ગયા વર્ષની વાત છે. એકવાર બાંદરાના પ્રાઈડ ફર્નિશિંગનો મેસેજ આવ્યો, `હવે શોરૂમ એકદમ મસ્ત બનાવ્યો છે. ફુલ્લી રિફર્બિશ્ડ, નવી-નવી પ્રોડક્ટ છે, એકવાર આવજો.’ એકાદ શોરૂમમાં જવાની તક કોણ જતી કરે અને આમ પણ મને એક કમ્પ્લીટ બેડસ્પ્રેડ કુશન્સ, પિલોઝ એમ આખો સેટ ગિફ્ટ આપવા માટે જોઈતો જ હતો. નીલ અને હેતા નજીક જ હતાં. તેમને કહ્યું,`હું પ્રાઈડમાં જઈ રહી છું, બેડસેટની એક ગિફ્ટ લેવી છે.’ હેતાએ કહ્યું, `મને પણ એવીજ બેડસ્પ્રેડ ગિફટ લેવી છે, ચાલો હું પણ આવું છું.’ અરે વાહ! સાસુ અને પુત્રવધૂ, ગ્રેટ પીપલ થિંક અલાઈક. અમારી ત્રણેયની સવારી પહોંચી પ્રાઈડમાં. આ લઈએ, તે લઈએ કરતાં-કરતાં અમે બે સેટ્સ સિલેક્ટ કર્યા. સેટમાં હતું બેડસ્પ્રેડ, બે મોટાં પિલોઝ, બે મોટાં નરમ-નરમ કુશન્સ, બે નાના કુશન્સ અને એક થ્રો કુશન.
હવે તમે કહેશો કે આટલા ડિટેઈલિંગની શું જરૂર છે. બધાં સેટ્સ આવા જ હોય છે. જો કે, આ થોડું વધુ પડતું થઈ ગયું. હવે આ સેટમાં બધા કવર્સ હોય છે તેમાં ફરી ફિલર્સ ક્યારે લેવા જઈશું એમ વિચારી મેં કહ્યું, `તેમાં ફિલર્સ પણ ભરી આપો ને.’ એક જ વાર ખર્ચ કરી નાખીએ. જેને ગિફ્ટ આપીશું તે પણ તુરંત ઉપયોગ કરી શકવો જોઈએ ને? અન્યથા વસ્તુ નાહકની પડી રહે છે. તેણે ફિલર્સ ભરવાનું શરૂ કર્યું અને અમે ત્રણેયે યુરેકા કહીને એકબીજા સામે જોયું. તેમાંથી જે પિલો કવર હતું તે રેક્ટેન્ગ્યુલર એટલે કે આપણા નિયમિત તકિયાના કવર જેવું જ હતું, થોડું મોટું, તે કવરની જે ચેઈન તે તકિયાની આડી બાજુમાં હતી. એટલે તકિયાના કવરને ઓપનિંગ આપણે કાયમ નાની ઊભી બાજુમાં જોયું છે. આ આડું હોવાથી તેમાં ફિલર નાખીને ફરી ચેઈન લગાવવાનું એટલું ઈઝી હતું કે તે પળે એવો વિચાર આવ્યો કે `ઈટ્સ સો સિંપલ, અગાઉ કોઈને જ કેમ સૂઝ્યું નહીં.’ મને અમારા નાનપણના દિવસો યાદ આવ્યા. તકિયાને કવર્સ નાખવાનો એક કાર્યક્રમ રહેતો. તે લાંબોલચક તકિયો, તે કવરના નાના ઓપનિંગમાંથી અંદર નાખવાનો, તેના ચારેય ખૂણા બરોબર તે કવરની ચારેય સાઈડમાં પરફેક્ટલી ફિટ કરવાના, કવરની અંદરનું ફોલ્ડ બરોબર બહાર લાવીને કવરમાંથી દેખાતો તકિયો ઢાંકી દેવાનો અને તકિયાની વચ્ચે કાપુસ એક ઠેકાણે જમા થયો નથી ને તેની ખાતરી કરવાની. તકિયાના કવર નાખવા તે અમારા ઘરે તો વર્કશોપ રહેતો. પરફેક્ટ કવર નહીં નાખવાથી ધપાટા પણ ખાધા છે, જેથી આ કવર્સ નાખવાનો કાર્યક્રમ નહીં જોઈએ એવું લાગતું.
