આ વર્ષે અમે ઈન્દોર ગયાં હતાં, ફેમિલી હોલીડે. અમારા ઘરમાં અમારી પૌત્રી “રાયાનું એડિશન થવાથી અમારા પર્યટનમાં વળાંક આવ્યો છે. `દેખો અપના દેશ’, `વસુધૈવ કુટુંબકમ’ અને `ચલો બેગ ભરો નીકલ પડો’ આ ત્રણ વાત કદાચ તે પેટમાં હતી ત્યારે સાંભળતી હશે. જન્મથી જ તે બહુ ટુર્સ કરી રહી છે, જન્મજાત જિપ્સી. આથી તેની સાથે એક ભારતમાં અને એક ભારતની બહાર એમ બે નાની ફેમિલી હોલીડેઝ દર વર્ષના કેલેન્ડરમાં એડ થતી દેખાય છે. તેમાંથી જ આ ઈન્દોરની હોલીડે હતી. આ ચાર દિવસ અમે તેને અહિલ્યાબાઈ હોળકરની વાત સંભળાવતાં હતાં. `ગરીબ બિચારાં છોકરા અને તેના અતિજ્ઞાન ગ્રહણ કરેલા સંબંધી’ એવી સ્થિતિ હતી, બટ શી વિલ સેલ થ્રુ.
જતી વખતેના વિમાન પ્રવાસમાં મારી અને સુધીર સાથે સુનિલાની માતા હતી, જેને અમે પણ મમ્મી કહીએ છીએ. સુનિલા, નીલ, હેતા, રાયા બીજી ફ્લાઈટથી આવતાં હતાં, જ્યારે સારા ત્રીજી ફ્લાઈટથી. અમારો ગમે તેટલો નાનો-મોટો બિઝનેસ હોય, બધાએ એક જ વિમાનથી ટ્રેનથી કે બસથી જવાનું નહીં એવો આ નિયમ. પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર. સવારના છની ફ્લાઈટ હતી, મમ્મીને કહ્યું, `તમે એરપોર્ટ પર સમય પૂર્વે પહોંચશો એવી ખાતરી છે. અમે કદાચ લેટ પહોંચીશું. ફાવે તો તમે ચેક-ઈન કરો અને બોર્ડિંગ ગેટ પર આપણે મળીશું. નહિતર અમે તમને એર ઈન્ડિયાના કાઉન્ટર પર મળીશું.’ આગલી રાત્રે ઘરે આવવામાં બાર વાગવાથી અમને થોડું લેટ જ થયું એરપોર્ટ પર પહોંચવામાં. મમ્મી `સુષ્મા શિર્કે’, ઉંમર સિત્યોત્તર વર્ષ, કાઉન્ટર નજીક નહોતી. એટલે હવે બોર્ડિંગ ગેટ પર મળીશું એમ ધારીને અમે બધા એરપોર્ટ ફોર્માલિટીઝ કરીને બોર્ડિંગ ગેટ પર મળ્યાં. `કોઈ તકલીફ તો નહીં થઈને મમ્મી.’ તેણે કહ્યું, `નહીં, પહેલી વાર ડિજીયાત્રા એપ ડાઉનલોડ કર્યું હતું, શું કરવાનું તેની ચોક્કસ ખબર નહોતી, પણ તે છોકરીને પૂછ્યું, કેટલું આસાન થઈ ગયું છે બધું.
‘એકંદરે મમ્મી કમ્ફર્ટેબલી અને કોન્ફિડેન્ટ્લી એકલી પ્રવાસ કરતી હતી. વિમાનમાં બેઠાં પછી મમ્મીએ પર્સ ખોલીને તેમાંથી એક નાની ટ્રાન્સપરન્ટ ડબ્બી કાઢી અને તેમાંથી લવિંગ મોઢામાં નાખી. અમને પણ ઓફર કરી. `વિમાનમાં હવે એક કલાક બેસવાનું છે, મોઢું સુકાય છે અને મોઢામાંથી વાસ પણ આવી શકે છે. આથી લવિંગ ઉપયોગી બને છે.’ હું મમ્મીને ઓબ્ઝર્વ કરતી હતી. થોડીવાર પછી તેણે એર ઈન્ડિયાની ફ્લાઈટ મેગેઝિન અથથી ઈતિ સુધી વાંચી કાઢી. આ પછી તેણે મસ્ત પોટલીમાંથી એક પુસ્તક બહાર કાઢ્યું. સુજોકુનું. વિમાન લેટ થયું તો અથવા વિમાન પ્રવાસમાં ક્યાંય કંટાળો નહીં આવે તેનું મમ્મીએ પ્રી-પ્લાનિંગ કર્યું હતું. તેને ફોટોગ્રાફીનો શોખ. અગાઉ પ્રવાસમાં તેના ગળામાં એસ.એલ.આર. કેમેરા લટકાવેલો રહેતો હતો. હવે તેની જગ્યા આઈફોને લીધી છે. `શોટ ઓન આઈફોને’ તેનો કબજો કર્યો હતો. મમ્મી ટેક ઓફફ અને લેન્ડિંગના ફોટો કાઢતી હતી.
