તમે કયો ધર્મ પાળો છો, તેનો યોગિક પદ્ધતિઓનો લાભ લેવાની તમારી ક્ષમતા સાથે, કોઈ સંબંધ નથી, કારણ કે યોગ એક ટેકનોલોજી છે. ટેકનોલોજી એવી વસ્તુ છે જે તમારી માન્યતાઓ વિશે કોઈ ભેદભાવ નથી રાખતી, કારણ કે તમે જેમાં વિશ્વાસ કરો છો અને જેમાં વિશ્વાસ નથી કરતાં એ તમારી માનસિક પ્રક્રિયા છે જેને ટેકનોલોજીનો ઉપયોગ કરવા સાથે કોઈ સંબંધ નથી.
યોગ પદ્ધતિ હિન્દુ છે, જે રીતે ગ્રેવિટી કે ગુરુત્વાકર્ષણ ખ્રિસ્તી છે. કારણ કે ગુરુત્વાકર્ષણનો નિયમ ખ્રિસ્તી સંસ્કૃતિમાં રેહતા આઈસેક ન્યૂટને સ્થાપિત કર્યો હતો, તેથી શું તે નિયમ ખ્રિસ્તી બની જશે? એટલે યોગ એક ટેકનોલોજી છે. જે કોઈ પણ તેનો ઉપયોગ કરવા ઈચ્છે, તે તેનો લાભ લઇ શકે છે. યોગનું ધાર્મીકરણ થઇ શકે તેમ વિચારવું પણ હાસ્યાસ્પદ ગણાય.
કેટલાક અજ્ઞાની લોકોએ યોગિક વિજ્ઞાનને હીન્દુનો થપ્પો લગાવી દીધો છે કારણ કે આ વિજ્ઞાન અને ટેકનોલોજી અહીં આ સંસ્કૃતિમાં વિકસાવવામાં આવ્યું. અને કારણ કે આપણી સંસ્કૃતિમાં સામાન્ય રીતે વાદવિવાદ અને તર્કનો ઉપયોગ થતો રહ્યો છે, તેથી યોગ વિજ્ઞાન પણ સ્વાભાવિક રીતે હિન્દુ સંસ્કૃતિકના આધારે વિકસાવવામાં આવ્યું. ‘હિન્દુ’ શબ્દ એ ‘સિંધુ’ શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જે એક નદીનું નામ છે.
કારણકે આ સંસ્કૃતિ સિંધુ નદીનાં કાંઠે વિકસિત થઇ એટલે તેને હિન્દુનું નામ મળ્યું. અહીં આપણે સમજવાની જરૂર છે કે હિન્દુ એ કોઈ ધર્મ નથી. તમે એક નર ભગવાનને ભજીને હિન્દુ બની શકો,તમે એક નારી ભગવાનને ભજીને હિન્દુ બની શકો, તમે એક ગાયની ઉપાસના કરીને હિન્દુ બની શકો અને તમે બધી ઉપાસના ત્યજીને પણ હિન્દુ બની શકો. તે કોઈ ખાસ માન્યતા પ્રણાલીને આધારભૂત નથી. તમે તમારી માટે જે શ્રેષ્ટ છે તે કરીને પણ હિન્દુ બની શકો કારણકે તે ધાર્મિક ઓળખ નથી પરંતુ સંસ્કૃતિક અને ભૂગોળલક્ષી ઓળખ છે.
કારણકે આ યોગનું વિજ્ઞાન અને ટેકનોલોજી આ સંસ્કૃતિમાં વિકસિત અને સમૃદ્ધ થઈ તેથી સહજ રીતે તે હિન્દુ જીવનના રીતીરીવાજ સાથે સંકળાઈ ગયું. મારા કાર્યની મૂળભૂત પ્રક્રિયા એ છે કે આ યોગ વિજ્ઞાનમાંથી તે સંસ્કૃતિક ગુણ દુર કરી અને યોગને એક નક્કર વિજ્ઞાન, એક ટેકનોલોજી તરીકે પ્રદર્શિત કરવું કે જેથી બધા તેનો લાભ લઇ શકે.
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)