જ્યારે કિસ્તીએ રાત્રે પત્ર વાંચ્યો…

રમણ કોલેજમાં આવ્યો તે દિવસથી જ માનવ સાથે તેની દોસ્તી થયેલી. બીજા લોકો સાથે તેને ખાસ સંપર્ક બનેલો નહિ. રમણ અંતર્મુખી વ્યક્તિત્વ છે એવું મિત્રો કહેતા, પરંતુ જે તેને ન જાણતા હોય તેમને લાગતું કે રમણ અહંકારી છે. ભણવામાં ખૂબ ધ્યાન લગાવે અને હંમેશા ટોપ કરે. દેખાવમાં થોડો ઠરેલો અને ગંભીર.

આ સમયે તેનો સંપર્ક તેની જ બેચની એક યુવતી કિસ્તી સાથે થયો. કિસ્તી પણ આમ તો લગભગ તેની જ ઉંમરની હશે પણ બોલ્યે વાચાળ, ચંચળ અને સ્વભાવે મોજીલી. રમણ જે બે-ત્રણ મિત્રો સાથે સમય વિતાવતો તેમાં કિસ્તીનો પ્રવેશ કેમેય કરીને થઇ ગયો. બન્ને સારા મિત્રો બન્યા અને ભણવા ઉપરાંત બીજી બાબતોમાં પણ તેમની વચ્ચે વાતચીત કરવાના સંબંધો વિકસ્યા.

બીજા વર્ષનું છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું. થોડા મહિનામાં કોર્સ પૂરો થવાનો હતો. બધા પોતપોતાના ગ્રુપ બનાવીને સેટલ થઇ ગયેલા. પરંતુ રમણ તો તેના બે-ત્રણ મિત્રો સાથે ખુશ હતો. કિસ્તી તે પૈકીની એક હતી. છેલ્લું સેમેસ્ટર જેમ જેમ વીતતું ગયું તેમ તેમ કિસ્તીનો રમણ તરફ જોવાનો નઝરીયો બદલાતો ગયો. રમણને મળે ત્યારે તેની આંખો સ્થિર થઇ જાય અને તેના અવાજમાં ગંભીરતા આવે. તેમના મિત્રોને લાગ્યું કે કિસ્તી અને રમણની જોડી સારી નીભશે. બધા આડકતરી રીતે બંનેને પ્રોત્સાહિત કરવા મંડ્યા. કિસ્તીને આ ગમતું હતું, પણ રમણનો પ્રતિભાવ ઢીલો જ રહ્યો.

‘આખરે શા માટે તું કિસ્તી વિશે વિચારતો નથી?’ એક મિત્રએ પૂછ્યું.

‘હું અહીં ભણવા આવ્યો છું. બીજી બાબતો વિષે વિચારીને મારુ ધ્યાન નહિ ભટકાવું.’ રમણનો જવાબ હતો.

‘પણ હવે તો સેમેસ્ટર પૂરું થયું. હવે શું વાંધો છે? નહીંતર પછી શોધતો રહીશ અને તે બીજે ક્યાંક સેટલ થઇ જશે.’ ચેતવણી મળી.

રમણ ચૂપ રહ્યો.

એક દિવસ કિસ્તી રમણનાં રૂમમાં આવી. તેના રૂમ પાર્ટનરે પરિસ્થિતિને પારખી લીધી અને ચા પીવાના બહાને બહાર જતો રહ્યો. કિસ્તીએ દરવાજો બંધ કર્યો અને રમણ પાસે આવી. રમણ સમજી ગયો કે તે કંઈક કહેવા માંગતી હતી.

‘શું છે કિસ્તી? આર યુ ઓલ રાઈટ?’ રમણે પૂછ્યું.

‘આઈ એમ ફાઈન રમણ. હું શબ્દો ચાવીશ નહિ. સાફ સાફ બોલી દઉં છું. આઈ લાઈક યુ. મે બી આઈ લવ યુ. વિલ યુ મેરી મી? મારી સાથે લગ્ન કરીશ?’