આ પછી તેણે મને તેનું નવું ક્રાફ્ટ બતાવ્યું, એટલે કે, ફોટો. બે બાટલીઓને તેણે એકદમ મસ્ત કલાત્મકરૂપ આપ્યું હતું અને આ બધું `કચરામાંથી ઉપયોગી વસ્તુ’ એ પદ્ધતિથી કર્યું હતું. મેં તેમને પૂછ્યું કે તમને આ આઈડિયાઝ ક્યાંથી સૂઝે છે. તેમણે કહ્યું, `યુટ્યુબ, પિન્ટ્રેસ્ટ, શું મસ્ત દુનિયા છે હમણાંની, તેનો હિસ્સો હું બની શકી તે માટે કૃતજ્ઞ છું. હવે હું બધું જ શીખી રહું છું. અરે, અમારે ત્યાં પૂજા અને પલક, ઘરમાંથી કોઈ પણ કચરો ફેંકવા પૂર્વે મારી પાસે આવીને પૂછે છે, `મમ્મી, તમને આ જોઈએ કે?’ મારા ડેસ્કની નીચે એક મોટું બોક્સ છે, જેમાં કચરામાં કાઢેલી વસ્તુઓ રાખી છે. ક્યારેક આ રીતે તેનો ઉપયોગ થાય છે.’ મમ્મીની વધુ એક ખાસિયત એ કે`વેરી ક્રિયેટિવ ઈનોવેટિવ બર્થડે કાર્ડસ. ‘દરેકના બર્થડે પર મમ્મી પોતે તૈયાર કરેલું કાર્ડ અચૂક મોકલે છે. રાયાનો જન્મ થયો ત્યારે તેણે આપેલું `નેવર એન્ડિંગ કાર્ડ’ તો `ટોક ઓફ ધ ફેમિલી’ બની ગયું હતું. સતત કાર્ય મગ્ન રહેવું, મનગમતી બાબતો માટે સમય આપીને આનંદિત રહેવું, ઓછું પણ સમયસર ખાઈને તબિયત સારી રાખવી આ બાબતો મમ્મીએ આત્મસાત કરી છે અને જીવનનો ગોલ્ડન પિરિયડ તે સુનિલા અને સારા સાથે સારી રીતે વિતાવી રહી છે.
મારી સાસુ `ઈન્દુ પાટીલ’ને હું માતાજી કહું છું. તેમની ઉંમર અઠ્યાશી વર્ષની છે. સ્વાભિમાની અને કડક સાસુ તરીકે પ્રસિદ્ધ. હજુ પણ તેટલી જ કડક અને ટટ્ટાર. આઠેક વર્ષ પૂર્વે કમર થોડી વાંકી થઈ ગઈ છે, પરંતુ વોકરની મદદથી બધું જ સહજ રીતે ચાલી રહ્યું છે. તેઓ વોકર વિના ચાલવાની પ્રેક્ટિસ કરવા માગે છે, કારણ કે રામજન્મભૂમિ પોતાના પગ પર જોવાની તેમની ઈચ્છા છે. આ માટે તેઓ પ્રયાસ કરી રહ્યાં છે. અને તેમના પ્રયાસ જોતાં તેઓ તે અચિવ કરશે એવી ખાતરી છે. સવારે ચાર પૂર્વે ઊઠી જવાનું, તૈયારી કરીને એક કલાક મનઃપૂર્વક ભગવાનની પૂજા કરવી, તે પછી પઠન, વાચન, અખબાર, સમાચાર, મરાઠી એફ.