શું વિભૂતિએ જ તેના પતિ પુષ્કર મહેતાના ભોજનમાં ઝેર ભેળવ્યું હતું?

વિભૂતિએ પચીસની ઉંમરે પાસંઠ વર્ષના પુષ્કર મેહતા સાથે લગ્ન કર્યા ત્યારે તેના મમ્મી-પપ્પાએ ખુબ સમજાવેલી પરંતુ ‘મને પુષ્કર સાથે સાચો પ્રેમ છે’ કહીને વિભૂતિ પોતાની વાત પર અડગ રહી હતી. તેના લગ્નની વિરુદ્ધની બધી જ દલીલોને તેણે સલમાન રશ્દી, ફ્રાન્સના પ્રેસિડેન્ટ અને ચીની કમ ફિલ્મના ઉદાહરણો આપીને ઠંડી પડી દીધેલી.

આ વાતથી જાણતા લોકોમાં કેટલીય અટકળો અને ચર્ચાઓ શરુ થયેલી. કેટલાક લોકોનું કહેવું હતું કે આને જ સાચો પ્રેમ કહેવાય જેમાં ઉમર અને જાતપાતનું કોઈ મહત્ત્વ ન હોય. કોઈ કહેતું કે વિભૂતિ હજી નાની છે અને તેને દુનિયાદારીની સમજ નથી એટલે પ્રેક્ટિકલ થઈને વિચારી શકતી નથી. કોઈએ એવું પણ કહેલું કે પુષ્કર મેહતા પાસે અઢળક પૈસા છે અને તેના માટે થઈને જ વિભૂતિએ એ વૃદ્ધ માણસ સાથે લગ્ન કર્યા છે પરંતુ તેની સામે દલીલ કરનારા લોકોએ એવો જવાબ પણ આપેલો કે પુષ્કર મેહતાના પોતાના પણ બે સંતાનો છે જ ને?

જયારે લગ્ન થયા ત્યારે વિભૂતિના પરિવારના લોકો એ જ નહિ પરંતુ પુષ્કર મેહતાના બંને બાળકોએ પણ પોતાની નારાઝગી વ્યક્ત કરેલી પરંતુ બંને પ્રેમીઓ પોતાની વાત પરથી ટસના મસ ન થયા એટલે લગ્ન થઈને જ રહ્યા.

વિભૂતિ ઘરમાં વહુ બનીને આવી ત્યારે બાળકો સિવાય સૌથી નાની વ્યક્તિ તે હતી. પુષ્કર મહેતાનો પુત્ર અને પુત્રવધુ પણ લગભગ પાંત્રીસેકના હતા અને તેનાથી મોટી દીકરી જે સાસરે હતી તે પુત્રથી પણ ત્રણેક વર્ષ મોટી હતી. પોતાના સંતાનો કરતાંય નાની ઉંમરની પત્ની લાવવા માટે કેટલાય લોકોએ પુષ્કર મેહતાની ટીકા કરેલી પરંતુ ‘મને સાચો પ્રેમ છે અને તેની સાથે ઉંમરનો કોઈ સંબંધ ન હોય’ તે વાત પુષ્કર મેહતા પણ સ્પષ્ટ સંભળાવી દેતા હતા.

‘આપણે બંનેએ પ્રેમ ખાતર સમાજના દરેક લોકોની તીખી નજરોનો શિકાર બનવું પડશે.’ વિભૂતિએ પહેલી રાત્રે પોતાના પતિને કહેલું.

‘તું ચિંતા ન કરીશ. આપણે સાથે મળીને આ દુનિયાના લોકોને સાચો પ્રેમ કોને કહેવાય તે ઉદાહરણથી સમજાવીશું.’ પુષ્કર મેહતાએ વિભૂતિને આશ્વાસન આપતા કહેલું.