કિસ્તીએ એક જ શ્વાસે બોલી દીધું. યુવતીના ગાલ પર જે લાલાશ આવવાની અપેક્ષા હોય તેવી કોઈ લાલાશ એના ગાલ પર ન આવી. જે રીતે યુવતીની આંખો ઝૂકીને જમીનદોસ્ત થાય તેવું પણ કાંઇ થયું નહિ. કિસ્તીની આંખો તો રમણની આંખોમાં જ પરોવાયેલી રહી.

રમણ શાંત રહ્યો. જાણે કે તેને ખબર જ હતી કે આવું કંઈક થવાનું છે અને તેણે પહેલાથી માનસિક તૈયારી કરી જ રાખી હોય. થોડી વાર બંને એક બીજાને તાકી રહ્યા પછી રમણ ઉભો થઈને કિસ્તી પાસે આવ્યો.

તેણે કિસ્તીના બંને ખભા પર હાથ મૂકતા કહ્યું, ‘કિસ્તી, હું તારી લાગણી સમજુ છું. પણ તારી સાથે લગ્ન નહીં કરી શકું.’

‘શા માટે? હું તને પસંદ નથી?’ કિસ્તીને સમજાયું નહીં કે શુ કહેવું.

‘વાત એવી નથી પણ તું જે કહે છે તે શક્ય જ નથી. કારણ ન પૂછીશ, પ્લીઝ.’ રમણે વાત ત્યાં જ પુરી કરી.

કિસ્તી થોડીવાર પછી ભીની આંખે રૂમમાંથી ચાલી ગઈ.

પરીક્ષાઓ પૂરી થઇ. સૌએ એકબીજાને ગુડબાય અને બેસ્ટ લક કહીને વિદાય લીધી. કોઈ કોઈએ યાદગારી માટે ભેટ-સોગાદ પણ આપી. રમણે કિસ્તીને એક પત્ર આપ્યો અને ઘરે જઈને વાંચવા કહ્યું.

કિસ્તીએ રાત્રે પોતાના રૂમમાં બેસીને પત્ર વાંચ્યોઃ

‘કિસ્તી, થેન્ક યુ ફોર પ્રપોઝિંગ મી. હું તારી લાગણી અને સન્માનની કદર કરું છું. પરંતુ હું વિવાહિત છું અને મારે એક પુત્ર પણ છે. ગામડામાં લગ્ન જલ્દી થઇ જતા હોય છે. મારી સાથે પણ એવું જ થયેલું અને પહેલા જ વર્ષે એક સંતાન પણ આવ્યું. ત્યાર બાદ ધીમે ધીમે હું ભણીને નોકરીમાં સેટલ થયો અને એમ.બી.એ. કરવા મોટા શહેરમાં આવ્યો…..હું તારી સાથે ખોટું બોલીને સંબંધ બાંધવા નહોતો માંગતો…. સંકોચને કારણે હું કોઈને આ વાત કહી ન શક્યો. મેં બધાથી આ વાત છુપાવી, કારણ કે દરેક પળે મને એવું લાગતું રહ્યું કે લોકો મારા પર હસશે અને મારી મજાક ઉડાવશે. પરંતુ તારી લાગણી ઘવાઈ તેના માટે માફી માંગવા જ મેં આ પત્ર લખ્યો છે. શક્ય હોય તો મને માફ કરી દેજે. – રમણ.’

કિસ્તીએ પત્ર વાંચીને ફરીથી પરબીડિયામાં મૂક્યો અને વિચારવા લાગી કે તે રમણ પર ગુસ્સો કરે કે તેનો આદર કરે?

જો કે જવાબમાં ત્રીજો જ વિકલ્પ મળ્યો: તેના પર દયા ખાવી…

(રોહિત વઢવાણા)

 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)