એમ, યુટ્યુબ પર ચર્ચા-સંવાદ, વાદ-વિવાદ, ફોન દ્વારા તેમના મૂળ ગામ વસઈ વિરારની રજેરજ માહિતી મેળવવી, આ બધું પદ્ધતિસર ચાલી રહ્યું છે. હું ઊઠવા માટે ઘડિયાળનું એલાર્મ લગાવતી નથી. નેચરલી જાગી જવું જોઈએ એવો મારો મત છે. જો કે ક્યારેક જાતે ઊઠવાની ખાતરી નહીં હોય ત્યારે તેમને વિનંતી કરું છું, `પાંચ વાગ્યે જો હું ઊઠી નહીં હોઉં તો મને જગાડો.’ માતાજી એટલે મારું હ્યુમન એલાર્મ. સુધીરના પિતા અનંત પાટીલ, પપ્પાએ અનેક શાળાઓમાં, એટલે કે, આર એમ ભટ,ગોખલે હાઈ સ્કૂલ બોરીવલી, જવ્હાર, કોસબાડ, નાશિક એમ અનેક શાળાઓમાં પ્રિન્સિપાલ પદ શોભાવ્યું છે. તેમની સાથે આ સંપૂર્ણ પરિવારની બદલી. જવ્હારનું ઘર એટલે ભગ્નાવસ્થાના રજવાડામાં ઘરમાં સાપ પણ ઘૂસી જતા. આવી પણ પરિસ્થિતિ અનુભવી ચૂકેલાં માતાજી ઘરમાં યોગદાન તરીકે સીવણકામ કરતાં. ટૂંકમાં કહીએ તો, બદલીઓ તેઓ સ્વીકારતાં હતાં. ખેડાપાડામાં તેમનો સંસાર ફરી ફરી નવેસરથી વસાવતાં હતાં. ત્રણ બાળકોના શિક્ષણ માટે ખટપટ કરતાં અને સ્વકમાણી પણ કરતાં હતાં. પ્રચંડ મહેનતું માતા-પત્નીનું જીવન તેઓ જીવ્યાં અને તેથી જ ઉંમરનાં અઠ્યાશી વર્ષે પણ તેમની બુદ્ધિ યથાવત છે. તેઓ સ્વયંપૂર્ણ છે, આત્મનિર્ભર છે તેનો અમને પણ આનંદ છે.
વીણા વર્લ્ડનાં પાંચમા ડાયરેક્ટર અભિજિત ગોરેની માતા `સરોજતાઈ’ હવે નેઉં વર્ષની ઉંમરે પહોંચી છે. પણ તેમને હું જ્યારે પણ મળું છું ત્યારે અત્યંત ટોપટીપ સ્વરૂપમાં જોયાં છે. અત્યંત સુંદર સોબર સાડી, તેની પર શોભતી જ્વેલરી, ચહેરો પ્રસન્ન. પોતાને આ રીતે રાખવાનો તેમનો આગ્રહ રહેતો. એટલે કે, હું છેલ્લાં ચાળીસ વર્ષથી તેમને જોઈ રહી છું અને તેમનું તે સ્માર્ટનેસ મને કાયમ આકર્ષક મહેસૂસ થયું છે. ઉંમર પ્રમાણે માણસમાં શિથિલતા આવે છે. `ચલતા હૈ’ એટિટ્યુડ જોર પકડવા લાગે છે, `આ ઉંમરે હવે શા માટે?’ એવું પોતાને પણ લાગવા માંડે છે અને આજુબાજુના આપણે બધા જ તેમને તે જ રીતે જોઈએ છીએ. સરોજતાઈ જો કે બતાવી આપે છે કે `આઈ લવ માયસેલ્ફ એન્ડ યુ ટૂ લવ યોરસેલ્ફ.’ આપણી આસપાસમાં નજર ફેરવીએ તો પણ અલગ-અલગ ઈન્સ્પિરેશન્સ મળે છે તે આ રીતે.