લગ્નને છએક મહિના વીત્યા ત્યાં સુધીમાં વિભૂતિએ પુષ્કર મહેતાને સંપૂર્ણપણે પોતાને વશ કરી લીધા હતા. તેમનું ભોજન, દિનચર્યા, ઓફિસને લગતા કામકાજ વગેરેમાં તે મદદ કરતી અને ધીમે ધીમે બધું જ સમજવા અને શીખવા લાગેલી. વિભૂતિની ભાષા મૃદુ અને ચેહરો પ્રેમાળ હતો જે પુષ્કર મહેતાને પોતાના તરફ આકર્ષતો. તેના લાંબા કાળા વાળ પર તો તેનો પતિ ફિદા જ હતો. યુવાન પ્રેમિકા અને પત્નીના આવવાથી પુષ્કર મેહતાના જીવનમાં પણ ઘણું પરિવર્તન આવેલું. જે કામ તેઓ પહેલા પુત્ર પર અને કંપનીમાં મેનેજર પર છોડી દેતા તેના પર હવે પોતાનું નિયંત્રણ વધારવા લાગેલા. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં તેમજ બિઝનેસમાં પણ હવે તે વધારે સક્રિય બનવા લાગેલા. તેમનું વર્તન પાસંઠ નહિ પરંતુ પિસ્તાળીસની ઉંમરના વ્યક્તિ જેવું બનવા લાગેલું.

પુષ્કર મેહતાના જીવનમાં આવેલા પરિવર્તનથી બધા લોકો આશ્ચર્ય પામતા, કેટલાક ખુશ થતા તો કેટલાક ઈર્ષ્યા પણ કરતા. તેના પુત્ર અને પુત્રવધૂને આ બધું ન ગમતું.

‘ઉમર પચપન કી ઓર દિલ બચપન કા તો સાંભળ્યું હતું પણ આ તો ઉમર પૈસઠ કી ઓર દિલ પચીસકા જેવું થઇ રહ્યું છે.’ પુત્રવધૂએ પોતાના પતિને એકવાર કહેલું.

‘હા, થાય તો એવું જ છે પરંતુ પપ્પાને કોણ સમજાવે? હવે તો વાળ એકદમ કાળા કરીને ફરે છે. મૂછો પણ કાળી કરી લીધી છે. કેટલાક લોકો તો મારી મજાક ઉડાવે છે પણ હું કઈ કરી શકું તેમ નથી.’ પુત્રએ જવાબમાં કહેલું.

જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પુત્ર-પુત્રવધૂનો પુષ્કર મેહતા પ્રત્યે આદર ઓછો થતો ગયો એવું સૌ સ્પષ્ટ જોઈ શકતા હતા. ક્યારેક ક્યારેક પિતા-પુત્ર વચ્ચે બોલચાલ પણ થઇ જતી અને કેટલાક પ્રસંગોએ સાસુ-વહુ વચ્ચે પણ ઝગડા થઇ ગયેલા. અહીં સાસુ કરતા વહુ મોટી હતી પરંતુ સસરાની લાડકી હતી એટલે વહુને ઘણું સહન કરવાનું અને સાંભળવાનું થયેલું.

આ બધી જ કડવાશ પરિવારમાં ઘોળાતી જતી હતી. પુત્ર પોતાની બહેનને આ બધી વાત ફોન પર કરતો અને પિતાના આ નિર્ણયથી નારાઝ થયેલી બહેન ઘરે આવી ત્યારે તેને પણ પોતાની નજરે જોયેલું કે વિભૂતિ ઘરમાં રાજ ચલાવી બેઠી છે અને પોતાના પિતા યુવાન પત્ની કહે તેવું અને તેટલું જ કરે છે. તેણે પણ પિતા સાથે વાતચીત કરીને ઘરમાં સુલેહ કરાવવાની કોશિશ કરેલી પરંતુ પિતા પર કોઈ અસર થયેલી નહિ.

વિભૂતિ અને પુષ્કર મેહતાના લગ્નને એક વર્ષ થવા આવ્યા એટલે વિભૂતિએ એનિવર્સરી ઉજવવાની બહુ મોટી તૈયારી શરુ કરી. બધા જ જાણીતા મહેમાનોને બોલાવીને તેમની સામે પોતાના પ્રેમનું પ્રદર્શન કરવાનો તેનો ઈરાદો હતો અને તેની સાથે સાથે એક બીજો પણ પ્લાન તેના મનમાં હતો. તૈયારી શરુ થઇ. પુત્ર અને પુત્રવધુ આ પ્લાંનિંગથી જરાય ખુશ નહોતા. તેઓએ તો આ વાતનો વિરોધ પણ કરેલો.

