યાદો …

વિયેતનામની અમારી ટુર પૂરી થવા આવી હતી પણ મને મારા મનમાંની `બુદઈ’ અથવા `હેપ્પી બુદ્ધા’ અથવા `લાફિંગ બુદ્ધા’ની પ્રતિમા મળતી નહોતી. વિયેતનામમાં હેપ્પી બુદ્ધાની એટલી મોટી-મોટી પ્રતિમાઓ જોઈ હતી કે તેની એક નાની પ્રતિકૃતિ લઈ જવી જોઈએ, એ વિચાર મારા મનમાં ઘર કરી ગયો હતો. વારુ, મારી અપેક્ષા પ્રમાણે જ વધુ, તે પ્રતિમા આડી-ઊભી દસ ઈંચની હોવી જોઈએ. કારણ કે વિયેતનામથી આવનારા કમ સે કમ એક સોવેનિયર માટે તે જગ્યા રાખી મૂકી હતી. તેનો રંગ સંભવિત રીતે સફેદ અને તેની પર થોડો લાલ-લીલો-પીળો ચાલશે, કારણ કે જ્યાં મૂકવાની હતી ત્યાં બેકગ્રાઉન્ડ બ્લુ હતું. તે ખરેખર હેપ્પી અને વેલકમિંગ દેખાવો જોઈએ. તે દસ દિવસની ટુરમાં અમને ઘણાં ઠેકાણે આ હેપ્પી બુદ્ધા દેખાયો, જ્યાં જતાં ત્યાં અમે સોવેનિયર શોપમાં આ બુદ્ધાને શોધતાં હતાં. જો કે અમારી કલ્પનામાંનો ગોરો, સુંદર ઠીંગણો, મીઠો, હસતા ચહેરાવાળો બુદ્ધા કેમે કરીને અમને મળતો નહોતો. અમારા એટલે કે મારા શોધકાર્યને સુધીરે ક્યારના કોણીએથી હાથ જોડી દીધા હતા.

દરેક શોપમાં ગયા પછી જે દેખાય તે હેપ્પી બુદ્ધા જોઈને તે કહેતો, ‘આ સારો છે,’ અને હું જાણે મારા દીકરા માટે છોકરી અથવા દીકરી માટે છોકરાની શોધ કરતી હોઉં તે રીતે દરેકમાં કાંઈક ખોટ કાઢતી હતી. અંતે થવાનું તે જ થયું. મારી શોધ ઝુંબેશ અણી પર આવી ગઈ. વિયેતનામમાં હો-ચિ-મિન્નમાંનો છેલ્લો દિવસ આવી ગયો. તે દિવસ પણ પૂરો થયો અને અમારી વિયેતનામમાંની એકદમ છેલ્લી સાંજ આવી. ‘નુવિન હુવે’ નામે વોકિંગ સ્ટ્રીટ પર અમે ફરતાં હતાં. બુદ્ધા નહીં મળવાથી હું મનથી થોડી નારાજ જ હતી. બતાવી શકતી નહોતી, કારણ કે પછી સુધીરને બોલવાની તક મળી ગઈ હોત, શું-શું સાંભળવું પડતું હોય છે. તે સમયે ત્યાં એકેય દુકાન ખુલ્લી નહોતી. બીજા દિવસે એરપોર્ટ પર સોવેનિયર શોપમાં શોધીશું એવું વિચારી મેં મારું મન મનાવી લીધું અને `હેપ્પી બુદ્ધા’ની વાત થોડા સમય માટે મનમાંથી કાઢી નાખી અને કહ્યું `એન્જોય ધ મોમેન્ટ.’ તે વોકિંગ સ્ટ્રીટ પર જાણે જાત્રા ભરાયેલી હતી. કોઈ નાચતું હતું. કોઈ રખડતું હતું, કોઈ સ્ટેચ્યુ બની રહ્યું હતું. ઘણા બધા પર્યટકો એકાદ પાર્ટીમાં આવ્યા હોય તેમ સારા-સારા ડ્રેસીસમાં પોઝ આપીને ફોટોગ્રાફી કરતા હતા. તે બધું અમે કુતૂહલથી જોતાં હતાં. અમારા પણ ફોટોઝ કાઢતા હતાં. ‘વ્હેન ઈન વિયેતનામ, ડુ એઝ ધ વિયેતનામીઝ ડુ.’ એકંદરે તે સ્ટ્રીટે અમારી સાંજ હેપ્પી-હેપ્પી બનાવી દીધી.

