ગર્વીલી ગુજરાતણ ટાઈમ મેગેઝિનના મુખપૃષ્ઠ પર

વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝીનના કવર પેજ પર ચમકવું એ નાનીસૂની વાત નથી. અગાઉ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નરેન્દ્ર મોદી અને ફિલ્મ અભિનેત્રી પરવીન બાબી જેવા ગુજરાતીઓને આ સમ્માન મળ્યું છે. એ પછી હમણાં ગુજરાતી પૅરા બૅડમિન્ટન-ઍથ્લીટ માનસી ગિરિશચંદ્ર જોશીને એ માન મળ્યું છે. અફકોર્સ, એની પાછળનું  શ્રેય એમણે મેળવેલી સિદ્ધિને જ જાય છે.

કેવુંક ફિલ કરે છે માનસી આ જગવિખ્યાત મેગેઝીનના કવરપેજ પર ચમક્યા પછી? સૌ પ્રથમ એ ચિત્રલેખા.કોમ સાથે વાત કરે છે. વાંચો, એ એક્સક્લુઝિવ મુલાકાત… 

(કેતન મિસ્ત્રી-મુંબઈ)

———————————————————

આનંદો. એક ભારતીય અને ગુજરાતી તરીકે આપણે માટે પોરસાવા જેવી વાત છે. જગવિખ્યાત ટાઈમ મૅગેઝિને તાજેતરમાં પૅરા બૅડમિન્ટન-પ્લેયર માનસી જોશીને પોતાની એશિયન આવૃત્તિના મુખપૃષ્ઠ પર ચમકાવી છે. તથા મુખ્ય તેમ જ તમામ એડિશનમાં એની નોંધ લીધી છે. માનસીની વિશેષ નોંધ લેવામાં આવી છે દિવ્યાંગોના અધિકાર માટે અવાજ ઉઠાવનારી વીરાંગના તરીકે.

હજી ગયા જ વર્ષે સ્વિત્ઝરલૅન્ડમાં બીડબ્લ્યુએફ પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી માનસી આ વિશે અમદાવાદથી ટેલિફોનિક ટૉકમાં ચિત્રલેખા.કોમ ને કહે છેઃ ‘ટાઈમ જેવા મેગેઝિનના કવરપેજ પર મારી તસવીર હશે એવી તો મેં કલ્પના પણ કરી નહોતી એ પણ નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં… દોઢેક મહિના પહેલાં મને ઈ-મેલ આવેલો કે અમે તમારું નામ આવનારી પેઢીનાં દસ નેતાના અમારા વાર્ષિક લિસ્ટ (નેક્સ્ટ જનરેશન લીડર્સ)માં લેવાનું વિચારી રહ્યા છીએ. એ પછી કન્ફર્મેશન આવ્યું અને એમના ન્યૂ યૉર્ક તથા સિંગાપોરના પ્રતિનિધિઓએ મારા વિડિયો ઈન્ટરવ્યૂઝ લીધા…’

ઈન્ટરવ્યૂ બાદ અમદાવાદનાં કન્નગી ખન્ના નામના એક ફોટોગ્રાફરને એમણે માનસીબહેનની તસવીરો લેવાનું કામ સોંપ્યું. ટાઈમ ઉપરાંત બીબીસી જેવાં માધ્યમ માટે
ફોટોગ્રાફી કરતાં કન્નગીબહેને અમદાવાદમાં માનસીના કેટલાક સુંદર ફોટોગ્રાફ્સ લીધા.

પરિણામ? મુખપૃષ્ઠ જુઓઃ

અચ્છા, કોરોના મહામારીનો સમયગાળો કેવો રહ્યો?

જવાબમાં માનસી કહે છે: ‘બધા માટે આ સમયગાળો કપરો હતો અને છે. મારી અનેક ટુર્નામેન્ટ્સ રદ થઈ. ફેબ્રુઆરીના અંતમાં હું પેરુ, બ્રાઝિલ, વગેરેમાં ટુર્નામેન્ટ રમી હૈદરાબાદ ટ્રેનિંગ માટે ગઈ. ત્યાં સમાચાર મળ્યા કે મારાં વહાલાં દાદીમા, ઈન્દિરાબહેન જોશીનો દેહાંત થયો છે. એ માટે હું હૈદરાબાદથી અમદાવાદ આવી ને ત્યાં લૉકડાઉન જાહેર થયું ને મારે અમદાવાદ રોકાઈ જવું પડ્યું.’

માનસી ઉમેરે છે કે દરરોજ હું 8-9 કલાક એક્સરસાઈઝ તથા પ્રૅક્ટિસ પાછળ વિતાવતી એને એકાએક બ્રેક લાગી ગઈ. આમ છતાં મેં શક્ય એટલી પ્રૅક્ટિસ ચાલુ રાખી. આ ઉપરાંત સાઈકલિંગ તથા મુંબઈથી વિશેષ પ્રોસ્થેસીસ મેળવી દોડવાનું ચાલુ કર્યું. કોરોના પેન્ડેમિક કે એના જેવી અચાનક આવી પડેલી આપદાનો સામનો કેવી રીતે કરવો એ વિષય પર બાળકો-યુવાનો તથા કૉર્પોરેટ્સ માટે વેબિનાર્સ કર્યાં.

દુનિયાભરમાંથી પર્યાવરણ, પરફૉરમિંગ આર્ટ્સ, શિક્ષણ, ખેલકૂદ જેવાં વિવિધ ક્ષેત્રના લીડરની પસંદગીમાં માનસીનું નામ આવતાં દિવ્યાંગો માટે લોકોની માનસિકતા,દષ્ટિકોણ
બદલાશે તથા આવનારી પેઢીને આમાંથી પ્રેરણા મળશે. છ વર્ષની વયથી પિતા સાથે બૅડમિન્ટન રમતી માનસીના જીવનમાં નાટ્યાત્મક વળાંક આવ્યો 2011માં. એક રોડ એક્સિડન્ટમાં માનસીએ ડાબો પગ ગુમાવ્યો. એ સાથે જ આ સૉફ્ટવેર એન્જિનિયર માનસીનું જીવન સમૂળગું બદલાઈ ગયું. જો કે અથાગ મહેનત અને અડગ નિર્ધારથી એ આજે યુવાનો માટે પ્રેરણામૂર્તિ બની ગઈ છે. મહામારી બાદ એની પહેલી ટુર્નામેન્ટ 2021ના માર્ચમાં સ્પેનમાં યોજાશે. ત્યાં સુધી પ્રેક્ટિસ…પ્રૅક્ટિસ પ્રૅક્ટિસ.