દિવાળી એટલે પ્રકાશ અને આનંદનું પર્વ. એક એવો તહેવાર જે માત્ર દીવડાઓની રોશની જ નહીં, પરંતુ અનંત ખુશીઓ પણ લઈને આવે છે. આ તહેવાર સાથે નાનું વેકેશન પણ જોડાયેલું હોય છે, જેમાં આખો પરિવાર સાથે સમય વિતાવે છે. આજની ઝડપી જીવનશૈલીમાં, જ્યાં માતા- પિતા બંને નોકરી-વ્યવસાય કરતા હોય છે ત્યારે બાળકો સાથે ગુણવત્તાપૂર્વકનો સમય પસાર કરવાની તક ખૂબ જ ઓછી મળે છે.
દિવાળીની રજાઓ એ માટે એક ઉત્તમ અવસર બની શકે છે, જેમાં માતા-પિતા પોતાના બાળકો સાથે વધુ નજીક આવી શકે. એમને સમજવાની અને એમની સાથે હળવાશભર્યો સમય વિતાવવાની તક મળે.
અમદાવાદના જાણીતા મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણી આ દિવાળીમાં માતા-પિતાએ પોતાના બાળકો સાથે કઇ પાંચ પ્રવૃત્તિઓ કરવી જોઇએ એની રસપ્રદ વાત કરે છે. ચિત્રલેખા.કોમના વાચકો માટે આ વિશેષ લેખ…
બાળકોને સમજાવો દિવાળીના તહેવારનું મહત્વ
દિવાળી આપણો એક સાંસ્કૃતિક અને પરંપરાગત તહેવાર છે, જેનું ધાર્મિક મહત્વ ખૂબ ઊંડું છે. બાળકો માટે આ તહેવાર માત્ર આનંદનો જ સમય નથી, પરંતુ એ એક પ્રકારના સામાજિકીકરણ અને સંસ્કારના ઉછેરનું માધ્યમ પણ છે. એથી માતા-પિતાએ સૌપ્રથમ પોતાના બાળકોને દિવાળીના તહેવારનું મહત્વ સમજાવવું જોઈએ.
સંબંધો વધુ મજબૂત બને છે.
દિવાળીના દિવસોમાં જ્યારે ઘરની સફાઈ કરવામાં આવે છે, ત્યારે બાળકોને પણ એમાં જોડવા જોઈએ. એમને મનગમતા નાના કામ સોંપવાથી માત્ર મદદરૂપ બનવાની ટેવ જ નહીં પડે, પરંતુ ઘરની વ્યવસ્થા અને ઓર્ગેનાઈઝ રહેવાની સમજણ પણ વિકસે છે. માતા-પિતા સાથે મળીને કામ કરતા બાળકોમાં ટીમ બિલ્ડિંગની ભાવના પણ ઉભી થાય છે. આવી પ્રક્રિયા આનંદદાયક હોય છે. કારણ કે, ઘણીવાર આ દરમિયાન જૂના ફોટોગ્રાફ્સ જોવા મળે, જૂની યાદો તાજી થાય અને પરિવારના સંબંધો વધુ મજબૂત બને છે.
બાળકોને શહેરની બહાર પ્રકૃતિની વચ્ચે લઈ જવું ખૂબ ફાયદાકારક છે. જો શક્ય હોય તો કુદરતી વાતાવરણમાં ફરવા જવું, યોગ, પ્રાણાયામ, ટ્રેકિંગ કે હાઈકિંગ જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આવા અનુભવો બાળકોને પર્યાવરણપ્રેમી અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જાય છે. જો દૂર ન જઈ શકાય તો નજીકના કુદરતી સ્થળોની મુલાકાત લેવી પણ સારું છે. જ્યાં કુદરતનો સ્પર્શ અને પરિવાર સાથેનો સમય બંને આનંદ આપે.
વેકેશન એ બાળકો માટે રીફીલિંગનો સમય છે
દિવાળી વેકેશન દરમિયાન બાળકો પાસે હોમવર્ક હોય તો પણ એમનો આનંદ ભૂલવો નહીં. ધોરણ 10 કે 12માં હોય એટલે દિવાળી કે વેકેશનનું કોઈ મહત્વ કે અસ્તીત્વ જ નથી એવુ માનવાની જરૂર નથી. બાળકો માટે પણ આ સમય રિફ્રેશ થવાનો છે, એટલે થોડો આરામ અને આનંદ બંને જરૂરી છે. કારણ કે વેકેશન એ બાળકો માટે રીફીલિંગનો સમય છે. એટલે કે નવી ઊર્જા મેળવવાનો અવસર.
બાળકોને વાંચનની ટેવ પાડવી જોઈએ
અગત્યની વાત એ છે કે માતા-પિતાએ પોતાના બાળકોને વાંચનની ટેવ પાડવી જોઈએ. જે પુસ્તકો માતા-પિતાએ વાંચ્યા છે ભલે એ માતૃભાષા કે પછી અન્ય ભાષામાં એમાંથી કોઈ એક બેસ્ટ સેલર અથવા ક્લાસિક પુસ્તકનું ચેપ્ટર વાંચવા માટે કહેવું અને પછી એ વિષય પર ચર્ચા કરવી. તને આ વાર્તામાં શું લાગ્યું?, આવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ? આવા પ્રશ્નો દ્વારા બાળકની વિચારશક્તિ અને બ્રેઇનની કોગ્નિટિવ પ્રોસેસ સક્રિય થાય છે.
કંઇ જ નહી કરવાનું એ પણ એક અગત્યનું કામ છે
સૌથી મહત્વની વાત એ છે કે ઘણીવાર બાળકને કશું જ નથી કરવું હોતું તો કંઇ જ નહી કરવાનું એ પણ એક અગત્યનું કામ છે જેની માટે એક શબ્દ છે નિકશેન જેનો અર્થ થાય છે કશુ જ નહીં કરવાનું માત્ર થોડીવાર બેસી રહેવાનું. આનો અર્થ આળસ એવો નહીં, વિચારોથી મુક્ત થવું, મનને આરામ આપવો અને સ્ટ્રેસમાંથી છૂટકારો મેળવવો એ છે. આ રીતે બાળક માનસિક શાંતિ અને સંતુલન શીખે છે, જે આજના ઝડપી જીવનમાં અત્યંત જરૂરી છે.
પહેલાના સમયમાં સમયમાં પોતાના હાથથી દિવાળી કાર્ડ બનાવતા હતા અને નજીકના લોકોને આપતા હતા. આ સુંદર પરંપરાને ફરી જીવંત કરવી જોઈએ. અને હા, બાળકો જેટલા મોબાઈલથી દૂર રહેશે એટલા જ પોતાના આંતરિક વિશ્વ અને સફળતાની નજીક આવશે.
(હેતલ રાવ સાથે કરેલી વાતચીત પ્રમાણે)