અમે બહુ આગળ સુધી ચાલી આવ્યાં છીએ એવો વિચાર મનમાં આવવા લાગ્યો. માહોલ એવો હતો કે પગ નીકળતા નહોતા. આમ પણ આવતીકાલે વિમાનમાં આરામ કરીશું એવું વિચારીને અમે આગળ ચાલતાં રહ્યાં. વિયેતનામમાંની તે છેલ્લી રાત ખાઉધરાની જેમ જાણે અમારા પેટમાં ભરતા હતા. ચાલતાં-ચાલતાં રસ્તાની જમણી બાજુમાં અમને એક મોટ્ટો બુક સ્ટોર દેખાયો, જે ચાલુ હતો. પુસ્તકોની સ્ટેશનરીની દુકાન એટલે અમારા બંનેનો વીક પોઈન્ટ. અમે અંદર ગયાં. આવતીકાલે વિમાનમાં વાંચવા એક-બે પુસ્તકો મળે તો સારું એવો વિચાર કરીને અમે તે શોપમાં ફરતાં રહ્યાં. ઉપર-નીચે બહુ મોટી શોપ હતી. જે તે દેશની આવી દુકાનોમાં આપણને ત્યાંના સ્થાનિકોની જીવનશૈલી દેખાય છે. અહીંના લોકો તેમના રોજિંદા જીવનમાં શું-શું બાબતો ઉપયોગ કરે છે તે જોવાની મજા આવે છે. હું દુકાનની એકદમ અંદરના ભાગે આવી અને યુરેકા! મને તે દેખાયો. સફેદ વસ્ત્રોમાં, મસ્ત હસતો, પોતાના શિષ્ય પરિવારને ખભે રમાડનારો, સિરેકિમનો અને ઊંચાઈ જેટલી જોઈતી હતી તેટલી! દસ ઈંચની અંદર. હું તો ખુશીથી ઝૂમીને નાચવાની જ બાકી રહી ગઈ હતી. ‘અગર કિસી ચીજ કો દિલ સે ચાહો તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને મેંલગ જાતી હૈ’ આ ડાયલોગનો મને ફરી ફરી પરચો થયો. તે બુદ્ધાને લઈને અમારો વાપસી પ્રવાસ શરૂ થયો અને હું શાંત થઈ ગઈ.

આજે તે બુદ્ધા ‘હસતા રહો’નો સંદેશ પહોંચાડતાં, તેની સાથે જોડાયેલી યાદો તાજી કરીને અમારા લિવિંગ રૂમમાં બિરાજમાન થઈ ગયો છે. અગાઉ આપણાં ઘરોમાં એક શોકેસ અચૂક રહેતો. ક્યારેક પ્રવાસે જઈએ એટલે કાંઈક સોવેનિયર લાવવામાં આવતું અને તે શોકેસમાં બિરાજમાન કરાતું. ક્યારેક તેમાંની વસ્તુઓ પાછળ છુપાયેલી વાત આપણને ઘરવાળા કહેતા. તે શોકેસ સાફ કરવો, વસ્તુ પરની ધૂળ લૂછવી આવો કાર્યક્રમ રહેતો અને તે કરતી વખતે એકાદ વસ્તુ ફૂટી-તૂટી જાય તો વડીલો એવું રૌદ્ર રૂપ ધારણ કરતા કે પૂછશો જ નહીં. અમારા ઘરના શોકેસની એક જ વાત મને ગમતી નહોતી અને તે એટલે તેના કાચ એટલા ઘટ્ટ રહેતા કે તે સરકાવતાં સરકતા નહોતા. સમયાંતરે આ સ્લાઈડિંગ ગ્લાસીસ નીકળીને કાચના દરવાજા આવ્યા. વચ્ચે એક જમાનો એવો આવ્યો કે ઘરમાં આવા શોકેસ વગેરે હોવા તે અનેક આર્કિટેક્ટ્સના મતે થોડું ‘ચીપ’ માનવામાં આવતું. આથી ઘરના ‘શોકેસ’ની બાદબાકી થઈ ગઈ અને અલગ-અલગ જગ્યા નિર્માણ કરવામાં આવી આર્ટ પીસીસ માટે, ઓપનમાં. આ પછી ક્યારેય તેની પરનો એકાદ આર્ટપીસ હાથ અડવાથી પડવાની ઘટનાઓ પણ સામે આવવા લાગી. ઘરનું ઈન્ટીરિયર કરતી વખતે માર્કેટમાંથી વેચાતા લીધેલા આ મોંઘા શો-પીસ પાછળ કોઈ પણ યાદો જોડાયેલી નહીં હોવાથી ફક્ત શ્રીમંતાઈનો દેખાડો હતો તે. આથી તે બહુ સમય ટક્યું નહીં. તેની આગળ મોડર્ન આર્કિટેક્ચરમાં મિનિમલીઝમનો પ્રવેશ થયો. જેટલી ઓછી વસ્તુ ઘરમાં તેટલું ઘરનું ઈન્ટિરિયર અને તેમાં રહેનારનો ટેસ્ટ ઉચ્ચ દરજ્જાનો છે એવી સમજ માથું ઉપર ચઢવા લાગી. આ બધી વૈચારિક ઊથલ-પાથલનું પચન થતું હતું, ત્યારે અમારો પ્રવાસ અથવા પર્યટન વધતું હતું. દરેક શહેરમાંથી અથવા દેશમાંથી આવનારી કમ સે કમ એક વસ્તુ ઘરમાં વસ્તુ વધારતી હતી. દરેક ઠેકાણેથી કાંઈક લાવવું એટલે ત્યાંની યાદ આપણી સાથે લાવવી.

