સદગુરુ: વાસ્તુ ખરેખર એક ખુબ જ મૂળભૂત બાંધકામની શૈલી વિષેનું માર્ગદર્શન છે. જો તમારે 1000 વર્ષ પૂર્વે ઘર બાંધવું હોત, ત્યારે ગામમાં કોઈ આર્કિટેક ન હોત. તો તમે ઘર બાંધવા માટે કઈ માર્ગદર્શિકાનો ઉપયોગ કરશો? કોઇપણ રચનાના નિર્માણમાં મુખ્ય પડકાર હંમેશા છતની પહોળાઈ હોય છે. તમે છત કેવી રીતે બનાવી હોત? તમે કદાચ તમારા ખેતરમાં જઈને, કોઈ વૃક્ષ શોધી તેને કાપી લેતા. માનો કે તમારી પાસે એક ટૂંકા કદનું ઝાડ હોત જે માત્ર 8 ફૂટ ઊંચું હોત. હવે તમારી છતની પહોળાઈ માત્ર 8 ફૂટ હોત. પણ માનો કે તમને 10 બાળકો છે, તેથી તમારે એક 120 ફૂટનો લાંબો રૂમ બનાવવો પડશે બધાનો સમાવેશ કરવા માટે. જો તમે એક ઘર બાંધશો જે 8 ફૂટ પહોળું અને 120 ફૂટ લાંબુ હોય તો તમે એક ટનલમાં રેહશો.
તમારા શારીરિક તથા માનસિક આરોગ્યને ચોક્કસપણે અસર થશે. તેથી તેઓએ તમને કહ્યું જો તમારે મકાન બનાવવું હોય તો, એક પરિમાણ અમુક માપનું હોય તો બીજું પરિમાણ યોગ્ય માપનું હોવું જોઈએ. તેથી તમે વાસ્તુનો અભ્યાસ કરો તો પર્વત પરનું વાસ્તુ અને મેદાનમાં રહેલાં વાસ્તુમાં ઘણો ફરક હોય છે. કર્નાટકના વાસ્તુમાં અને તમિલનાડુનાં વાસ્તુમાં ફરક હોય છે. હવામાન અને તાપમાન અનુસાર તેઓએ સામાન્ય માર્ગદર્શિકાઓ આપી હતી કે જેથી તમે તમારું ઘર બુદ્ધિપૂર્વક અને સજાગ રીતે બાંધી શકો કારણકે એ સમયે તમારી મદદ માટે કોઈ આર્કિટેક નહતો.
આજે લોકો તેને એટલી હદ સુધી લઇ ગયા છે કે તમામ પ્રકારની બકવાસ થઇ રહી છે કારણકે જયારે તમારી ઉપર ભયનું શાસન હોય ત્યારે તમે દરેક વસ્તુમાં વિજ્ઞાન શોધી લો છો. આ આખી બાબતે છેલ્લા 10થી 20 વર્ષોમાં લોકોનાં મગજ પર કબજો જમાવી લીધો છે. તે પહેલાં, કોઈને આ વાસ્તુ વિષે જાણ ન હતી છતા બધાં સારી રીતે જીવતાં હતાં.
થોડા વર્ષો અગાઉ, હું કોઈના ઘરે રોકાયો હતો. રાત્રે મારી માટે બધાં ફોન ચાલુ થઇ જાય છે કારણકે અમેરિકાના લોકો માટે 10 વાગ્યા પછી કામ ચાલુ થાય છે, એટલે હું ફોન પર તેમની સાથે વાત કરતો હોઉં છું. પરંતુ મારો મોબાઇલ ફોન કાર્યરત નહોતો અને હું ફોન કનેક્ટ નહોતો કરી શકતો. હું સ્થાનિક લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરવાં માંગતો હતો. હું ઘરના માણસની શોધમાં નીકળ્યો. ત્યારે લગભગ રાતના 12.30 કે 1 વાગ્યા હતાં એટલે મારે તેમને જગાડવા નહોતાં, પરંતુ મેં તેને લગભગ 45 મિનીટ પહેલાં જોયો હતો, તેથી થોડી ખચકાટ સાથે મેં તેનાં બેડરૂમનો દરવાજો ખખડાવ્યો- કોઈ જવાબ ન મળ્યો. પછી મેં દરવાજાનું હેન્ડલ અજમાવ્યું અને દરવાજો ખુલી ગયો, મેં અંદર જોયું તો બેડરૂમમાં કોઈ નહોતું.
મેં વિચાર્યું કે તે બહાર બગીચામાં ચાલવા નીકળ્યો હશે અથવા રસોઈઘરમાં અથવા બીજે ક્યાંક હોવો જોઈએ. હું નીચે ગયો અને આખા ઘરની શોધ કરી- કોઈ મળ્યું નહીં. પછી મેં આશ્રમમાં ફોન કરીને કહ્યું, “મારા યજમાન ગાયબ છે. તે ક્યાં છે, બન્ને પતિ- પત્ની ક્યાં ગાયબ છે?” તેઓએ તેના મોબાઇલ પર ફોન કર્યો, જેનો નંબર મારી પાસે નહોતો અને તે માણસ હાજર થયો. મેં તેને પૂછ્યું, “ તું ક્યાં હતો? સ્ટોર રૂમ સહીત મેં બધું શોધી લીધું” તેણે કહ્યું, “ હું સુતો હતો” મેં પૂછ્યું, “ક્યાં?” તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો, મેં ધંધામાં થોડી ખોટ ખાધી છે અને…” મેં કહ્યું, “ તે બધું બરાબર છે, પરંતુ તું ક્યાં હતો?” તે બાથરૂમમાં સુતો હતો! તે એક એવી વસ્તુ હતી જેનાં વિષે મેં વિચાર્યું નહોતું. કોઈ વાસ્તુનો માણસ આવ્યો હતો અને તેણે આ વ્યક્તિને કહ્યું, “તમારા બેડરૂમની દિશા ખરાબ છે જેનાથી તમારું નસીબ ખરાબ ચાલી રહ્યું છે, એટલે તમારે બાથરૂમમાં સુવુ જોઈએ, તો તમારો વ્યવસાય સારો રહેશે” મેં તે માણસને કહ્યું, “બાથરૂમમાં સુઈને લાંબુ જીવન જીવવાને બદલે, ઓછામાં ઓછું તમારા બેડરૂમમાં થોડા ગૌરવથી સુવો, ભલે પછી તમે મૃત્યુ પામો”
(સદગુરુ-જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.
