ઈઝરાયલ-ભારત મૈત્રી… ઔર સજેગી અભી ઔર સંવરેગી!

આ વર્ષે ભારત પ્રજાસત્તાક દેશ બન્યાનો અમૃત મહોત્સવ ઊજવે છે. એ જ વર્ષે એટલે કે ૧૯૫૦ની ૧૭ સપ્ટેમ્બરે ભારતે એક દેશ તરીકે ઈઝરાયલને સત્તાવાર માન્યતા આપી  હતી. આનો અર્થ એ કે ભારતે ઈઝરાયલનો સ્વીકાર કર્યાનાં ૭૫ વર્ષ પણ થોડા મહિનામાં પૂર્ણ થશે. યોગાનુયોગ, ૧૭ સપ્ટેમ્બર એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે!

ભારતે ભલે ૧૯૫૦માં ઈઝરાયલને માન્યતા આપી, પરંતુ આપણા બન્ને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો તો છેક ૧૯૯૨માં સ્થાપિત થયા હતા. મને યાદ છે, તેત્રીસ વર્ષ પહેલાં એટલે જૂન, ૧૯૯૨માં યુવા રાજદ્વારી તરીકે હું દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક  પર ઊતર્યો હતો. અમારું મિશન હતું, નવી દિલ્હીમાં અમારો દૂતાવાસ સ્થાપવાનું. એના થોડા જ દિવસ પછી મારે અમારા કૉન્સ્યુલેટની મુલાકાત માટે મુંબઈ જવાનું પણ થયું હતું.

મારા માટે ભારત આવવું એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. આનું કારણ એ કે બાળપણમાં મારા પર ભારતના સ્વાતંત્ર્યસંગ્રામનો બહુ પ્રભાવ હતો. ખાસ તો મહાત્મા ગાંધી. પ્રાચીન સભ્યતા અને યુવા લોકશાહી રાષ્ટ્ર તરીકે ઈઝરાયલ અને ભારત વચ્ચે સમાનતા પણ અનેક. ભાગલાનો પીડાદાયક અનુભવ તથા બન્ને દેશની પ્રજાને અન્ન, પાણી અને આજીવિકાની સમાન તક પૂરી પાડવાનો પડકાર પણ લગભગ એકસરખો. ત્યારથી માંડી અત્યાર સુધી આપણા દ્વિપક્ષી સંબંધો સમાંતર પાટાની જેમ આગળ વધ્યા છે અને હવે તો ખૂબ વ્યાપક બન્યા છે. વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, ખેડૂતો, વિજ્ઞાનીઓ અને સરકારી તથા બિનસરકારી સંસ્થા એવા કેટલાય સ્તરે આ સંબંધ પહોંચ્યા છે. નિતનવી ટેક્ધોલૉજી અને સંરક્ષણ ક્ષેત્રે સહકારનો તો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. ભારત-ઈઝરાયલ કૃષિ પ્રોજેક્ટ એ વિશ્ર્વનો અમારો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય વિકાસ સહયોગ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઈઝરાયલે ભારતમાં ૩૦ કેન્દ્રો (સેન્ટર ઑફ એક્સેલન્સ) ઊભાં કર્યાં છે, જે હજારો ભારતીય ખેડૂતોને ઈઝરાયલના કૃષિઅનુભવના આધારે કંઈ નવું શીખવા માટે મંચ પૂરો પાડે છે. ઈઝરાયલની રાજનીતિમાં પાણીવ્યવસ્થાપન મોખરાનું સ્થાન ધરાવે છે. અમારી સરકારે નવી દિલ્હીસ્થિત દૂતાવાસમાં વૉટર એટેચીનું એક નવું પદ બનાવ્યું છે એ જ એનું સૌથી મોટું ઉદાહરણ છે. બુંદેલખંડ હોય, મરાઠવાડા હોય કે મુંબઈ મહાપાલિકા હોય, ઈઝરાયલ એક મંત્રને સાર્થક કરવા માટે ઉત્સુક છે કે દરેક ટીપાં પર વધુ પાક (More Crop Per Drop) અને પાણીનાં દરેક ટીપાંનો પુન: ઉપયોગ અર્થાત્ પાણીનો શૂન્ય વ્યય. ભારતીય કૃષિક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે ઈઝરાયલમાં કોઈ પણ વ્યક્તિ કૃષિપ્રધાનના હોદ્દે હોય, એ ભારતની મુલાકાતે અચૂક આવે. ખેતી અને જળવ્યવસ્થાપન (વૉટર મૅનેજમેન્ટ)ની જેમ ઈઝરાયલ સાઈબર સુરક્ષાના ક્ષેત્રમાં પણ વિશ્ર્વ નેતા તરીકે ઊભરી આવ્યું છે.

