તમારી પોતાની જ અજાણી દુનિયાનો રસ્તો છે તમારાં સ્વપ્ન…

સ્વપ્ન આપણી પોતાની જ અવ્યક્ત દુનિયાને મળવાનો મોકો આપે છે, સ્વપ્ન દ્વારા તમે પોતાના જીવનની અજ્ઞાત બાબતો અને આંતરિક ઇચ્છાઓ સુધી પહોંચી શકો છો. સ્વપ્ન આવવાનું કોઈ કારણ નથી તેવું બિલકુલ નથી, પરંતુ સ્વપ્ન તો તમને તમારા પોતાના જ રહસ્યમય સંસાર તરફ જવાનો મોકો આપે છે.

સ્વપ્ન તમારા જીવનના રહસ્યને ઉજાગર કરી શકે છે. જો તમે સ્વપ્નને માત્ર આકસ્મિક ઘટના માનતાં હોવ તો તેવું બિલકુલ નથી. ડેલોફ નામક વ્યક્તિએ એકવાર સ્વપ્નમાં એક વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ જોવા મળ્યું હતું. તેને આખા સ્વપ્નમાં આ નામ વારંવાર આવવાથી તે આ નામ જાગ્રત અવસ્થામાં પણ યાદ રાખી શક્યો. ઘણાં વર્ષો પછી જયારે તે તેના મિત્રને ત્યાં મળવા ગયો ત્યારે તેણે એક પુસ્તકમાં આ નામની જ વનસ્પતિ વાંચી. આ વનસ્પતિના અભ્યાસ સાથે તેને કોઈ સંબંધ નથી, ડેલોફ માટે આ વનસ્પતિ બિલકુલ નવીન વિષય હોવા છતાં તેનું અવચેતન મન આ બાબતને જાણી શક્યું હતું. ડેલોફ માટે આ સામાન્ય ઘટના ન હતી.

સાયમંડ નામક જર્મન કવિના જીવનમાં એક અદભૂત ઘટના ઘટી હતી. તેઓ જયારે એકવાર પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેઓએ એક મૃત વ્યક્તિને રસ્તામાં જોયો. તેના શબનો કોઈ વારસ ન હોઈ, તેઓએ પોતે આ શબની અંતિમ ક્રિયા કરી. તે જ દિવસે રાત્રે તે મૃત વ્યક્તિ સાયમંડના સ્વપ્નમાં આવ્યો. તેણે સાયમંડનો આભાર માન્યો અને તેને કહ્યું કે, સાયમંડ અમુક દિવસો પછી જે યાત્રા કરવાનો છે, તે યાત્રા તે ન કરે. સાયમંડ જે જહાજમાં જવાનો છે તે જહાજ ડૂબી જશે. આ સ્વપ્ન આવ્યાં બાદ સાયમંડે તરત જ પોતાનો પ્રવાસ ટાળી દીધો, તે જહાજ જોવા ગયો તેને જહાજમાં બધું જ બરાબર લાગ્યું. પરંતુ તેણે સ્વપ્નની ઘટના પર વિશ્વાસ કરીને યાત્રા મોકૂફ રાખી હતી. જે દિવસે યાત્રા ચાલુ થઇ એના અમુક દિવસ પછી સમાચાર આવ્યાં કે તે જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. સ્વપ્નના સંકેતની આ ઘટના ચમત્કારથી કમ નહોતી અને આ સત્યઘટના ગ્રંથિત કરવામાં આવી છે.

દરરોજ આવતાં સ્વપ્ન તમને કોઈને કોઈ સંકેત આપી જાય છે. સ્વપ્નએ જાગૃત શરીર શાંત થવાથી અને અર્ધજાગ્રત મનના કાર્યથી પેદા થાય છે. આપણું અવચેતન મન બધું જ જાણે છે, આપણે જેવા છીએ તેવા પોતાની ઈચ્છાથી નથી હોતાં. તેની પર આપણા અર્ધજાગ્રત મનનો ભરપુર કાબૂ હોય છે જ. જેમ કે તમે કોઈ પાર્ટીમાં ગયાં છો, અનેક કોલાહલ અને વાતો વચ્ચે જો કોઈ તમને દૂરથી બૂમ પાડીને બોલાવે તો તમને તેની ખબર પડી જાય છે. બધાં અવાજની વચ્ચે તમારું નામ ઓળખીને તમને આ સંકેત તમારું અવચેતન મન આપે છે.

૧) સ્વપ્ન તમારા જીવનના પડકાર, તકલીફ, સંભાવના અને મહત્વના કાર્યો તરફ સંકેત કરે છે જ. તે રસ્તો નથી બતાવતાં પરંતુ તે તમને પ્રેરણા આપવા પ્રયત્ન કરે છે. સ્વપ્નની ભાષા આકાર, રંગ અને ગૂઢ અર્થથી ભરેલી હોય છે.

૨) સ્વપ્ન મોટેભાગે તમારા વર્તમાનના પ્રશ્નો અને પડકારોને તમારા ધ્યાને લાવવા પ્રયાસ કરે છે. ભૂતકાળની ઘટનાઓનો સ્વપ્નમાં ઉપયોગ થાય છે પરંતુ તેનું કાર્ય વર્તમાનમાં બદલાવ માટે પ્રેરણા આપવાનું છે.

૩) સ્વપ્નનો સંકેત જાણીને તેનો ઉપયોગ કરવો અને અર્થ કરવો તમારા હાથમાં છે. સ્વપ્ન જોનાર સ્વપ્નના અર્થને પોતાના વર્તમાન જીવન સાથે જોડીને સ્વપ્ન દ્વારા અજ્ઞાત માર્ગ શોધી શકે છે. યાદ રાખો કે તમે જાગ્રત અવસ્થામાં જે જાણો છો તેના કરતાં તમારું અવચેતન મન અનેકગણાં રહસ્યો પોતાની સાથે લઈને ચાલે છે.

4)સ્વપ્નનો મધ્ય વિચાર, તેની ઘટના, ભાવનાત્મક બાબત, સંકેત અને ચીજો, વ્યક્તિઓ આટલી માહિતી જાણીને તમે તેનો અર્થ કરી શકો છો.

5)સ્વપ્નમાં તમે એક કપલ જુઓ છો તો તેનો અર્થ જીવનમાં બેલેન્સ જાળવવું જરૂરી છે તેઓ થઇ શકે છે. કપલ તમારા માતાપિતાનો પણ સંકેત કરે છે. કપલ તમને તમારા અજાણ્યાં સાથીની જરૂર વિષે પણ સંકેત કરે છે. સ્વપ્ન દ્વારા મનુષ્ય પોતાના વિષે અજ્ઞાત બાબતોને જાણી શકે છે, અને ઘણીવાર સ્વપ્ન તેના જીવનના રહસ્ય પરથી પડદો ઉચકી શકે છે.

 

નીરવ રંજન