અમદાવાદ: આકાશમાં વિહરતા પક્ષીઓને ગણવાનું કામ કેટલું અઘરું છે તે કહેવાની જરૂર નથી, પણ આ અઘરું કામ હમણાં ગુજરાતમાં હાથ ધરાયું અને એના કારણે રાજ્યમાં વીસ લાખ જેટલાં પક્ષીઓ ઉડતા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24માં ગુજરાતમાં અંદાજે 20 લાખ પક્ષી હોવાનું જાહેર કરાયું છે. રિપોર્ટ અનુસાર દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પ્રજાતિ અને કચ્છમાં સૌથી વધુ 4.56 લાખ પક્ષી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ જિલ્લામાં કુલ 3.65 લાખ પક્ષીઓની ગણતરી કરાઇ છે. તેમાં 3.62 લાખથી વધુ પક્ષી માત્ર નળ સરોવરના છે. નર્મદા જિલ્લો પાણી અને વનરાજીથી ભરપૂર હોવા છતાં પક્ષીઓની સંખ્યા ફક્ત 556 નોંધાઇ છે. યાદ રહે, ગુજરાત તેની ઇકો સિસ્ટમના કારણે પક્ષીઓની વૈવિધ્યતાને આકર્ષે છે અને સ્થાનિક અને યાયાવર-વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે જાણીતું છે.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા આ રિપોર્ટ અંગે કહે છે એમ, “કચ્છના મનમોહક રણથી લઈને લીલાછમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધીના લેન્ડસ્કેપ્સના સ્પેક્ટ્રમમાં વિખરાયેલા છે. કચ્છના રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ, સ્થળાંતર ઋતુ દરમિયાન હજારો ગ્રેટર ફ્લેમિંગોના આગમનના સાક્ષી બને છે, જે સફેદ રણને ગુલાબી રંગમાં પરિવર્તિત કરે છે. પક્ષી-પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનને રાજ્યમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેના ભાગ રૂપે નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે ૫૦ હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે.”
રાજ્યમાં ૫૦ હજારથી વધુ પક્ષીઓ ધરાવતા ‘હોટસ્પોટ’
હોટસ્પોટ |
જિલ્લો |
અવલોકન કરાયેલ પક્ષીઓની સંખ્યા |
નળ સરોવર | અમદાવાદ | ૩,૬૨,૬૪૧ |
તોરણીય-જોડિયા | જામનગર | ૧,૫૯,૩૩૧ |
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ | કચ્છ | ૧,૪૫,૨૦૪ |
થોળ | મહેસાણા | ૧,૧૧,૬૧૧ |
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ | બનાસકાંઠા | ૧,૦૨,૦૨૦ |
ઇન્ડિયા-પાકિસ્તાન બોર્ડર રોડ- કચ્છ | કચ્છ | ૯૦,૨૨૫ |
બોરીયાબેટ | કચ્છ | ૮૧,૭૫૧ |
INS વાલસુરા રોડ- જામનગર | જામનગર | ૭૩,૬૩૧ |
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ- જગમલ બેટ ટાવર | બનાસકાંઠા | ૬૨,૭૧૪ |
રાજ્યમાં ૫૦ હજારથી વધુ પક્ષીઓ ધરાવતા ‘હોટસ્પોટ’
રાજ્ય સરકારના આ રિપોર્ટ અંગે ચિત્રલેખા.કોમ એ કેટલાંક પક્ષીવિદો સાથે વાત કરી અને પક્ષીઓની સંખ્યામાં થયેલાં વધારા પાછળના કારણો જાણવાનો પ્રયત્ન કર્યો તો શું કહ્યું આ પક્ષીવિદોએ?
ગની સમા, પક્ષીવિદ, નળસરોવર: નળ સરોવરમાં ચાર વર્ષ પહેલાં પક્ષીઓની 240 પ્રજાતિ જોવા મળતી હતી. જે આજના સમયમાં 327 પ્રજાતિ અહીં જોવા મળે છે. આ માટે છેલ્લાં ત્રણ વર્ષમાં નળ સરોવરના વનઅધિકારીઓએ સારી મહેનત કરી છે. પક્ષીઓ માટેના ખાસ હેબિટાટ તૈયાર કરવામાં આવ્યા છે. પાણીની આવક વધતાં કેટલાંક પ્રકારના ઝાડ કુદરતી રીતે નાશ પામ્યા હતા. મીઠી જાળ અને દેશી બાવળ આ બધાંની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો.
જેના પરિણામે નળ સરોવરમાં અત્યારે જંગલોમાં રહેતાં પક્ષીઓ પણ જોવા મળી રહ્યાં છે. અત્યારે નળ સરોવરમાં ફોરેસ્ટ બર્ડ, વોટર બર્ડ અને ગ્રાસલેન્ડ બર્ડ જોવા મળે છે. પક્ષીઓ વધવા પાછળનું કારણ સ્ટ્રિક્ટ પેટ્રોલિંગ, હેબિટાટમાં વધારો અને પક્ષીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે છે.
દેવવ્રતસિંહ મોરી, મેમ્બર ઓફ સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાયફ, ગુજરાત સરકાર: ગુજરાતમાં પક્ષીઓની વસ્તી પ્રજાતિઓ, રહેણાંક વર્તણૂંક અને પર્યાવરણીય પરિબળોના આધારે ભિન્નતા દર્શાવે છે. જયારે કેટલીક પ્રજાતિઓમાં વધારો જોવા મળ્યો છે, તો કેટલીક પ્રજાતિઓએ રહેણાંક ગુમાવવાના કારણે, શહેરીકરણ અને આબોહવા પરિવર્તનના કારણે પડકારોનો સામનો કર્યો છે. કુલ મળીને, બર્ડ કોન્ઝર્વેશન સોસાયટી, ગુજરાત તથા ઈ-બર્ડ સિટિઝન સાયન્સ પ્રોજેક્ટ્સ દ્વારા યોજાયેલા મૂલ્યાંકનો પક્ષીઓની વસ્તીમાં થતા ફેરફારોનો વધુ સ્પષ્ટ ચિતાર આપે છે. નિયમિત વસ્તી ગણતરીઓ આ વલણોને વધુ સચોટ રીતે સમજવામાં મદદરૂપ થાય છે.
કેટલીક પ્રજાતિઓ, ખાસ કરીને જે શહેરી અને ઉપશહેરી પરિસ્થિતિઓમાં ફૂલીફાળી શકે છે, જેમ કે મોર (Indian Peafowl), તેમની વસ્તીમાં વધારો થયો છે. આનું કારણ મુખ્યત્વે વન્યજીવન સુરક્ષા અધિનિયમ (Wildlife Protection Act) જેવી કાનૂની રક્ષણની વ્યવસ્થામાં સુધારો અને ગુજરાત વન વિભાગના સંરક્ષણ પ્રયાસો છે. એ ઉપરાંત, નાના કચ્છના રણ જેવા પાનીના વિસ્તારોમાં પાણીના પક્ષીઓ અને ફ્લેમિંગો જેવી પ્રજાતિઓની વસ્તીમાં વધારો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તારોમાં વધારે સારું જળ વ્યવસ્થાપન અને ઘટેલા માનવ પ્રવૃત્તિઓનો લાભ થયો છે. તેમછતાં, અન્ય સંવેદનશીલ પ્રજાતિઓ માટે સતત સંરક્ષણ પ્રયાસો ખૂબ જ જરૂરી છે.
વિશાલ ઠાકુર, પક્ષીવિદ, વડોદરા: ગુજરાત એ યુરેશિયા કે સાયબિરિયાથી પક્ષીઓ જે માઈગ્રેશન કરીને આવે છે તેનાં પટ્ટા પર આવેલું રાજ્ય છે. ઈરાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન બધી જ બાજુથી આવતા પક્ષીઓ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન ગુજરાત છે. આપણા રાજ્યમાં બાયોડાયવર્સિટી વધારે છે. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો અને જો બે કેન્દ્રશાસિત પ્રદેશો ઉમેરવામાં આવે તો 1700 કિલોમીટરનો દરિયા કિનારો છે. ભાલનો વિસ્તાર છે, કચ્છનું સફેદ રણ છે આપણી પાસે. વેટલેન્ડ આપણી પાસે ઘણા છે. આ ઉપરાંત આપણી પાસે ચાર રામસર સાઈટ્સ થોળ, નળ સરોવર, ખીજડિયા અને વઢવાણ પણ છે.
બહારથી આપણે ત્યાં આવતા પક્ષીઓ માટે વેધર પણ સપોર્ટિવ છે. ઠંડા પ્રદેશમાંથી આવતા પક્ષીઓના શરીરને અનુકૂળ માફકસરનું ટેમ્પરેચર આપણે ત્યાં હોય છે. આમ, ઈકો સિસ્ટમ ખુબ જ સારી હોવાના કારણે પણ પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)