દિવાળીના દિવસોમાં અહીં જામે ભક્તોની ભીડ…

દિવાળીના પાવન પર્વ સાથે જ જ્યારે નવું વર્ષ શરૂ થાય છે, ત્યારે ગુજરાતમાં એક સુંદર પરંપરા જીવંત થઈ ઉઠે છે, દેવ દર્શનની. લોકો પોતાના પરિવાર સાથે તીર્થસ્થાનોની યાત્રા પર નીકળે છે, જ્યાં પ્રભુના દર્શનથી નવા વર્ષની શરૂઆત થાય છે. ગુજરાતના તીર્થસ્થાનોમાં જાણે ભક્તિનો માહોલ છવાઇ જાય છે.

ચાલો જાણીએ, નવા વર્ષે ભક્તોથી ઉભરાતા ગુજરાતના જાણીતા તીર્થસ્થાનો વિશે..

દ્વારકા

દ્વારકા એક પ્રાચીન શહેર છે, જેને ભગવાન કૃષ્ણના નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દ્વારકાધીશ મંદિરની શાંતિમય આભા અને કિનારા પરના આકર્ષક નજારો મંત્રમુગ્ધ કરી દે છે. એટલું  જ નહીં દ્વારકાથી 11-15 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચ ગુજરાતીમાં હોટ ફેવરીટ છે. ભારતમાં સૌથી વધુ બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ બીચમાંથી એક છે. જ્યાં વોટર સ્પોર્ટ્સ, સ્કુબા ડાઈવિંગ, કેનોઇંગ અને બોટ રાઈડિંગ પણ થાય છે. જે પ્રવાસીઓને એક અનોખો સમુદ્ર અનુભવ આપે છે. જેના કારણે દ્વારકા આવીને દર્શન અને મોજ-મસ્તી બન્નેને અનુભવ કરી શકાય છે.

સોમનાથ

ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એટલે સોમનાથ મહાદેવ. સોમનાથ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલુ પ્રખ્યાત યાત્રાધામ છે. દિવાળી વેકેશનમાં આ તીર્થ સ્થાનની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય છે. સોમનાથ મંદિર નજીક ફરવા માટે ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

અંબાજી

અંબાજી મંદિરમાં દિવાળીના દિવસોમાં ભક્તોની ભીડ રહે છે. આ પાવન તીર્થસ્થળે દર્શન કરવા આવનારાઓ આ પર્વમાં મંગલમય વાતાવરણનો આનંદ માણે છે. દિવાળી દરમિયાન અંબાજી મંદિરમાં અને આજુબાજુના વિસ્તારોમાં રંગીન દીવડાંઓથી ઝળહળતી શોભા, સંગીત, અને ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન થાય છે, જે દર્શનનો વિશેષ આનંદ આપે છે. અંબાજી ખાતે જઇને લોકો દર્શન કર્યા પછી આજુબાજુના દર્શનીય સ્થળો પણ જોવા જતાં હોય છે.

ડાકોર

ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે બારે મહિના ભક્તોની ભીડ રહેતી હોય છે. પરંતુ દિવાળી પર્વ પર ખાસ કરીને ભાવિકો દર્શન કરવા જતા હોય છે. ડાકોરના ઠાકોરના દર્શન કરી, ગોમતી ઘાટે પવિત્ર સ્નાન કરી ભક્તિનીમાં લીન થઈ જવાય છે.  દિવાળીના સમયે ડાકોરમાં સ્થાનિક મેળાઓનું આયોજન થાય છે, જ્યાં લોકો હસ્તકલા, ખાધ્ય સામગ્રી અને કલાત્મક વસ્તુઓની ખરીદી માટે આવે છે.

પાવાગઢ

ગુજરાતમાં આવેલા પાવાગઢ પર્વત પર દિવાળીના સમયે ધાર્મિક કાર્યક્રમો અને આરતીનું આયોજન કરવામાં આવે છે. પાવાગઢના આસપાસના મનોહર દૃશ્યો અને હરિયાળી, ભક્તોને આકર્ષિત કરે છે. અહીંની શાંતિ, દર્શનના અનુભવને વધુ યાદગાર બનાવે છે. દિવાળી દરમિયાન, પાવાગઢમાં જતા લોકો માટે રહેવા અને ભોજનની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં સ્થાનિક હોટલ અને દક્ષિણ ભારતમાં અલગ અલગ પ્રકારના ખોરાક પીરસતા સ્થળો છે. ખાસ કરીને પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા ભક્તો રોપવેની પણ મજા માણે છે. તો નજીકમાં આવેલા ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની મુલાકાત લઈ ફોટોગ્રાફી કરવાનું પણ ચુકતા નથી.

ચોટીલા

ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક શક્તિપીઠ છે, જ્યાં માં ચામુંડાની પૂજા થાય છે. આ મંદિર પર્વતની ટોચ પર સ્થિત છે એનો ઇતિહાસ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે. ચોટીલા માતાજી 52 શક્તિપીઠોમાંની એક. એવું માનવામાં આવે છે કે અહીં માતાજીના દર્શન કરવા માટે ભક્તો અને સાધુઓ દૂર-દૂરથી આવે છે. બ્રિટિશ સમયગાળામાં ચોટીલા એજન્સી થાણાનું કેન્દ્રીય મથક રહ્યું હતું.  પ્રાચીન કાળમાં ચોટીલાને ચોટગઢ તરીકે ઓળખાતું હતું. આજે ચોટીલા તીર્થ સ્થળ તરીકે ગુજરાતમાં ખાસ નામ ધરાવે છે.

બહુચરાજી

બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલું શક્તિપીઠ છે, જ્યાં મા બહુચરની પૂજા થાય છે. એ કિન્નર સમુદાય તથા સ્ત્રીઓ માટે ગૃહસુખનું પ્રતીક છે. 1152માં રાજા સંખલ દ્વારા બનાવાયેલું આ મંદિર પૌરાણિક કથા અનુસાર દેવી સતીના જમણા હાથના પતન સ્થળ છે, જ્યાં ચારણ કન્યા બહુચરાએ ડાકુઓ પર વિજય મેળવ્યો હતો. તીર્થધામ બહુચરાજી માં બિરાજમાન બહુચર માતાજીના મંદિરે દિવાળી અને નવા વર્ષે હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે.

હેતલ રાવ