છેલ્લાં 20 વર્ષથી પોતાના સ્ટાફ સાથે નફાની ભાગીદારીની ઉદાર નીતિ રાખી ઉપેન આયન એન્ડ સ્ટીલ કોર્પોરેશનનું ઉમદા સંચાલન સંભાળનાર ઉપેન્દ્રભાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ, બાળપણ અને અભ્યાસ બધું નાગજી-ભુદરની પોળ, અમદાવાદમાં. બે ભાઈ, એક બહેનનું મધ્યમવર્ગનું કુટુંબ. ઉપેન્દ્રભાઈ સૌથી નાના. પિતાનો લોખંડનો બિઝનેસ. પિતાને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડતા. ઉપેન્દ્રભાઈની 24 વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા. મોટાભાઈ સાથે ધંધો ચાલુ રાખ્યો. થોડા સમય પછી અલગ થઈ પોતાનો ધંધો જમાવ્યો. ભાડાના ગોડાઉનમાં સ્ટ્રગલ કરીને ધંધો વિકસાવ્યો અને ઉપેન આયન એન્ડ સ્ટીલ કોર્પોરેશન નામની કંપનીમાં ધીખતો ધંધો કર્યો, ખૂબ નામના મેળવી. તેઓ કુટુંબનું પણ એટલું જ ધ્યાન રાખતા. રાતના આવતા મોડું થાય તો પણ બાળકો જાગે, ઉપેન્દ્રભાઈ જમીને તેમની સાથે વાતો કરે, રમે અને રમત-રમતમાં જ્ઞાન આપે! આજ સુધી દીકરા-દીકરીઓને ગાઈડન્સ આપે છે. દીકરી શિલ્પા(હાઉસ ઓફ મેરીગોલ્ડ ફેમ)ના તો હીરો છે! શિલ્પાબહેનનું વેન્ચર શરુ કરવાથી માંડી આજ સુધી તેમને માર્ગદર્શન આપે છે! શાસન-સેવા-સમિતિમાં તેઓ કાર્યરત છે, જરૂરીયાતમંદોને અનાજ તથા બીજી સગવડ કરી આપે, બાળકોને ચોપડાં-નોટબુકની વ્યવસ્થા કરી આપે અને જાત્રા પણ કરાવે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 5:30 ઊઠે. કલાક યોગ-પ્રાણાયામ કરે. પરિમલ ગાર્ડન ચાલવા જાય. નાહી-ધોઈને સેવા-પૂજા કરે. ચા-નાસ્તો કરી ઓફિસે જાય. ઓફિસનો કારભાર હવે દીકરાને સોંપી દીધો છે, પણ તેઓ ઓફિસે જાય ખરા. જમીને આરામ કરે. ચાર વાગ્યે કસરત અને યોગા કરે, છાપુ વાંચે, મિત્રોને મળે. શુક્ર-શનિ-રવિ, ત્રણ દિવસ બેલેવ્યુ ફાર્મ (લપકામણ) જાય. બુધવારે સાંજે સ્પોર્ટ્સ-ક્લબમાં જાય, મિત્રો સાથે મળીને વાતોચીતો કરે, શેર-બજારની છટકણી કરે, નાસ્તા-પાણી કરે અને પછી જમીને, ટીવી જોઈ 9:00 વાગે સુતા પહેલાં ત્રણ નવકારવાળી ચોક્કસ કરે.
શોખના વિષયો :
વાંચનનો ઘણો શોખ, ધાર્મિક-વાંચન ઘણું કરે. મોતિયાના ઓપરેશન પછી આંખમાં થોડી તકલીફ રહે છે. ફરવાનું બહુ ગમે. અમેરિકા, યુરોપ, ક્રોએશિયા…. આખી દુનિયા જોઈ લીધી છે! શંખેશ્વર, મહુડી, પાલીતાણા જેવી વર્ષમાં 25 જાત્રાઓ કરતા! ગાર્ડનિંગનો ઘણો શોખ. શ્રવણ જેવો દીકરો અને વહુ (સુજલ અને કાનન) બહુ ધ્યાન રાખે છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે. છેલ્લા એક વર્ષમાં ત્રણ ઓપરેશન (હર્નિયા, ઘૂંટણ અને ગોલ્ડ-બ્લેડર) કરવા પડ્યાં, ઘણી એન્ટીબાયોટિક દવાઓ લેવી પડી તેથી થોડી અશક્તિ આવી ગઈ હતી, પણ હવે પાછા ફુલ-ફોર્મમાં આવી ગયા છે!
યાદગાર પ્રસંગ:
નાની ઉમરે પત્ની સાથે પહેલીવાર કાશ્મીર ફરવા ગયેલા. ટુરમાં નવા મિત્ર અશોકભાઈ કડાકિયા સાથે પાકી ભાઈબંધી થઈ ગઈ. તેમની સાથે બહુ ફર્યા અને ઘર જેવા સંબંધો થઈ ગયા. તેમની સાથે પછી તો અમેરિકા પણ ગયા. હજુ તે સંબંધો અકબંધ છે! ફરી તેઓ તેમના મિત્ર સાથે અમેરિકા ગયા હતા. મિત્રને કોઈએ શુકનનું શ્રીફળ આપ્યું હતું જે છોલીને બેગમાં મૂક્યું હતું. અમેરિકામાં સિક્યુરિટી-ચેક વખતે ઓફિસરે છોલેલું શ્રીફળ જોયું. તેને લાગ્યું કે બોમ્બ છે! એરપોર્ટ ઉપર તો ધમાલ થઈ ગઈ! કેવી રીતે સાબિત કરવું કે આ બોમ્બ નથી પણ શ્રીફળ છે! પછી તો ભારતીય સિક્યુરિટી-ઓફિસરને બોલાવ્યા અને તેણે મામલો થાળે પાડ્યો!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
મોબાઈલનો સરસ ઉપયોગ કરે છે. સારા આર્ટીકલ વાંચે, સાંભળે અને બધાને મોકલે. સારી વસ્તુ લોકો સુધી પહોંચાડે. ઓફિસ-સ્ટાફ કોમ્પ્યુટર ઉપર કેળવાયેલો છે એટલે ઉપેન્દ્રભાઈને જાતે કોમ્પ્યુટર ઉપર કામ કરવું પડતું નથી
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પિતા જે ધંધો કરતા લગભગ તે જ ધંધો તેઓ કરે છે એટલે ખ્યાલ આવે કે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે અને તેને લીધે ટેન્શન પણ ઘણું વધી ગયું છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
કુટુંબના બાળકો સાથે તેમને મજા આવે છે. તેમને બે પુત્રી, એક પુત્ર તથા ચાર પૌત્ર-પૌત્રી છે. ઓફિસના યુવાનો સાથે તેમની ઇક્વેશન સરસ છે. સ્ટાફને પગાર પ્લસ 50% નફો આપે છે જેથી તેમની સાથે સ્ટાફ પણ પ્રોસ્પરસ થયો છે. તેઓ માને છે કે સ્ટાફ સુખી તો માલિક સુખી! છેલ્લાં 20 વર્ષથી આ ઇક્વેશનથી તેઓ કામ કરી રહ્યા છે!
સંદેશો :
માણસે 60 વર્ષે કામકાજમાંથી માયા સમેટી લઈ રિટાયર થઈ જવું જોઈએ. પોતાનો નિવૃત્તિનો સમય હરવા-ફરવામાં સારી રીતે માણી શકે એવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ.