બરડો ડુંગર: પ્રવાસનનું વિકસતું નવું કેન્દ્ર

રાજકોટ: સૌરાષ્ટ્રમાં દરિયો, જંગલ, ઐતિહાસિક સ્થળો, પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો હોવાથી પ્રવાસીઓને સૌરાષ્ટ્રનું હંમેશા આકર્ષણ રહ્યું છે. ગીરનું જંગલ, સાસણ, ગિરનાર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, ચોરવાડ, પોરબંદર, ખોડલધામ, ચોટીલા સહિતનાં સ્થળોએ પ્રવાસીઓની ભીડ હવે લગભગ કાયમી થઈ ગઈ છે તો છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં પ્રવાસનના વિકાસ માટેનું એક નવું આકર્ષણ ઉમેરાયું છે. એ છે: બરડો ડુંગર.બરડા અભયારણ્યની વાત સિંહથી શરૂ થાય એ સ્વાભાવિક છે. એશિયાટિક સિંહોને ગીરનું જંગલ હવે ટૂંકું પડી રહ્યું છે. ૧૪૩ વર્ષ બાદ પોરબંદર નજીક આવેલા બરડા ડુંગરમાં સિંહે પ્રવેશ કર્યો છે એ ઘણા જાણે છે. આટલા લાંબા સમય બાદ સિંહોએ એમના બીજા ઘર તરીકે બરડા વિસ્તારમાં ફરી વસવાટ શરૂ કર્યો. સિંહોની છેલ્લી વસતિગણતરી મુજબ બરડા પંથકમાં ૧૭ સિંહો જોવા મળ્યા છે. બરડા ડુંગરમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે એનું એક મહત્ત્વનું કારણ સિંહોનો વસવાટ એ તો છે જ, પણ એ સિવાય પણ કેટલાંક કારણ છે.

પોરબંદરથી આશરે ૧૫ કિલોમીટર દૂર અને ભાણવડથી આશરે સાત કિલોમીટર દૂર બરડો પંથક આવેલો છે. બરડાના વિકાસ માટે આમ તો ગુજરાત સરકાર દ્વારા લાંબા સમયથી પ્રયાસો ચાલે છે અને હવે આ મહેનત રંગ લાવી રહી છે. બરડાના જંગલમાં વન્યપ્રાણીઓ ઉપરાંત ૩૦૦થી વધુ દુર્લભ વનસ્પતિ જોવા મળે છે. બરડાનો વિસ્તાર ૧૯૨.૩ સ્ક્વેર કિલોમીટર છે. એ રીતે ગીર અભયારણ્ય કરતાં આ ઘણો નાનો વિસ્તાર છે, પણ અહીં કુદરતી સૌંદર્ય મનમોહક છે. ઊંચા પહાડો, ગાઢ જંગલ, ઝરણાં, આ પંથકમાં કિલ્લેશ્વર જેવું પ્રાચીન મંદિર, દસમી સદીમાં બંધાયેલું ઘુમલીનું મંદિર અને નવલખો મહેલ પ્રવાસીઓને ઘેલું લગાડે છે. ઘુમલીનું ગણેશ મંદિર એ જેઠવાવંશના ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઘુમલી અને એની નજીક આવેલો નવલખો મહેલ સ્થાપત્યકળાનો પણ ઉત્તમ નમૂનો છે. એ સમયે જંગલમાં આવેલો આ મહેલ રૂપિયા નવ લાખના ખર્ચે બાંધવામાં આવ્યો હતો એટલે એ નવલખો  તરીકે વિખ્યાત બન્યો.બરડાના જંગલમાં આવતા પ્રવાસીઓ અચૂક કિલ્લેશ્વર મહાદેવના મંદિરે જાય છે. જંગલની વચ્ચે પ્રાચીન કિલ્લા જેવા વિશાળ મંદિરે પહોંચતાં પહેલાં ખળ-ખળ વહેતા ઝરણાની ઉપર આવેલા નાના પુલ પરથી પસાર થવું પડે છે. આ અનુભવ અદ્ભુત હોય છે. ઘેઘૂર વૃક્ષો વચ્ચે આવેલા કિલ્લેશ્વર મંદિરનો ઈતિહાસ જામનગરના રાજપરિવાર સાથે જોડાયેલો છે. બરડો પંથક ટ્રેકિંગ માટે ખૂબ જાણીતો છે. જંગલની સાથે ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પસંદ હોય અને માત્ર એક કે બે દિવસની ટૂર કરવી હોય તો બરડાનો પ્રવાસ કરી શકાય છે. પોરબંદર અને ભાણવડ (દેવભૂમિ દ્વારકા જિલ્લો) બન્ને તરફથી બરડા અભયારણ્યમાં આવી શકાય છે. કપુરડી નેસ વનવિભાગની ચેક પોસ્ટ આવે છે, ત્યાંથી પરવાનગી લઈને આગળ જઈ શકાય છે. કિલ્લેશ્વર સુધી વાહન જઈ શકે છે, પણ શનિ-રવિ હોય તો વાહનોના થપ્પા લાગી જતા હોય છે. રજાઓમાં ભારે ભીડ આ રૂટ પર હોય છે.  શ્રાવણ મહિનાથી દિવાળીના તહેવારો સુધી પ્રવાસીઓનો આવો જ ટ્રાફિક રહેશે એવો સ્થાનિક લોકોનો અંદાજ છે.

આ વર્ષે પહેલી વાર ગુજરાતના વનવિભાગ દ્વારા ગીર-સાસણની બહાર બરડામાં કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. એ નિમિત્તે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્યસૃષ્ટિ સંરક્ષણ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રૂપિયા ૧૮૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ પણ કર્યું હતું. બરડામાં એક જંગલ સફારી પાર્ક પણ ચાલુ કરવામાં આવ્યો છે અને હવે રૂપિયા ૭૫ કરોડના ખર્ચે સાસણમાં જેમ દેવળિયા પાર્ક છે એવો બીજો સફારી પાર્ક બનાવવામાં આવશે, એનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.જંગલ સફારી પાર્ક જૂનથી ઑક્ટોબર બંધ રહે છે. આ સમયગાળામાં પ્રવાસીઓ આવે તો એમને સિંહ સહિતના‘ વન્યપ્રાણીઓનાં દર્શન થઈ શકે એ માટે બીજો સફારી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાતના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા કહે છે: ‘બરડામાં પ્રવાસનના વિકાસની વિપુલ તકો છે. પ્રવાસીઓ અને સ્થાનિક માલધારીઓ માટે અનેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. બરડામાં નવમી સદીના પ્રાચીન સ્થાપત્યકળાનાં સ્થળો, પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત સિંહોના વસવાટથી આ વિસ્તારમાં પ્રવાસનને વેગ મળશે. ગુજરાત અને ભારત સરકાર સંયુક્ત રીતે બરડાના વિકાસ માટે પ્રયાસ કરે છે, એનાં સારાં પરિણામ મળી રહ્યાં છે.’

(દેવેન્દ્ર જાની- રાજકોટ)

(તસવીરો: અશોક મશરૂ)