‘અમે યુવાન થઈને એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં એટલો ખર્ચો અને તામજામ નથી કરતા તો તમારે શું જરૂર છે? આમેય લોકો વાતો કરે છે હવે તેમને વધારે મસાલો મળશે.’ પુત્રએ ગુસ્સામાં કહેલું.

‘તમને તમારા લગ્નની વર્ષગાંઠની ખુશી ન હોય તો અમારે પણ નહિ મનાવવાની?’ પુષ્કર મેહતાએ વિભૂતિના કહેલા શબ્દો જ બોલી દીધેલા.

‘વાત ખુશીની નથી. વાત ઉચિતતાની છે. શું જરૂર છે આવા ખર્ચ અને દેખાડા કરવાની?’ એટલું કહીને પુત્ર ચાલ્યો ગયેલો.

‘આપણા પ્રેમને જોઈ નથી શકતા લોકો. હજી તો આપણે પરિવાર અને સમાજના કેટલાય વિરોધનો સામનો કરવો પડશે પણ આપણે પાછળ નહિ જ હટીએ.’ વિભૂતિએ પુષ્કર મહેતાને કહેલું અને તેનો હાથ પકડીને પોતાના ગાલ પર મુકેલો.

એનિવર્સરીની પાર્ટીની તૈયારી વિભૂતિએ જ જોયેલી. પાર્ટીના દિવસે પુત્ર અને પુત્રીના પરિવાર આવ્યા તો ખરા પરંતુ પાર્ટી શરુ થાય તે પહેલા પિતા અને પુત્ર-પુત્રી વચ્ચે ખુબ બોલચાલ થયેલી.

પુષ્કર મેહતાએ એ બધું ભુલાવીને પોતાની યુવાન, સુંદર અને પ્રેમાળ પત્ની સાથે પાર્ટીના મહેમાનોને અવકારવાનું શરુ કર્યું. બધા લોકો આવી ગયા પછી કેક કપાઈ. ભોજન શરુ થયું અને જમતા જમતા પુષ્કર મેહતા અચાનક જમીન પર ધડામ દઈને પડી ગયા.

પુષ્કર મહેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડોક્ટરે નિદાન કર્યું કે તેમના ભોજનમાં ઝેર મેળવવામાં આવેલું પરંતુ તેની માત્ર એટલી નહોતી કે તેનાથી મૃત્યુ થાય એટલે તેઓ બચી ગયા.

પુષ્કર મેહતાએ હોસ્પિટલના ત્રણ દિવસના સમય દરમિયાન ઘણું આત્મચિંતન કર્યું. જયારે તેમની તબિયત સુધારી અને તેમને ઘરે લાવવામાં આવ્યા ત્યારે તેમને પોતાના પુરા પરિવારને ડ્રોઈંગ રૂમમાં બોલાવ્યો અને જાહેર કર્યું, ‘મને એ વાતની તો ખાતરી છે કે આ ઝેર આપનાર ઘરમાંથી જ કોઈ હતું. કોણ હોઈ શકે તે પણ હું સમજુ છું. આગળ જતા પણ મારો જીવ લેવાના પ્રયત્ન થઇ શકે તેની મને ખાતરી છે પરંતુ હું તેનું કારણ જ ખતમ કરી દેવા માંગુ છું એટલે મેં નિર્ણય કર્યો છે કે હું મારી બધી જ સંપત્તિ પુત્ર અને પુત્રીના નામે કરી દઈશ અને માત્ર મારા અને વિભૂતિના ગુજરાન જેટલું ધન પોતાની પાસે રાખીશ. અમારો પ્રેમ સાચો છે અને અમે એકબીજાનો સાથ માંગીએ છીએ એટલે હું વિભૂતિ સાથે આ આલીશાન ઘર છોડીને ચાલ્યો જઈશ. અમે બંને કોઈ બીજી જગ્યાએ એકમેકના સથવારે નાના ઘરમાં શાંતિ અને પ્રેમથી રહીશું. તમે સૌ ખુશ રહેજો અને અમારા પ્રેમાળ જીવનમાં દાખલ દેવા નહિ આવશો.’

પુષ્કર મેહતાએ પોતાનો નિર્ણય સૌની સમક્ષ સંભળાવ્યો ત્યારે વિભૂતિથી મનોમન બોલાઈ જવાયું, ‘આ દાવ તો ઉલટો પડી ગયો.’

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]