નરેન્દ્ર મોદી અને ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચેની મૈત્રીએ આ સંબંધને નોખી ઊંચાઈએ પહોંચાડ્યો છે

ડિજિટલ ક્રાંતિનો અનુભવ કરી રહેલું અને પ્રતિભાનું કેન્દ્ર બનેલું ભારત અત્યારે ઈઝરાયલ માટે એક આદર્શ ભાગીદાર છે. આંતરિક સુરક્ષા, તબીબી ઉપકરણો, એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), રોબોટિક્સ, મટીરિયલ સાયન્સ, ક્લીન ઍન્ડ ગ્રીન ટેક્ધોલૉજી અને ફિન્ટેક એવાં કેટલાંક ક્ષેત્રો છે, જેમાં મને આપણા બે દેશ વચ્ચે દ્વિપક્ષી સહયોગ માટે મોટી તક દેખાય છે. બે દેશના કુશાગ્ર અને બુદ્ધિશાળી લોકો મળે ત્યારે સફળતા મળવી સ્વાભાવિક છે. ઉચ્ચ શિક્ષણ માટે ઈઝરાયલ આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો ટોચ પર હોય છે. ઈઝરાયલી યુનિવર્સિટીઓ અને કંપનીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા આતુર રહે છે.

આઠેક વર્ષ પહેલાં ઈઝરાયલી કૅબિનેટે ઔદ્યોગિક સંશોધન અને વિકાસ, ટેક્ધોલૉજી નવીનતા, વગેરે ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ માટે ૫૦૦ કરોડ રૂપિયાના વિશેષ ભંડોળને મંજૂરી આપી હતી. એ ભંડોળમાંથી સાઈબર સુરક્ષા, સ્ટાર્ટ-અપ્સ, અન્ય નવતર પ્રયોગો, વગેરે પર કામ થાય છે અને વિવિધ અહેવાલો, પ્રોજેક્ટ્સ, વગેરેનું સંકલન કરવામાં બન્ને દેશોના ઉદ્યોગ સાહસિકોને મદદ મળે છે. આનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં ખાનગી સંસ્થાઓની ભાગીદારીને સરળ બનાવવાનો પણ છે. ઈન્ડિયા ઈઝરાયલ સીઈઓ ફોરમ  પણ ઔદ્યોગિક સંશોધન અને વિકાસની દિશામાં કામ કરે છે. ભારત ૩૮૫ અબજ ડૉલરના કુલ મૂલ્યાંકન સાથેના ૧૧૮ યુનિકૉર્નનું ઘર છે. ઈઝરાયલમાં ૯૦થી વધુ ટેક યુનિકૉર્ન છે, જેનું સંયુક્ત મૂલ્યાંકન ૨૩૩.૭ અબજ ડૉલરથી વધુ છે. અમેરિકામાં યુનિકૉર્નના સ્થાપકોમાંથી ૯૦ ભારતીય મૂળના છે, જ્યારે બાવન ઈઝરાયલમાં જન્મેલા છે. સિલિકોન વૅલીમાં હિબ્રૂ અને હિંદી એક પ્રકારની માતૃભાષા બની ગઈ છે.

ભારત સાથેનો સંબંધ કૃષિ ક્ષેત્રે વિશ્ર્વના સૌથી મોટા સહયોગ પ્રોજેક્ટ સુધી પહોંચ્યો છે

ભારત-ઈઝરાયલી દ્વિપક્ષી વેપાર ૧૯૯૨માં ૨૦ કરોડ ડૉલરથી ઝડપથી વધીને અત્યારે ૧૦.૭૭ અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે. ઈઝરાયલ અત્યારે એશિયામાં ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બન્ને દેશ વચ્ચેના આપસી વ્યાપારમાં ભારત પરંપરાગત રીતે ઈઝરાયલ સાથે નોંધપાત્ર સરપ્લસ ધરાવે છે. એટલે કે ઈઝરાયલમાં ભારતની નિકાસ એની આયાત કરતાં વધુ છે. હવે બન્ને રાષ્ટ્રો વચ્ચે સંભવિત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોને વેગ આપવાનો નિર્ણય આ વર્ષે માર્ચમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આપસી સહકાર અને એકમેકની સાથે ઊભા રહેવાની વાત આવે તો એ ઉલ્લેખ કરવો રહ્યો કે ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯નાં યુદ્ધોમાં ભારતને ઈઝરાયલ દ્વારા મહત્ત્વપૂર્ણ સહાય આપવામાં આવી હતી, તો કચ્છમાં ૨૦૦૧ના વિનાશક ભૂકંપ પછી ઈઝરાયલ દ્વારા ફીલ્ડ હૉસ્પિટલ ઊભી કરવામાં આવી હતી.