બધાની જીજી એટલે મારી માતા. ઉંમર એંશી વર્ષ. એટલે કે, તેના પાસપોર્ટ પરની બર્થડેટ પ્રમાણે એંશી પણ તેનું કહેવું છે, `ગામમાં મારી બર્થડેટ ખોટી લખાઈ હતી, એક વર્ષ આગળ કરી દીધું. હું એંશીની નથી, મારી ઉંમર ઓગણ્યાએંશી છે.’ તેના દરેક જન્મદિવસે અમે તેને ખીજવીએ છીએ, `મા, તું સાઈઠની કે ઓગણસાઈઠની? સિત્તેર કે ઓગણોસિત્તેર? અને દર વર્ષે તે તેટલા જ ઉત્સાહથી આ વાત અમને મનાવવાનો પ્રયાસ કરે છે. `અરે મા છોડી દે ને’, પણ કોઈ પણ વાત છોડી નહીં દેવી તે તેનો સ્થાયી ભાવ. `ડિટરમિનેશન’ એ વાત તેની પાસેથી જ આવી હોવી જોઈએ. મને આજે પણ તે દિવસ યાદ આવે છે, પાંચમીમાં હતી, ગામની હાઈસ્કૂલમાં પ્રથમ જ એન્ટ્રી થઈ હતી. અમારા સરે પહેલી ટેસ્ટના પેપર્સ અને માર્કસ ઘરે બતાવીને માતા અને પિતાની સહી લાવવા કહ્યું હતું. માતાને મેં પેપર બતાવ્યું. તેણે સહી કરતી વખતે પીઠમાં જોરથી થપાટ મારી અને કહ્યું, `તારા અક્ષર આટલા ખરાબ છે, ચાલ, મારી સામે બેસ, આજની રાતમાં તારા અક્ષર સારા થઈ જવા જોઈએ.’ હું રડતી-રડતી અક્ષર સારા કાઢવાના પ્રયાસ કરતી હતી. જરા પણ આમ-તેમ થાય તો તેની થપાટ મારી પીઠમાં પડતી. વચ્ચે જ કાન પણ આમળતી હતી. આટલા થર્ડ ડિગ્રી ટોર્ચર પછી મારી વિસાત જ નહોતી કે અક્ષર ખરાબ કાઢું. તે એકદમ વ્યવસ્થિત થઈ ગયું. મારા અક્ષર સારા છે એવું કોઈ પણ કહે ત્યારે તે રાત અને માતાનું જમગ્નિ રૂપ યાદ આવે છે. અક્ષર સારા થવાનું શ્રેય તેનું છે. પ્રયાસથી કશું પણ શક્ય બની શકે… આ ઉક્તિ તેની સાથે સુમેળ સાધે છે. અગાઉ માતા-પિતા શિક્ષક પીઠમાં થપાટ અથવા સોટીનો ઉપયોગ કરતાં, તેનો ઉપયોગ આજે પણ થવો જોઈએ એવું ક્યારેક-ક્યારેક લાગે છે. આજે પણ તેની અંદર તે જ ત્રીસીનો ઉત્સાહ છે. તે જ મહેનત કરવાની તાકાત છે. હાથમાં લીધેલું કામ પૂરું કરીને રહે છે. નવા-નવા પ્રયોગ કરવાની તેની તૈયારી હોય છે. આમ તો તે વ્હોટ્સએપ યુનિવર્સિટીની મેમ્બર પણ છે. ક્યારેક-ક્યારેક `પ્રપોગેંડા’ની શિકાર પણ થાય છે. બાળકો પૌત્રોની કાળજી રાખવામાં પણ તે ખાસ્સો સમય આપે છે. કહેવું પડે છે,`અરે, આટલો વિચાર નહીં કર, તારો પાર્ટ તેં વ્યવસ્થિત પાર પાડ્યો છે, હવે અમે અમારું જોઈ લઈશું.’ પણ છેલ્લે માતા છે ને, આદતથી મજબૂર.
મમ્મી, માતાજી, મોટી બહેન કે મા, ચારેયને કોઈ મોટી બીમારી નથી કે દવાની પણ જરૂર નથી. ભગવાનનો આભાર. સતત કાર્યમગ્ન રહીને, જીવનના પડકારો સ્વીકારીને, તેની પર માત આપીને તેમણે ઉંમરના સિત્યોત્તેર, સત્યાશી, નેઉ કે એંશીમાં પોતાના મનને યુવાન રાખ્યું છે અને શરીરથી તંદુરસ્ત. આજે આ ચારેય આજુબાજુમાં દેખાય ત્યારે મને મારી સાઈઠ વર્ષની ઉંમરે પણ ઉંમર ઓછી હોય તેમ લાગે છે. મારી અંદર ત્રીસીનો ઉત્સાહ સંચાર થાય છે. મારી અંદરની કાર્યમગ્નતા વધે છે. ઘરમાં મોટા માણસો હોવાનો આ જ ફાયદો હોય છે.
જાપાનીઝ ફિલોસોફી, ઈકિગાઈ, ઓકિનાવા વે, હારા હાચિ બૂ, દુનિયાના બ્લુ ઝોન્સ…એ જ કહે છે. તેનું સાક્ષાત્કાર ખરેખર તો આપણને આપણા ઘરમાં જોવા મળે છે. તો ચાલો, પોત-પોતાના ઘરની ઈન્સ્પાયરિંગ ગર્લ્સને નમસ્કાર કરીને તેમના આશીર્વાદ લઈએ.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