તે સમયે આવો પ્રશ્ન કેમ નહીં ઉદભવ્યો હોય કે `આ કવર્સ તકિયા કરતાં થોડા મોટા કેમ નથી?’ એટલે તેને ઝિપ અથવા ચેઈન હોવી જોઈએ તે બહુ આગળનો વિચાર હતો, કારણ કે ઝિપના ક્ષેત્રમાં નવી-નવી બાબતો આવતી હતી. સ્ટીલની ચેઈન્સ સાથે પ્લાસ્ટિક ફાઈબરની સ્મૂધ ચેઈન્સ આવવાનું શરૂ થયું હતું, જેથી તે પ્રશ્ન નહોતો પણ તકિયાનું કવર થોડું મોટું કેમ નહોતું? આજની સ્ટાર્ટઅપ જનરેશનને આ બાબત સમજાશે નહીં, કારણ કે તેઓ આજે કોઈ પણ સાઈઝનો તકિયો અને કોઈ પણ સાઈઝનાં કવર્સ બેઠાં-બેઠાં ઓર્ડર કરી શકે છે. જો કે તે જમાનો હતો એક જ સાઈઝનો તકિયો અને એક જ સાઈઝનાં કવર્સ માર્કેટમાં ઉપલબ્ધ રહેતા. બોલીવૂડની ભાષામાં કહેવાનું મન થાય છે કે, `જિસ પર બિતતી હૈ ઉસી કો વહ પિલો કવર્સ ડાલને કા દર્દ પતા હૈ.’ એટલે કે, પરફેકશન માટે માતા-પિતાના ધપાટા છોડી દઈએ તો મજા પણ આવતી. એકબીજાને તકિયાથી મારવું, તકિયો એકબીજા પર ફેંકવો વગેરે. નોસ્ટેલ્જિક મોમેંટ્સ. પ્રાઈડ ફર્નિશિંગમાં તે પિલો કવર મોમેન્ટ તે દિવસની `ટેક અવે’ બાબત હતી. બીજા દિવસે મેં કોઈક એક મિટિંગમાં આ કિસ્સો જણાવ્યો ત્યારે સામેવાળાની આંખો ચમકી, `અરે ખરેખર!’ એ ભાવથી. અમારી સિનિયર એચ.આર. મેનેજર એની અલ્મેડા કહેતી, `અરે ઉસ ટાઈમ હી નહીં, આજ ભી હમ પિલો કવર્સ ડાલને કે લિયે ઝગડતે હી હૈ. ક્યૂં ઐસી ચીજે ધ્યાન મેં નહીં આતી? ઈટ્સ સો સિંપલ, હાઉ કમ નો બડી ડિડ ઈટ બિફોર?’
આપણા બધાના મનગમતા ડાયરેક્ટર, પ્રોડયુસર, એક્ટર, સ્ક્રીનપ્લે રાઈટર, રવિ જાધવે અગાઉ અમારા માર્કેટિંગ માસ્ટર ક્લાસ લીધા હતા. તેમાં તેમણે કહ્યું હતું, `આઈડિયા કોઈને પણ સૂઝી શકે છે. સૂઝ્યા પછી લાગે છે, અરે આ કેટલું આસાન હતું, આપણને કેમ સૂઝ્યું નહીં? આઈડિયા પર વિશ્વાસ રાખીને સૌપ્રથમ તે ઈમ્પ્લીમેન્ટ કરનારા અને તેમાં સાતત્યતા રાખનારા સફળ થાય છે.’ ખરેખર કેટલું સાચું છે આ. સાદા પિલો કવર્સના દાખલાથી તે સામે આવ્યું. આવા દાખલા આજકાલ સ્ટાર્ટઅપના જમાનામાં ઠેર-ઠેર દેખાય છે અને પછી અગાઉ આટલા મોટા પાયા પર આઈડિયાઝ કેમ સૂઝ્યા નહીં? આ પ્રશ્ન થતો. ચર્ચા સત્ર માટે સારો વિષય છે આ નહીં? શાળામાં નિબંધ લખવા માટે આવતો,`હું સાયન્ટિસ્ટ બની તો?’ અને મને લાગતું,`એક તો મારું સાયન્ટિસ્ટ બનવું એટલી દૂરની વાત છે કે તેનો વિચાર પણ શા માટે કરવો જોઈએ અને તેમાં સમય શા માટે વેડફવો જોઈએ.બીજી વાત એ કે હમણાં સુધી જેટલા સાયન્ટિસ્ટ થઈ ગયા તેમણે પોત-પોતાનું કામ એટલું સારું કર્યું છે કે બધી શોધ કરી ચૂક્યા છે તો હવે હું શું નવું કરીશ?’ આટલી ઉચ્ચ વિચારસરણી હોય તો તે નિબંધની કેવી વાટ લાગી હશે તેની કલ્પના નહીં કરીએ તે જ સારું છે. જો કે તે સમયે આઈડિયાઝ ઓછા સૂઝતા તેનું કારણ મને લાગે છે કે આપણી પર પ્રચંડ સંસ્કારનો ભાર હતો. `જે છે તેમાં ચલાવવું,’`ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા, ‘તેને કારણે આપણામાંથી મોટા ભાગના લોકો સતત સહન કરતા હતા. `એકાદ બાબત આવી છે’ ઠીક છે પણ `આ બાબત આવી કેમ નથી?’આ પ્રશ્ન આપણે પોતાને પૂછ્યો નહીં.`અરે’ને `કેમ રે’ કરવાનું નહીં ને. તેમાં પણ જેમણે અલગ માર્ગ અપનાવ્યો, જેમણે તેમને સૂઝેલા આઈડિયાઝને ફોલો-અપ કર્યું તેમની પાસેથી નવી-નવી બાબતો બની અને તેથી જ આજે જે કાંઈ સુસહ્ય જીવન આપણે જીવી રહ્યાં છીએ તે આવા અનેક લોકોની જીદનું અને ધ્યેયપૂર્તિનું રિઝલ્ટ છે અને તે માટે આપણે તેમના ઋણી છીએ અથવા હોવા જોઈએ.
છેલ્લા બે-ત્રણ દાયકામાં જો કે યુવાનોની માનસિકતા સારી એવી બદલાઈ ગઈ છે. `મળ્યું તે ભલું’ એ ઈતિહાસ જેવું થઈ ગયું છે. `વ્હાય? શા માટે? કેમ?’ આ પ્રશ્ન ખુલ્લેઆમ પૂછાવા લાગ્યા છે. તે પૂછવું હવે ગિલ્ટ ફીલ કરાવતું નથી. અન્યથા એક જમાનો હતો અથવા હજુ પણ અમુક પરિવારમાં તે હોઈ શકે (જેમણે બદલાઈ જવું જોઈએ). `જેટલું કહ્યુંને તેટલું કર. અમસ્તા જ ચંચૂપાત નહીં જોઈએ,’ `પ્રશ્ન પૂછવાના નહીં.’ આટલી ધાક અથવા ભય રહેતો કે નવેસરથી વિચાર કરવાની ગુંજાયશ નહોતી. આજની પેઢીને સહજ રીતે જે પ્રશ્ન પૂછે અને તેના ઉત્તરો શોધવાનો તેઓ પ્રયાસ કરે છે. તે માટે તેમને ખુલ્લું આકાશ મળે છે, તેટલું પ્રમાણમાં અગાઉ આપણને મળતું નહોતું.