ગુજરાત સાથે ઈઝરાયલનો વિશેષ નાતો રહ્યો છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી તત્કાલીન કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવાર સાથે ઍગ્રિટેક કૉન્ફરન્સ માટે ઈઝરાયલની મુલાકાતે ગયા હતા. ૨૦૧૭માં ઈઝરાયલની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા. પછીના વર્ષે, ૨૦૧૮માં પ્રધાન મંત્રી બેન્જામિન નેતન્યાહુએ ભારતની મુલાકાત લીધી હતી. ગુજરાતના લોકોએ એમનું જે ભવ્ય સ્વાગત કર્યું હતું એ ઈઝરાયલના નાગરિકોને હજી પણ યાદ છે. એ જ વર્ષે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઈઝરાયલની મુલાકાત લીધી હતી. ઈઝરાયલની સૌથી પ્રખ્યાત ટપક સિંચાઈ (ડ્રીપ ઈરિગેશન) કંપનીમાંની એક, નેટાફિમ  વડોદરા નજીક એક ઉત્પાદનસુવિધા ધરાવે છે. છેલ્લાં ૩૫ વર્ષોમાં ગુજરાતના સેંકડો યુવાનોએ વિવિધ ઈઝરાયલી કિબુટ્ઝ (એક પ્રકારના કમ્યુનિટી લિવિંગ)માં થોડા મહિના વિતાવ્યા છે.

આ સહકાર શિક્ષણ સહિતનાં અનેક ક્ષેત્ર સુધી વિસ્તર્યો છે, બન્ને દેશના યુવાનો પણ એક લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે

તાજેતરમાં I2U2 અને IMEC જેવાં બહુપક્ષી જૂથોની સ્થાપના સાથે આપણા દેશો વચ્ચેના સંબંધોમાં વધુ સુધારો થયો છે. ભારત મધ્ય પૂર્વ કોરિડોરનું પ્રારંભિક બિંદુ ગુજરાતમાં મુન્દ્રા બંદર પર છે તો ભારતના ઉદ્યોગગૃહ અદાણી ગ્રુપ  સંચાલિત ઈઝરાયલનું હાઈફા બંદર ભારતને યુરોપ અને અમેરિકા સાથે જોડે છે. આજે કુલ વૈશ્ર્વિક ઉત્પાદનમાં ૨.૮ ટકા યોગદાન સાથે ભારત વિશ્ર્વનો પાંચમા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. એની પાસે ખૂબ જ ઝડપથી સીડી ઉપર ચઢવાની મોટી સંભાવના છે. ઈઝરાયલ એની અનોખી વિચારસરણી અને અત્યાધુનિક ટેક્ધોલૉજી સાથે આત્મનિર્ભર ભારતના નિર્ધારને આગળ વધારી શકે છે અને એનો લાભ પણ મેળવી શકે છે.

સંરક્ષણ ક્ષેત્રે ઈઝરાયલ વર્ષોથી ભારતને સહકાર કરતું આવ્યું છે

ગાઝા અને નજીકના વિસ્તારમાં આતંકવાદ સામેના અમારા યુદ્ધમાં ભારતે ઈઝરાયલને સમર્થન આપ્યું છે એ માટે તમામ ઈઝરાયલી નાગરિકો ભારતનો હૃદયપૂર્વક આભાર માને છે. સાત ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ થયેલો આતંકવાદી હુમલો યહૂદી રાજ્યના ઈતિહાસમાં સૌથી વિનાશક ઘટનામાંની એક હતી. આતંકવાદ સામેની અમારી લડાઈમાં સામાન્ય ભારતીય લોકોનો ટેકો અમારા માટે મોટો આધાર બની રહ્યો છે.

ભીષણ દુષ્કાળ, કમોસમી વરસાદ, રણનો વધતો વ્યાપ અને સરેરાશ તાપમાનમાં વધારા જેવી ગંભીર સમસ્યા સામે સંવેદનશીલ દેશો તરીકે ઈઝરાયલ અને ભારત કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા પરિવર્તનને ઘટાડવામાં સાથે મળીને ઘણું કરી શકે છે. સૌરઊર્જા, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ગ્રીન હાઈડ્રોજન અને કૃષિ જેવાં ક્ષેત્રો ભારત-ઈઝરાયલ વચ્ચેના વધુ ને વધુ સહયોગ માટેનાં નવાં શિખર બની શકે છે. ભારતીય ફિલ્મો ઈઝરાયલમાં ખૂબ જ લોકપ્રિય છે અને મને વિશ્ર્વાસ છે કે નજીકના ભવિષ્યમાં તમે ઈઝરાયલમાં શૂટ થયેલી બોલીવૂડ ફિલ્મ જોશો.

ઈઝરાયલ અને ભારતના સંબંધના ભવિષ્ય વિશે હું ખૂબ આશાવાદી છું, કારણ કે મને બન્ને રાષ્ટ્રોની યુવાપેઢીમાં વિશ્ર્વાસ છે. આ પેઢી બુદ્ધિશાળી છે, એમનું લક્ષ્ય એમની નજર સામે છે અને વધુ સારી દુનિયા બનાવવા માટે આ પેઢી પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે. પ્રાચીન સભ્યતા ધરાવતાં આપણાં બન્ને રાષ્ટ્ર આ સદીના મધ્ય સુધીમાં સ્વતંત્રતાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે આ ભાગીદારી માનવતા માટે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિની આપણી આશામાં ખૂબ મહત્ત્વ ધરાવે છે.

(કોબ્બી શોશાની) 

(લેખક ઇઝરાયલના મુંબઇસ્થિત કોન્સલ જનરલ છે. એમના આ લેખનમાં પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી યશ સ્વારનો સહયોગ છે.)