જે લોકો ખુશ રહેવા માટે બાહ્ય પરિસ્થિતિઓ પર નિર્ભર રહે છે, તે પોતાના જીવનમાં કદી પણ સાચું સુખ પામી નહીં શકે. તમે જે પણ પ્રકારના મનુષ્ય હો, તમે શક્તિશાળી હો, કે પછી ગમે તેવા મહામનવ હો, છતાં તમારી પાસે તમારી બાહ્ય પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ નહીં હોય. જો પરિવારમાં માત્ર બે જ વ્યક્તિ હોય તો પણ તેમની પાસે પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ નથી હોતું. તમે બહારની પરિસ્થિતિને અમુક હદ સુધી જ નિયંત્રિત કરી શકો છો. પરંતુ તમારી આંતરિક સ્થિતિને સંપૂર્ણપણે કાબુમાં લઇ શકાય છે.
જેને પણ આપણે જીવનમાં આનંદ, પ્રેમ અને શાંતિ તરીકે ઓળખીએ કે અનુભવ કરીએ છીએ તેનો અમુક આંતરિક આધાર હોય છે. તેને સમજવાની એક સરળ રીત એ છે કે: ધારો કે આજે તમે માનસિક શાંતિ તદ્દન ગુમાવી બેઠા છો, અને તમે એક ડૉક્ટર પાસે જાવ છો. ડૉક્ટર તમને એક ગોળી આપશે. જો તમે આ ગોળી લેશો તો તમારું સિસ્ટમ શાંતિપૂર્ણ થઇ જશે- ભલે થોડા કલાકો માટે, પરંતુ તે શાંતિપૂર્ણ થઇ જશે. આ ગોળી માત્ર થોડા રસાયણો છે. આ રસાયણો તમારા સિસ્ટમમાં પ્રવેશીને તમને શાંત કરે છે. અથવા તો બીજી રીતે કહીએ તો તમે જેને શાંતિ કહો છો તે તમારી અંદર અમુક પ્રકારનું રસાયણશાસ્ત્ર અથવા કેમિસ્ટ્રી છે. તેજ રીતે જેને તમે આનંદ, પ્રેમ, વેદના, દુઃખ, ભય કહો છો તેમાંથી કે અન્ય કોઇ માનવીય અનુભવમાંથી તમે પસાર થાઓ છો તે દરેકનો એક રસાયણિક આધાર તમારી અંદર રહેલો છે. આધ્યાત્મિક પ્રક્રિયા એટલે માત્ર એ પ્રકારના રસાયણશાસ્ત્રનું સર્જન કરવું જે તમને સહજતાથી શાંત અને આનંદમય બનાવી શકે.
જયારે તમે તમારા કાર્ય દ્વારા આનંદ મેળવવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે બાહ્ય પરિસ્થિતિઓને આધીન થઇ જાઓ છો. જ્યાં સુધી તમે બાહ્ય પરિસ્થિતિઓને આધીન છો ત્યાં સુધી તમે કોઈ ને કોઇ સ્તરની વેદનાનો અનુભવ કરશો જ કારણકે બાહ્ય પરિસ્થિતિઓ ક્યારેય ૧૦૦% તમારા નિયંત્રણમાં નહીં હોય. આપણો પરિવાર, આપણા બાળકો, આપણો વ્યવસાય, જે કઈ પણ હોય તે સંપૂણપણે આપણા નિયંત્રણમાં હોતાં નથી. તે અમુક હદ સુધી જ આપણા નિયંત્રણમાં હોય છે અને બાકીનું અવારનવાર બદલાઈ શકે છે.
પરંતુ જયારે તમારે ખુશ રેહવા માટે કઈ કરવું પડતું નથી, જો તમે તમારા સ્વભાવ માત્રથી ખુશ રહી શકો છો, તો પછી તમારા જીવનનું એ પરિમાણ જેનાથી તમારી સમજ અને તમે જે રીતે પોતાની જાતને આ દુનિયામાં વ્યકત કરશો, તે ઘણું અલગ હશે. હવે તમને ખાલી તમારા ફાયદામાં રસ નથી કારણકે તમે કઈ કરો કે ન કરો, તમને કઈ મળે કે ન મળે, કોઈ વસ્તુ થાય કે ન થાય, તમે સ્વાભાવિક રીતે આનંદિત જ રહેશો. જો આમ થાય તો તમારી કાર્ય ક્ષમતા એક અલગ જ સ્તરે પહોંચશે.
યોગ એક વિજ્ઞાન છે જે તમારી આંતરિકતાને એવી રીતે પ્રસ્થાપિત કરશે કે તમે સ્વાભાવિક રીતે જ શાંતિપૂર્ણ અને આનંદમય બનશો, નહીં કે તેને બાહ્ય પરિસ્થિતિઓમાં શોધશો.
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)