપ્યા છે અને કહ્યું છે કે દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ ધોનીની અનોખી ક્રિકેટ સ્ટાઈલ અને ખાસ કરીને હેલિકોપ્ટર શોટને મિસ કરશે.
ધોનીએ તેના નેતૃત્ત્વમાં ભારતને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ (2007) અને ODI વર્લ્ડ કપ ટ્રોફી (2011) અપાવી છે. તે ઉપરાંત 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતને વિજેતા બનાવ્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં પીળા રંગની જર્સીમાં સજ્જ થઈને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને એણે 3 વાર (2010, 2011, 2018માં) વિજેતા બનાવી હતી.
ધોનીની આખરી ઈન્ટરનેશનલ મેચ બની રહી 2019ની વર્લ્ડ કપ સેમી-ફાઈનલ મેચ, જેમાં ભારત હારી ગયું હતું.
ધોનીના કારકિર્દીના આંકડા પર એક નજરઃ
એ 90 ટેસ્ટ, 350 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 98 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં રમ્યો હતો. એમાં તેણે અનુક્રમે 4,876, 10,773 અને 1,617 રન કર્યા. વન-ડે ક્રિકેટમાં એની બેટિંગ સરેરાશ રહી 50.53.
કેપ્ટન તરીકે એ 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યો જે એક વિક્રમ છે. કેપ્ટન તરીકે એણે ટીમને 41 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં જીત અપાવી. 60 મેચોમાં સુકાન સંભાળીને ભારતને 27માં જીત અપાવીને એ દેશનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો છે.
ધોની એની પહેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ – જે વન-ડે ઈન્ટરનેશનલ મેચ હતી, તે 2004ની 23 ડિસેંબરે બાંગ્લાદેશ સામે રમ્યો હતો. એની આખરી વન-ડે ઈન્ટનેશનલ મેચ હતી 2019ના વર્લ્ડ કપમાં, ન્યૂઝીલેન્ડ સામેની મેચ, જે ભારત હારી ગયું હતું. ધોની એની પહેલી ટેસ્ટ મેચ 2005માં (શ્રીલંકા સામે) રમ્યો હતો અને એની આખરી ટેસ્ટ મેચ 2014માં હતી, જે ઓસ્ટ્રેલિયા સામે હતી.
વિકેટકીપર તરીકેનો દેખાવ આ મુજબ રહ્યોઃ
ટેસ્ટ મેચોમાં 256 કેચ પકડ્યા અને 38 સ્ટમ્પિંગ કરી. વન-ડે ક્રિકેટમાં 321 કેચ પકડ્યા અને 123 સ્ટમ્પિંગ કરી જ્યારે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 57 કેચ અને 34 સ્ટમ્પિંગ.
ધોની સાથે સુરેશ રૈનાએ પણ ક્રિકેટને રામરામ કરી દીધા
ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી એની થોડી જ મિનિટો બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી દેતાં ભારતીય ક્રિકેટચાહકોને ડબલ-આંચકો લાગ્યો હતો.
સુરેશ રૈના કારકિર્દી દરમિયાન 19 ટેસ્ટમાં રમ્યો જેમાં 768 રન બનાવ્યા. એણે પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પણ ત્યારબાદ એ બીજી સદી ફટકારી શક્યો નહીં.
એ 226 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં પણ રમ્યો અને 5,615 રન કર્યા. એમાં તેણે કુલ પાંચ સદી ફટકારી હતી.
રૈના કુલ 78 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યો હતો. ટ્વેન્ટી-20 ક્રિકેટમાં સદી ફટકારનાર એ પહેલો ભારતીય બેટ્સમેન બન્યો હતો. ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવાનું પહેલું બહુમાન રૈનાએ મેળવ્યું છે.
એ મોટા ભાગની આંતરરાષ્ટ્રીય મેચો ધોનીના સુકાનીપદ હેઠળ રમ્યો હતો.
ત્રીજા કે ચોથા ક્રમે બેટિંગ કરનાર રૈનાની બેટિંગ સરેરાશ આ મુજબ રહીઃ
ટેસ્ટ મેચ – સરેરાશ 25
વન ડે ઈન્ટરનેશનલ્સ – સરેરાશ 35
ટ્વેન્ટી 20 ઈન્ટરનેશનલ્સ – સરેરાશ 30
રૈના એની ફિલ્ડિંગ ચપળતા માટે અને કેચ ઝડપવા માટે પણ જાણીતો થયો છે.
2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો રૈના પણ સભ્ય હતો.
આમ હવે ટીમ ઈન્ડિયાના ચાહકોને ધોની અને રૈનાની ફટકાબાજી, ચોગ્ગા-છગ્ગાની આતશબાજી હવે ફરી જોવા નહીં મળે, પણ સ્મૃતિમાં તો કાયમ રહેશે.