78 વર્ષે વેદાંત જેવા ગહન વિષયમાં પીએચડી થનાર, ત્રીજા-સ્ટેજના કેન્સરમાંથી ઝઝૂમીને બહાર આવનાર, ૮૩ વર્ષે કેન્સર અને પેરાલીસીસ થયા પછી દ્રઢ મનોબળ અને અતૂટ શ્રદ્ધાથી સ્પેશિયલ-મેરેથોન દોડનાર, હિંમતવાન એકલવીર કોકિલાબહેન શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ રાજપીપળામાં. પિતાજી સ્ટેટમાં વકીલ. ઘરમાં આઠ ભાઈ-બહેન. તેમનો સાતમો નંબર. સાતમી છોકરી શું કરે? તેઓ માનતાં કે છોકરી ધારે તો બધું જ કરી શકે! ચેલેન્જ ઝડપી લેવાની ટેવ બાળપણથી પડી. પિતા ભણેલા અને સ્ત્રી-શિક્ષણમાં માને, એટલે કોકિલાબહેનને ભણતરનો લાભ મળ્યો. એક્સ્ટર્નલ BA કર્યું. જે શાળામાં ભણ્યાં એ શાળામાં શિક્ષક થયાં! લગ્ન પછી મુંબઈ આવ્યાં. પતિ ડૉ. અમૃત શાહ મોટા ગજાના ઈકોનોમિસ્ટ (BOBના ચેરમેન અને મેનેજિંગ-ડાયરેક્ટર). કોકિલાબહેનને આગળ ભણવા માટે પતિનો સંપૂર્ણ સાથ-સહકાર મળ્યો! 40 વર્ષે તેમણે SNDTમાંથી ફર્સ્ટ-ક્લાસ-ફર્સ્ટ સાથે MA કર્યું! લોકો હસતાં પણ તેમણે પોતાનું ધ્યેય સહજતાથી પ્રાપ્ત કર્યું! 55 વર્ષે બીજી વાર એમ.એ(સાયકોલોજી અને અંગ્રેજી) કર્યું. 1993માં મોટો દીકરો અમેરિકામાં એકસીડન્ટમાં અવસાન પામ્યો, એ પછી તેમણે લખવાનું શરૂ કર્યું. નવનીત-સમર્પણ, જન્મભૂમી-પ્રવાસી, ખડાયતા-યુવક જેવાં અનેક સામયિકોમાં રેગ્યુલર લખતાં. અત્યારે ઘણું ઓછું દેખાય છે પણ વાંચન ઘણું કરે છે. તેઓ પ્રમુખ-સ્વામીને બહુ માને. તેમના આશીર્વાદ સાથે, 78 વર્ષે, વલ્લભાચાર્યના અદ્વૈતવાદ(વેદાંત) વિષય પર પીએચડી કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 7:30 વાગે ઊઠે, રૂટિન કામકાજ પતાવી અક્ષર મોટા કરી આઇપેડ પર છાપુ વાંચે! નાહી-ધોઈને માળા ફરે, કલાક મેડીટેશન કરે. ભજનો અને હવેલી-સંગીત સાંભળે. મંદિરની રાજભોગની આરતી ઓનલાઈન કરે પછી જમીને બપોરે 1:00 વાગે આરામ કરે. ઊઠીને ચા-પાણી કરે. નીચે થોડું ફરી આવે. ટીવી જોવું ગમે. KBC તો બહુ જ ગમે! જમીને “બ્લેક-એન્ડ-વાઈટ” ન્યુઝ એનાલિસિસ જોઈને સૂએ.
