નિમિષાબેનનો નિવૃતિકાળ તેમને ઝડપી વૃદ્ધ બનાવી રહ્યો હતો…

નિમિષાબેન નોકરીમાં હતા ત્યાં સુધી તો સ્ફૂર્તિથી ઓફિસ અને ઘરના કામ પણ કરી લેતા પરંતુ જેવા નિવૃત થયા કે તરત જ જાણે તેમના અંગો ઢીલા પડવા લાગ્યા. આખો દિવસ લોકોની વચ્ચે વિતાવવાની આદત, ઓફિસના લોકો સાથે હસી મજાક અને કામની વાતો થાય, સહકર્મચારીઓ સાથે ભોજન અને ચા-પાણી થાય એ બધું અચાનક જ છૂટી ગયું એટલે નિમીષાબેનને શરૂઆતમાં તો જાણે એ સમજમાં જ ન આવ્યું કે હવે તેઓ દિવસ કેવી રીતે પસાર કરે.

નિવૃત્તિ બાદ પહેલા દિવસે સવારે ઉઠીને છાપું વાંચી જોયું અને પછી અડધા કલાકનું કામ બે કલાક ખેંચી ખેંચીને આખો દિવસ જેમ તેમ પસાર કર્યો. જમવાનું બનાવ્યું, જમીને વાસણ ધોયા, ટીવી જોયું અને કપડાં સંકેલીને રાખ્યા. બે વખત ઓફિસના મિત્રોને ફોન પણ કરી લીધો પરંતુ કામના સમયે તો સૌ વ્યસ્ત હોય તે વાત નિમિષાબેન સારી રીતે જાણતા હતા એટલે વધારે આશા ન રાખી શકાય.

એકદિવસ સાંજે ઘરે જતા ઓફિસની સહકર્મચારી નિમિષાબેનના ઘર તરફથી નીકળતી હતી એટલે કેમ છો, કેમ નહિ પૂછવા આવી ગઈ. બંને એકાદ કલાક સાથે બેઠા. ઓફિસની વાતો કરી. જુના દિવસોની વાતો કરી. કેટલાય એવા ભુલાઈ ગયેલા પ્રસંગો ફરીથી યાદ આવ્યા. નિમિષાબેનને સારું લાગ્યું. પરંતુ આવી રીતે તેમને મળવા આવનારા લોકો વધારે નહોતા.

દીકરો મનીષ ચાર વર્ષથી અમેરિકામાં સેટલ હતો. વરસમાં એકાદ વખત તો નિમિષાબેન અમેરિકા જઈ શકે અને દીકરાના પરિવાર સાથે બે મહિના વિતાવી શકે પરંતુ ત્યાર પછીના દશેક મહિના તો તેમને અહીં જ પસાર કરવાના હતા. આડોસ-પાડોશની સ્ત્રીઓ સાથે ધીમે ધીમે તેમણે વાતચીત કરવાનું શરુ કર્યું. પહેલા તો ઓફિસની વ્યસ્તતાને કારણે પાડોશની મહિલાઓ સાથે વધારે ઉઠવા-બેસવાનું નહોતું કેમ કે તેઓ મોટા ભાગે ગૃહિણીઓ હતી અને તેમનું ગ્રુપ અલગ હતું. નિમિષાબેન વધારે પડતા પોતાની ઓફિસના લોકો સાથે હળતા-મળતા.

નિવૃત્તિ પછી છ મહિના વીત્યા ત્યારે નિમિષાબેનનો પુત્ર મનીષ અમેરિકાથી પોતાના પરિવાર સાથે ઘરે આવ્યો. તેણે જોયું કે મમ્મીના શરીરમાં અને મનમાં પહેલા જેવા જોમ રહ્યા નથી. આખો દિવસ તે પુસ્તકો વાંચે, ટીવી જુએ, બે-ચાર છાપ અને મેગેઝીન પણ જોઈ જાય અને દિવસ પસાર કરે. એકસઠની ઉંમરમાં તો વૃદ્ધો જેવી વાતો કરે છે અને ધીમે ધીમે જાણે જીવનથી કંટાળી ગયા હોય તેવી માનસિકતા થતી જાય છે. મનીષના પપ્પા ઘણા વર્ષો પહેલા એક કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્યારથી નિમિષાબેને એકલા હાથે જ તેને મોટો કરેલો પરંતુ મનીષે કે નિમિષાબેને જીવનને થોભવા દીધું નહોતું. નિમિષાબેન પાસે પણ નોકરી હોવાથી આર્થિક ઝાટકો લાગ્યો નહોતો અને થોડા સમયમાં બધું રાબેતા મુજબ ચાલવા લાગેલું. પરંતુ હવે નિવૃત્તિ પછી નિમિષાબેનના જીવનમાં ખરેખર જ ખુબ મોટો ખાલીપો જણાતો હતો. મનીષને લાગ્યું કે જો મમ્મીને સાચવવી હશે તો કોઈક તો ઉપાય કરવો પડશે. તેણે પોતાની પત્ની અને અમેરિકામાં બે-ત્રણ મિત્રો સાથે ફોન પર વાત કરી અને એક નિર્ણય કર્યો

‘મમ્મી, આજે આપણે ત્રણેયે બહાર જવાનું છે. તૈયાર થઇ જજો અગિયાર વાગ્યા સુધી.’ મનીષે સવારે નાસ્તો કરતા કહ્યું. તેની પત્નીને પ્લાનની પહેલાથી જ જાણ હતી.

‘આજે ક્યાં જવું છે? હું તો વિચારતી હતી કે ટીવીમાં એક ડિબેટ આવવાની છે તો તે જોઇશ અને મેગેઝીન વાંચીશ.’ નિમિષાબેને કોઈ વિરોધ તો ન નોંધાવ્યો પરંતુ ખાસ ઉત્સાહ પણ ન બતાવ્યો.

‘છે એક જગ્યા અહીંથી સોએક કિલોમીટર દૂર. હું ડ્રાઈવ કરી લઈશ.’ મનીષે કહ્યું.

‘ડ્રાઈવર?’

‘એને મેં રજા આપી છે.’ મનીષે ખુલાશો કર્યો.

બે કલાકની મુસાફરી પછી મનીષે કાર એક મોટા ગેટની પાસે ઉભી રાખી. સેક્યુરીટીએ પૂછપરછ કરી રજીસ્ટરમાં વિગત નોંધી અને કારને જવા માટે ગેટ ખોલી આપ્યો.

‘આ વૃદ્ધાશ્રમમાં આપણે શું કરીએ છીએ?’ નિમિષાબેને બહાર નજર કરતા પૂછ્યું.

‘આ વૃદ્ધાશ્રમ નથી મમ્મી. રિટાયરમેન્ટ હોમ છે. આપણે અહીં તમારા રહેવા માટે વાતચીત કરવા આવ્યા છીએ.’ મનીષે કહ્યું.

‘શું? હું નહિ રહું અહીં વૃદ્ધાશ્રમમાં. મારુ ઘર છે અને હું ત્યાં જ સુખી છું. મને શું વાતની ચિંતા છે કે હું વૃદ્ધાશ્રમમાં રહું?’ નિમિષાબેન વ્યગ્રતાથી બોલી રહ્યા હતા.

‘મમ્મી, આપણે મેનેજમેન્ટની ઓફિસમાં જઈએ ત્યાં તું વાત સંભાળ અને પછી આપણે ઘરે જઈને વાતચીત કરીશું. તને કોઈ જબરદસ્તી નહિ કરે.’ મનીષે પોતાની મમ્મીને શાંત પાડતા કહ્યું. તેની પત્નીએ સાસુના હાથ પર હાથ મૂકીને સંકેત કર્યો કે એકવાર મનીષને પોતાનો પ્લાન બતાવી દેવા દો પછી જોયું જશે.

‘આવો આવો મનીષભાઈ. આપણી ફોન પર વાત થયેલી. આ આપણા મમ્મી છે નિમિષાબેન?’ મેનેજરે મનીષને ઓફિસમાં આવકારતા કહ્યું.

‘હા જી. મારા મમ્મી છએક મહિના પહેલા જ નિવૃત થયા છે એટલે મેં વિચાર્યું કે અહીં રિટાયરમેન્ટ હોમની ફેસિલિટી જોઈ લે.’ મનીષે કહ્યું.

‘ચોક્કસ. ચાલો પહેલા હું તમને એક સેમ્પલ હાઉસ બતાવું. જુઓ આ બે બેડરૂમનું ઘર છે અને આ ત્રણ બેડરૂમનું. તમારી જરૂરિયાત પ્રમાણે પસંદ કરી શકો. પાંચ વર્ષની લીઝ પર લો તો મહિને ચાલીસેક હજાર જેટલો ખર્ચ છે અને ખરીદશો તો સીતેર લાખ જેવું થશે.’ મેનેજરે ઘર બતાવતા કહ્યું.

‘આટલું મોંઘુ? લોકો શા માટે વૃદ્ધાશ્રમના આટલા પૈસા આપે?’ નિમિષાબેને પૂછી લીધું.

‘બેન, આ વૃદ્ધાશ્રમ નથી. આ નિવૃત થયેલા લોકોની કોલોની છે એવું કહી શકાય. જે રીતે વ્યક્તિ સોસાયટીમાં પોતાનું ઘર ખરીદે છે તેવી જ રીતે અહીં પણ પોતાનું ઘર જ ખરીદે છે. ફરક માત્ર એટલો છે કે અહીં નિવૃત થયેલા લોકો રહેતા હોય છે. તેમની સુખ-સુવિધા અને જરૂરિયાતોને ધ્યાનમાં લઈને બધી સવલતો તૈયાર કરવામાં આવે છે. ચાલો હું તમને ત્રણેયને એક વખત આખી ફેસિલિટી બતાવી દઉં. રસ્તામાં આપણે વાતો કરીશું.’ મેનેજરે મનીષ, પત્ની અને નિમિષાબેનને સાથે લઈને ત્યાંની સુવિધા સમજાવવા માંડી.

‘આ પ્રોપર્ટી અત્યાધુનિક સવલતોથી સજ્જ છે. જુઓ અહીં જિમ અને યોગા સેન્ટર છે. રોજ સવારે યોગા ક્લાસ થાય છે. અઠવાડિયામાં બે દિવસ એરોબિક્સ પણ હોય છે. મેડિટેશન અને સ્પીરીટ્યુઅલ સેન્ટર લાઈબ્રેરીની પાસેના રૂમમાં છે.’ મેનેજર એક પછી એક સુવિધા બતાવતો જતો હતો.

‘અહીં રેસ્ટોરન્ટ અને કેન્ટીન છે. ક્લબ જેવી સિસ્ટમ છે – તમે ઉપયોગ કરો એ પ્રમાણે બિલ મહિને એકવાર ભરી દેવાનું. સ્વીમીંગપુલ, બેડમિન્ટન અને ટેનિસ કોર્ટ જીમની પાછળ જ છે ત્યાં આપણે છેલ્લે જઈશું. તેની પહેલા તમને આ થીએટર અને રિક્રિએશન સેન્ટર બતાવી દઉં. અહીં બધા રહેવાસીઓ સાથે મળીને ફિલ્મો જુએ છે, ગેમ્સ કરે છે અને વરતહેવારના કાર્યક્રમોનું આયોજન કરે છે.’ મેનેજરે વધારે વિગતો આપી.

‘આ તો કોઈ મોડર્ન સોસાયટી જેવું છે બધું.’ નિમિષાબેન માટે આ તદ્દન નવો કન્સેપટ હતો.

‘હા, રિટાયરમેન્ટ હોમ્સ વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં લઈને બનાવવામાં આવતી સોસાયટી છે જ્યાં બધા નિવૃત લોકો રહે છે – પોતપોતાના ઘરમાં, પોતપોતાના ખર્ચે. માત્ર ફરક એટલો છે કે સમાન ઉંમરના લોકો સાથે રહેતા હોવાથી તેમના વિચારો, પ્રવૃતિઓ અને જરૂરિયાતો સમાન હોય છે અને તેના આધારે બધી ફેસિલિટીઝ તૈયાર કરવામાં આવે છે. ખાસ એક વાત કહેવાની રહી ગઈ કે આપણે અહીં મેડિકલ સેન્ટર છે જ્યાં ચોવીસ ક્લાસ ડોક્ટર્સ અને નર્સીસ હોય છે. જે લોકોની ઉંમર વધારે હોય, ખાસ દેખરેખની જરૂર હોય તેમના ઘરે પણ અલગથી નર્સીસની સુવિધા ઉપલબ્ધ કરાવી અપાય છે. ફ્રી નથી, તેના માટે પણ પૈસા તો આપવા જ પડે છે, માત્ર ફરક એટલો કે આ સોસાયટી માટે ડેડીકેટેડ મેડિકલ સેન્ટર હોવાથી આપણે સારી સુવિધા મેળવી શકીએ છીએ. એક રીતે આપણી સૌની સહિયારી હોસ્પિટલ છે તેવું કહી શકાય.’ મેનેજરે ઉમેર્યું.

‘આ તો ખરેખર સારી સુવિધા છે. પણ લોકો એકબીજાને મળે છે ખરા કે પોતપોતાના ઘરમાં જ રહે છે?’ નિમિષાબેને પૂછ્યું.

‘બેન, બધા જ નિવૃત લોકો છે. કોઈને ઓફિસે જવાનું નથી, કોઈને બિઝનેસ સાંભળવાનો નથી. ઉપરાંત કોઈ પોતાના બાળકો સાથે રહેતા હોતા નથી. અહીં માત્ર નિવૃત થયેલા પતિ-પત્નીને રહેવાની પરવાનગી મળે છે. નિયમ એ છે કે તમારા પરિવારના લોકો મહેમાન તરીકે તમારી સાથે આવીને રહી શકે થોડા સમય માટે પરંતુ તમારા દીકરા સાથે તમે અહીં હંમેશા ન રહી શકો. એવું કરો તો પછી આને રિટાયરમેન્ટ હોમ કેવી રીતે કહેવાય? બધા નિવૃત લોકો હોવાથી સૌ પોતપોતાના શોખની પ્રવૃત્તિમાં ભાગ લેવા આવે છે. સૌ સાથે બેસીને બગીચામાં વાતો કરે છે, રેસ્ટોરન્ટમાં કોફી પીવે છે, લાઈબ્રેરી અને રિક્રિએશન સેન્ટરનો ઉપયોગ કરે છે, તહેવારો ઉજવે છે અને સારી રીતે પોતાની નિવૃત્તિનો સમય પસાર કરે છે. તેમણે એકલવાયું લાગતું નથી અને બીજા પાસે સમય અને સારવારની અપેક્ષા રાખ્યા વિના અહીં પોતાનું સ્વનિર્ભર જીવન જીવે છે. અને હા, અહીં બધા લોકો એવા છે જેઓ પોતાની કારકિર્દીમાં ખુબ સફળ રહ્યા છે. ડોક્ટર્સ, વકીલ, એન્જીનીઅર, સરકારી અધિકારીઓ, બેંકર્સ વગેરે.’ મેનેજરે ફરીથી પોતાની ઓફિસ તરફ જતા કહ્યું.

‘થેન્ક યુ મેનેજર સાહેબ. અમે વિચારીને તમને જવાબ આપીશું.’ મનીષે કહ્યું અને તેઓ ત્રણેય પોતાના ઘરે પાછા જવા નીકળ્યા.

‘કેવી લાગી આ જગ્યા મમ્મી?’ મનીષે રસ્તામાં પૂછ્યું.

‘આપણા ઘરની આજુબાજુના બધા લોકોને પોતપોતાનો પરિવાર છે. નિવૃત થયેલા લોકો પણ પોતાના પૌત્ર-પૌત્રી અને ઘરના કામમાં વ્યસ્ત હોય છે. હું એકલી બેઠી હોઉં છું. મને લાગે છે કે આ સોસાયટી મારા માટે સારી રહેશે. તું વધારે તપાસ કરીને મને કહેજે.’ નિમિષાબેને મનીષને કહ્યું.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]