ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મીઓનું બેસતું વર્ષ કેવું હોય છે?

અમદાવાદ: દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ જેની ઉજવણી સમગ્ર દુનિયાભરમાં કરવામાં આવે છે. આપણા ત્યાં દિવાળીનું પર્વ પાંચ દિવસ સુધી ચાલે છે. દિવાળીના બીજા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ પણ હોય છે. પરંતુ કેટલાંક એવાં પણ લોકો હોય છે જેમને આ મોટા પર્વમાં રજાઓ મળતી નથી. ઇમરજન્સી સેવાઓમાં કામ કરતાં કર્મચારીઓ કેટલાંક વેપાર કે સેવા એવી હોય છે કે જેના વગર ચાલે જ નહીં તો તેની સાથે સંકળાયેલા લોકોએ દિવાળીના તહેવાર દરમિયાન પણ કામ કરવું પડે છે. જેમ કે, ડોક્ટર, નર્સ, ફાયરબ્રિગેડના જવાનો, એસ.ટી. બસ કે સીટી બસના કર્મચારીઓ, દૂધની વેન ચલાવતા ડ્રાઈવર, દૂધની ડેરીમાં અથવા તો પાર્લરમાં કામ કરતાં કર્મચારીઓ. આ બધાં જો રજા પર ઉતરી જાય તો આપણા જીવનની ગાડી અટકી જાય. ચિત્રલેખા.કોમએ આવાં જ કેટલાંક કર્મીઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમની નવા વર્ષની ઉજવણી કેવી હોય છે.

જસવંત પ્રજાપતિ- CEO, 108 ઇમર્જન્સી સેવા 

દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના તહેવાર નિમિત્તે 108 ઇમરજન્સી સર્વિસમાં કોલ્સની સંખ્યામાં વધારો થાય છે. આથી અમારા ત્યાં કાર્યરત અમારા બધાં જ કર્મીઓ તેમાં પણ ખાસ કરીને અમારા એમ્બ્યુલન્સ ચલાવતા પાયલટસ, EMT જે દર્દીની પ્રાથમિક સારવાર કરે છે, કોલ સેન્ટરમાં કાર્યરત કર્મીઓ જેમાં EROS, ડોક્ટર અને ટીમ લીડ હોય છે. જેઓ વધારાના કોલ્સને પહોંચી વળવા માટે રજાઓ હોવા છતાં વધારાનો સ્ટાફ લોકોની સેવામાં ઉપલબ્ધ રહે તે માટે અમે અગાઉથી જ પ્લાનિંગ કરીને રજાઓનું મેનેજમેન્ટ કરીએ છીએ. જેના કારણે વધનારી ઇમરજન્સીમાં લોકોને યોગ્ય રિસ્પોન્સ મળી રહે. અમારી એમ્બ્યુલન્સનું રિપેરિંગ પણ અમે અગાઉથી કરી લઈએ છીએ. જેથી તહેવાર દરમિયાન ગેરેજીસ કે વર્કશોપ બંધ હોય તો એમ્બ્યુલન્સ ખોરવાય નહીં. અમારી એમ્બ્યુલન્સમાં વપરાતી દવાઓ અને ઈક્વિપમેન્ટ પણ અમે અગાઉથી ચેક કરી લઈએ છીએ. જેથી તહેવારમાં આવતા વધારાના કોલ્સને પણ અમે યોગ્ય રીતે હેન્ડલ કરી શકીએ. ગર્વમેન્ટ હોસ્પિટલ્સમાં પણ કોર્ડિનેશન કરીને રાખીએ છીએ. અમારા સમગ્ર સ્ટાફનો એક જ ગોલ છે તહેવારની ઉજવણી પરિવાર સાથે ન થાય તો કંઈ નહીં પરંતુ કામ યોગ્ય રીતે કરીને સમગ્ર ગુજરાતને એક સ્વચ્છ અને સફળ દિવાળી, નવું વર્ષ આપવું છે.

વર્ષા પરમાર – નર્સ, સયાજી હોસ્પિટલ, વડોદરા

ઇમરજન્સી સેવામાં જ્યારે અમે લોકો કાર્યરત હોઈએ ત્યારે અમને ખબર જ છે કે તહેવાર દરમિયાન બધાંને રજા ન મળે. કોઈકે તો ડ્યૂટી કરવી જ પડે. આથી માનસિક રીતે તો અમે તૈયાર જ હોઈએ છીએ. જો રજા મળે તો પરિવાર સાથે અને ન મળે તો હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓ સાથે દિવાળી અને બેસતું વર્ષ ઉજવીએ છીએ. તહેવારોમાં ખાસ કરીને કેટલાંક અકસ્માત અને બર્નના કેસ આવતા હોય છે. બિમારી કોઈ દિવસ તહેવાર જોઈને આવતી નથી. બીજી વાત એ કે ખાસ કરીને મોટાં તહેવારો દરમિયાન પ્રાઈવેટ હોસ્પિટલોમાં સ્ટાફ ઓછો હોય અથવા તો હોસ્પિટલ બંધ હોય છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જાય છે. આથી રજા ન મળે તો પણ એ વાતનો સંતોષ હોય છે કે અમે કોઈને મદદરૂપ બન્યા છીએ. બીજું કે અમે લોકો દિવાળી અને બેસતા વર્ષના દિવસે હોસ્પિટલમાં પણ દર્દીઓને સારું લાગે એ માટે રંગોળી કરીએ છીએ, અમારા વોર્ડનું ડેકોરેશન કરીએ છીએ, ફટાકડાં ફોડીએ છીએ અને દર્દીઓ તથા તેમના સગાઓનું મોં પણ મીઠું કરાવીએ છીએ. આ રીતે પણ અમે અમારું નવું વર્ષ યાદગાર બનાવીએ છીએ.

ઉપેન્દ્ર શ્રીમાળી – એસ.ટી. બસ ડ્રાઈવર, ખંભાત

હું છેલ્લાં 10 વર્ષથી પાલનપુર-ખંભાત રૂટ પર એસ.ટી. બસના ડ્રાઈવર તરીકે કાર્યરત છું. દિવાળી હોય કે બેસતું વર્ષ હું તો દર વર્ષે ઘરથી દૂર એસ.ટી. નિગમની સેવામાં કાર્યરત હોઉ છું. નોકરી પર લાગ્યા પછી ક્યારેય દિવાળી માળી નથી. કારણ કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો મોટાં શહેરોમાંથી પોતાના વતન તરફ પાછા આવે છે. આવા સમયે મુસાફરોનો ઘસારો વધી જાય છે. જેને ધ્યાને રાખીને વધારાની બસો દોડાવવામાં આવે છે. આથી રજા મળવાનો તો સવાલ જ ઉભો થતો નથી. વર્ષના લગભગ મોટાં ભાગના તહેવારો દરમિયાન અમારે ડ્યૂટી પર હાજર જ રહેવાનું હોય છે. આથી દર વર્ષે અમે લોકો દિવાળી અને બેસતું વર્ષ તો અમારા મુસાફરો સાથે જ ઉજવીએ છીએ.

(હેતલ રાવ અને રાધિકા રાઓલ, અમદાવાદ)