ગુમ ફેશન ડિઝાઈનર માટે સોહા અલી ખાનની અપીલ કારગત

અમદાવાદ: બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાને એક ટ્વીટ કરીને છેલ્લા થોડા દિવસથી ગૂમ થયેલી ફેશન ડિઝાઈનર વૃષ્ટિ જશુભાઈની મદદ માટે લોકોને અપીલ કરી હતી. વૃષ્ટિને મંગળવારે અંતિમ વખત શિવમ પટેલ નામનો યુવક મળ્યો હતો, પછી શિવમ પણ કોઈના સંપર્કમાં નહોતો. સોહા અલી ખાનની અપીલ પછી પોલીસ આ મામલે તપાસ આદરી હતી. શનિવારે આ કપલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેના પરથી તેઓ ગુજરાત બહાર ચાલ્યા ગયા હોવાનું અનુમાન છે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પોતાના માતા પિતા સાથે રહેતી 23 વર્ષીય વૃષ્ટિ જશુભાઈ મુંબઈમાં ફેશન ડિઝાઈનરનું કામ કરે છે. અભિનેત્રી સોહા અલી ખાન તેમની મિત્ર છે. આ યુવતીનો મોબાઇલ સ્વીચ ઓફ છે અને તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

સોહા અલી ખાને ટ્વીટ કરીને અપીલ કરી છે કે વૃષ્ટિ છેલ્લા 2 દિવસથી ગુમ છે તેનો ફોન સ્વીચ ઓફ આવે છે. તે અમદાવાદમાં રહે છે અને તેના માતા પિતા ચિંતા કરી રહ્યા છે જેથી હેલ્પ કરો. સાથે તેમણે એક મોબાઇલ નંબર પણ લખ્યો છે. સંપર્ક થતા આ નંબરમાં જાણ કરવા વિનંતી કરી છે.

સોહા અલી ખાનના ટ્વીટ બાદ અનેક લોકોએ ટ્વીટ કર્યું. જેમાં લોકોએ ગુજરાત પોલીસના ટ્વિટર એકાઉન્ટને ટેગ કરીને મદદ માગી હતી. ત્યારબાદ ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસને ટ્વીટ કરીને આ મામલે તપાસ કરવા માટે જણાવ્યું.

અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની જાણવાજોગ નોંધ કરાઇ હતી. જોકે હવે સોહા અલી ખાનના ટ્વિટને પગલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.  નવરંગપુરા પોલીસ નિરીક્ષક કુસુમ પરમાર આ મામલે તપાસ કરી રહ્યા છે, પોલીસનું કહેવું છે કે, આ મામલે વૃષ્ટિના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ વધુ કોઈ પણ પુરાવા હાથ નથી લાગ્યા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]