શોખના વિષયો :
વાંચવું અને લખવું અતિ-પ્રિય! સંગીત બહુ ગમે. જુનાં ફિલ્મી-ગીતો, ભજનો અને હવેલી-સંગીત ગમે. હોમ-Google પર શિવ-મહિમ્ન-સ્તોત્ર અને ભજનો સાંભળે. ફરવાનો ઘણો શોખ હતો. અમેરિકા-યુરોપ સહિત આખી દુનિયા ફર્યાં છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
શારીરિક રીતે તબિયત એકદમ ખરાબ છે. 1996માં ત્રીજા-સ્ટેજના કેન્સરમાંથી ઊભાં થયાં, 2017માં સ્ટ્રોક આવ્યો અને પેરાલીસીસ થઈ ગયો. હાથ-પગ, આંખ-કાન નથી ચાલતાં, પણ મગજ સરસ ચાલે છે! સગાં-વહાલાં કે મિત્રો નજીકમાં નથી, પણ પાડોશીઓ બહુ સારાં છે. હિંમતભેર એકલાં રહે છે. કેર-ટેકર જીમ્મી ચોવીસે કલાક તેમની સાથે હોય અને તેમનું સરસ ધ્યાન રાખે.
યાદગાર પ્રસંગ:
અમેરિકાના ઘણા પ્રસંગો યાદગાર છે, રિવાઇન્ડ કરીને એને સહારે જ તેઓ જીવે છે! એકવાર તેમના દીકરાઓ એકબીજા સાથે વાત કરતા હતા: “આપણે તો માત્ર ભણવાનું છે, મમ્મીએ તો કેટલું બધું કામ કરવાનું છે, ગ્રોસરી અને શાકભાજી લાવવાનાં, મહેમાનો આવે તો એમનું ધ્યાન રાખવાનું અને છતાં પણ તે ભણે છે! આપણે તો ભણ્યા વગર છૂટકો જ નથી!”
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
આઇપેડ અને હોમ-Googleનો પૂરેપૂરો ઉપયોગ કરે છે! કેન્સર થયું તે વખતે દીકરાએ આ બધું શીખવ્યું હતું. તેઓ બ્લોગ પણ લખતાં! ટેકનોલોજીનો ઉપયોગ માફક આવી ગયો છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
સમય પ્રમાણે જમાનો બદલાતો રહે છે,સારું-ખરાબ થયાં કરે છે! કોન્ટેક્ટ રાખો તો યુવાનો સાથે જનરેશન ગેપ રહેતો નથી. આજનાં યુવાનો બહુ સેલ્ફ-સેન્ટર થઈ ગયાં છે તે નથી ગમતું. તેઓ આઠ ભાઈ-બહેનો કેવા ઉમળકાથી સાથે રહેતાં! અત્યારનાં બાળકોમાં તે ઉમળકો નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમના શબ્દોમાં: “પૌત્રી ત્રણ અઠવાડિયા મારી સાથે રહીને ગઈ. મને મારાં પૌત્ર-પૌત્રી સાથે બહુ ફાવે. અમે સેક્સ ઉપર પણ ચર્ચા કરી શકીએ! અમેરિકામાં રહેતાં આપણાં બાળકો આઈડેન્ટિટી-ક્રાઈસીસમાં છે. અમેરિકામાં ભારતીય સ્ટાઇલથી રહે, દાદીની સેવા કરે! પૌત્રને અહીં ગમે, ચોર બજારમાં પણ જાય! ભારતીય વસ્તુઓ ગમે, પણ ફ્રીડમ ત્યાંની ગમે! આજના યુવાનો ફોકસ્ડ છે, સેન્સિબલ છે. મલ્ટીટાસ્કીંગમાં માને છે! પૌત્રી અહીં આવી ત્યારે કાનમાં ઈયર-પ્લગ નાખે, હાથમાં મોબાઈલ હોય, લેપટોપ ઉપર કામ કરતી હોય અને મારી સાથે વાત પણ કરતી હોય! તેમને પ્રોપર માર્ગ-દર્શન મળે તો ઘણા આગળ વધી જાય!”
સંદેશો :
સગવડો વધી છે, પણ દિલ સાંકડા થયાં છે, કરુણા ઘટી છે, ધીરજ રહી નથી. સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર નથી. બાળકોને બાળપણથી સહજીવનના સંસ્કાર આપો.