જુઓને, હેપ્પી બુદ્ધા પર લખતી વખતે પણ અમારી વિયેતનામની ટુર આંખો સામે ઊભી રહી. અંતે જીવનમાં આવી જ સારી-સારી યાદો ભેગી કરતા રહેવાનું મહત્ત્વનું છે. સો, આ વસ્તુઓનું શું કરવું એ પ્રશ્ન હતો જ. મિનિમલીઝમનો ફંડા થોડો બાજુમાં રાખ્યો અને ઘરમાં બુકશેલ્ફ-કમ-શોકેસ બનાવી નાખ્યો. તેમાંથી ઓપન શેલ્વ્ઝમાં દુનિયાભરની બધી નાની-મોટી વસ્તુઓ સમાવી. ઘરમાં એકલાં હોઈએ, ક્યારેક ઉદાસી મહેસૂસ થાય એટલે આ બુકશેલ્ફ સામે બેસવાનું અને એક-એક વસ્તુ ક્યારે ક્યાં લીધી તે મનમાં ને મનમાં યાદ કરવાનું. ઉદાસીનતા ક્યાંય ભાગી જાય છે. અમારી ઓફિસ ટીમમાંની રોશની બાગવેને ફ્રિજ મેગ્નેટ્સ ભેગા કરવાનો શોખ. તેણે આજ સુધી ઘણા બધા દેશોની અને શહેરોની મુલાકાત લીધી છે. તેના ઘરે એટલાં ફ્રિજ મેગ્નેટ્સ ભેગા થયા છે કે પૂછવું જ શું. એક દિવસ તેણે કોર્પોરેટ ઓફિસમાં એચ.આર.ને કહ્યું, `મને એક મોટું મેગ્નેટિકબોર્ડ આપો, મને આ મેગ્નેટ્સ આપણી ઓફિસને આપવાના છે.’ હવે આ તક કોણ છોડે? એચ.આર.એ તુરંત તેને એક દીવાલ આપી અને તે મેગ્નેટિક બોર્ડ પર તેણે બધા ફ્રિજમેગ્નેટ્સ ગોઠવી દીધા. હવે મને પણ બહાર ક્યાંક જાઉં તો ફ્રિજ મેગ્નેટ લેવાનું ઘેલું લાગ્યું છે. વચ્ચે અમારી ટુર મેનેજમેન્ટ, એટલે કે, ટુર મેનેજર્સને સંભાળતી ટીમના ડિપાર્ટમેન્ટમાં ગઈ હતી ત્યારે મને ત્યાં એક બોર્ડ દેખાયું, જેની પર અલગ-અલગ દેશની કી-ચેઈન્સ લગાવેલી હતી. ત્યાંના રાજીવ, શ્રીકૃષ્ણ અને સંદીપને પૂછ્યું કે આ સુંદર ક્રિયેશન કોનું છે, તો તેણે ટુર મેનેજર્સ આ કી-ચેઈન્સ લાવીને આપે છે તેઓ એકાદ નવા દેશમાં પગ મૂકે તેની યાદગીરી તરીકે. મેં કહ્યું, અરે વાહ! આ `માઈલસ્ટોન કી-ચેઈન્સ’ છે તો. ટૂંકમાં આપણે જાણ્યે-અજાણ્યે યાદોનો સંગ્રહ આ રીતે કરતા હોઈએ છીએ. આપણી જૂની ડાયરીઓ અથવા સ્ક્રેપબુક્સ અથવા આપણા જૂના પાસપોર્ટ જોતા હોઈએ ત્યારે સમયનું ભાન રહેતું નથી એટલી યાદોમાં આપણે પરોવાઈ જઈએ છીએ. અમારી ઘણી બધી ઓફિસીસમાં દીવાલો પર એક મોડર્ન સુવિચાર લખ્યો છે, `ઓફ ઓલ ધ બુક્સ ઈન ધ વર્લ્ડ, મોસ્ટ બ્યુટિફૂલ સ્ટોરીઝ આર ફાઉન્ડ બિટવીન ધ પેજીસ ઓફ ધ પાસપોર્ટ.’ તમે અનેકોએ તે અનુભવ્યું હશે. પાસપોર્ટ પરના સિક્કા આપણા પર્યટનના અનેક કિસ્સા આપણને કહેતા હોય છે. ક્યારેક આપણો પાસપોર્ટ ખોલીને જોઈએ એટલે યાદો જ યાદો આપણને ઘેરી વળે છે. આનંદિત યાદોની પોટલી સાથે આપણું જીવન વિતાવવું હોય તો વર્તમાનમાંની દરેક ક્ષણ પર કામ કરવું જોઈએ. કારણ કે આજે જે કાંઈ કરી રહ્યા છીએ તે આગળની ક્ષણની યાદ બનવાનું છે. તો ચાલો, યાદો આનંદિત બનાવીએ.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)