અર્થાત, શિસ્ત પણ મહત્ત્વની હતી. આથી `હું જો જીવનમાં કાંઈ કરી નહીં શકી હોઉં અને તેનો દોષ હું મારાં માતા-પિતા પર અથવાગત પેઢી પર નાખું તો તે છટકબારી બનશે.’ જો કે આ થોડી જૂની ઘરેડની કુટુંબ સંસ્થા થોડું નુકસાન કરી ગઈ છે. એટલે કે, આજની ખુલ્લી કુટુંબ સંસ્થામાં બધું જ ઓલવેલ છે એવું નથી. પરંતુ `આઈડિયા’ એ મારો આજનો જે વિષય છે તે માટે ખુલ્લી કુટુંબ સંસ્થા, નવા વિચારોને વાચા આપનારી કુટુંબીઓની માનસિકતા, `આઈડિયાઝ’ પકડી રાખી સામાજિક-રાજકીય-આર્થિક પોષક વાતાવરણ એવી બાબત નવી પેઢી માટે બહુ સારી રીતે લાભદાયક નીવડી છે. તેનો સંપૂર્ણ ફાયદો તેઓ લઈ રહ્યા છે અને તેમને કારણે આપણી દુનિયા એકદમ આસાન બની ગઈ છે. અનેક બાબતોમાં વેડફાતો આપણો પ્રચંડ સમય બચવા લાગ્યો છે. અર્થાત આપણે આ બચેલા સમયનું શું કરીએ છીએ તેના પર ધ્યાન આપવું જોઈએ. આત્મપરીક્ષણ કરવું જોઈએ. જો બચેલો સમય સોશિયલ મિડીયા પર વપરાતો હોય તો અન્યાય છે, જેમણે આ સિંપલ સોલ્યુશન્સ નિર્માણ કર્યા છે તેમની પર, કારણ કે તેમનો હેતુ એ જ છે કે એકાદ બાબત પર નાહક વેડફાતો સમય બચાવો અને આપણા બચેલા સમયમાં આપણે પોતાના માટે, કુટુંબ માટે, આપણા કરિયર માટે, સમાજ માટે અથવા દેશ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમ કાંઈક હકારાત્મક યોગદાન આપવું. સો, જસ્ટ બી કેરફુલ.
અગાઉ દુનિયાભરમાં ફરતી વખતે, સમય હોય તો જે તે દેશ અથવા શહેરમાં હું`આઈકિયા’માં જતી. તેમના તે સિંપલ મસ્ત-મસ્ત આઈડિયાઝ અને સોલ્યુશન્સ જોવાની મજા આવતી. એટલે કે, અમુક બાબતો જોઈને એવું લાગતું કે, `અરે, ઈટ્સ સો સિંપલ અને આપણે તે બાબત બનાવડાવી લેવા કેટલા મથામણ કરીએ છીએ અને આપણો સમય પણ તેની પાછળ વેડફાય છે.’ બહારના દેશમાં જનરલી મારો સાંજે કાર્યક્રમ હોય અથવા ગેસ્ટને મળવાનું હોય છે. સવારે જો કોઈ એસોસિયેટની મિટિંગ નહીં હોય તો ત્યાંના આઈકિયામાં અચૂક પહોંચી જાઉં છું. હવે એમેઝોન પર આ બધું ઉપલબ્ધ છે પણ ત્યાં લોગ ઈન કરવાનો ડર લાગે છે. નહીં જોઈએ તે વસ્તુઓ ખરીદી કરવાનો મોહ થાય છે. આઈકિયા જેવી બીજી મનગમતી જગ્યા એટલે `મુજી.’ તે નાના-નાના સિંપલ સસ્ટેનેબલ સોલ્યુશન્સની શું વાત છે! કપડાંનું શોપિંગ હું કરતી નથી, પરંતુ આ નવા-નવા સોલ્યુશન્સ સ્ટોર્સ જોવાનું અથવા વિંડો શોપિંગ કરવાનો મારો શોખ છે. શું મસ્ત દુનિયામાં આપણે છીએ! આ સોલ્યુશન્સ નહોતા તે સમયની દુનિયા આપણે જોઈ છે, જેથી આપણે વધુ કૃતજ્ઞ છીએ આ સર્વ યુવાનો પ્રત્યે, તેમણે નિર્માણ કરેલા સિંપલ સોલ્યુશન્સ પ્રત્યે અને આપણું જીવન સુસહ્ય બનાવ્યું તે માટે. ભલે આપણને આવા સોલ્યુશન્સની જરૂર હોય કે નહીં હોય, ક્યારેક શહેરના એકાદ મોટા મોલમાં જવાનું, સતર્ક રહેવાનું, શું નવું નવું નિર્માણ થયું છે તે જોવાનું, ખુલ્લા મનથી કહેવાનું,`ઓહ, ઈટ્સ સો સિંપલ, હાઉ કમ,મને તે કેમ સૂઝ્યું નહીં!’
અરાઉન્ડ દ વર્લ્ડ
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
