તમે પોતાને પોતાની બહારથી જોઇ શકો?

સામાન્ય વિચારસરણી અને માન્યતાઓથી આગળ વધીને વિચારવાનું તેઓ બન્ને માટે સામાન્ય છે – જ્યારે વિખ્યાત ન્યુરોસાઇન્ટીસ ડો. ડેવિડ ઇગલમેન અને સદગુરુ ટેક્સાસ, હ્યુસ્ટન ખાતે એપ્રિલ ૨૦૧૫ માં મળ્યા ત્યારે વિજ્ઞાન અને રહસ્યવાદ વચ્ચેના છેદન બીંદુ અંગે પ્રેરણાત્મક ચર્ચાઓ થઇ. આ લેખમાં શ્રોતાગણમાંથી એકે પુછેલા પ્રશ્ન પરત્વે તેઓ બન્નેના અનોખા દ્રષ્ટિકોણ રજુ થયા છે.

પ્રશ્ન: પહેલા, ડેવિડ માટે એક પ્રશ્ન છે: આપે ક્યારેય કોઇ એવી વ્યક્તિનો અભ્યાસ કર્યો છે, જેણે પોતાને પોતાની બહારથી નિરીક્ષણ કર્યું હોય? અને સદગુરુને- પોતાને બહારથી નિરીક્ષણ કરી શકાય તેવી માનવિય આવડત મેળવવાની કોઇ તકનિક છે?

ડેવિડ ઇગલમેન: એનો આધાર “પોતાને બહારથી નીરિક્ષણ કરવું” એ ચોક્કસ કયા અર્થમાં કહો છો તેના ઉપર છે. “શરીર થી બહારનો આભાસ” અંગે પ્રયોગો કરાયા છે. આ અંગેની ગોઠવણી સમજાવવી થોડી ગુંચવણ ભરી છે, પરંતુ તે વિડીઓ ગોગલ્સ પહેરીને પોતાની પાછળ કેમેરો મુકવા અંગે છે. ગોગલ્સ થકી તમે પોતાના શરીરને પાછળથી જોઇ શકો છો. જેમકે, કોઇ તમારી પીઠ ખંજવાળે છે, તે તમે જોઇ શકો છો. તમને અનુભુતિ તરત જ થાય છે પરંતુ, તમે પોતાનું શરીર એક અંતર ઉપર જોઇ શકો છો.

આનાથી લોકોને કેટલીકવાર સ્પષ્ટ અનુભવ થાય છે કે જ્યાં તેઓને પોતે પોતાના શરીર થી ૬ ફૂટ દૂર હોવાનું લાગે છે. યુરોપમાં ન્યુરોસાયન્સનું ગ્રુપ છે. જે આવો આભાસ આડા પડેલા લોકોમાં પણ ઉત્પન્ન કરી શકેલ. જેમાં પ્રયોગ હેઠળના લોકોને બ્રેઇન સ્કેનરમાં રાખી તેમના “શરીરની બહાર હોવાના” અનુભવ દરમ્યાન જ્યારે તેઓને લાગ્યું હતું કે તેઓ ખુદના શરીરથી ૬ ફૂટ દૂર હતા, તે સમયની મગજની ક્રિયાઓ માપવાની તક મળેલ. છતાં, મગજનું આ ચિત્રીકરણ મર્યાદિત છે- એ અર્થમાં કે, “શરીરની બહાર હોવાના” અનુભવ દરમ્યાન મગજમાં થતી ‘ક્રીસમસ લાઇટ’ને માપી શકાય છે; હેતુલક્ષી અનુભવનો જ્ઞાનતંતુ સાથેનો સંબંધ વર્ણવી શકાય છે, પરંતુ અમને હજી એ જાણ થઇ નથી કે તે સર્વે કેમ એક સમાન છે. વિજ્ઞાન ત્યાં થોડું અટકેલું છે.

સદગુરુ: આ અંગે મારો અનુભવ મારે તમને કહેવો જોઇએ. હવે હું મારી જાતને એવી ક્ષોભનીય પરિસ્થિતિઓમાં મુકતો નથી, પરંતુ ઘણા વર્ષો પહેલા એવું બનેલું કે, હું ભારતની કોઇક સંસ્થામાં હતો અને તેઓ મારા મગજના “ગામા વેવ્સ” ને માપવા ઇચ્છતા હતા. તેઓએ મને ધ્યાન કરવા જણાવ્યું. મેં કહ્યું, ‘મને કોઇ ધ્યાન આવડતું નથી’. તેઓએ કહ્યું, ‘પરંતુ તમે સહુને ધ્યાન શીખવાડો છો’. મેં કહ્યું, ‘ હા, કેમકે લોકોને નિશ્ચલ બેસતાં માત્ર આવડતું નથી, અમે તેમને તેમ કરવાની રીત શીખવાડીએ છીએ. તમે ઇચ્છો, તો હું નિશ્ચલ બેસીશ’.

તેઓએ મારી ઉપર ૧૪ જેટલા બેટરીના છેડા મુક્યા અને હું માત્ર ત્યાં બેઠો. આશરે ૧૫ કે ૨૦ મીનીટ બાદ તેઓએ મારા ગોઠણ ઉપર ધાતુની વસ્તુ થી પ્રહાર કરવાનું શરુ કર્યું. મેં વિચાર્યું, ‘ઠીક છે, તેમના પ્રયોગનો ભાગ છે’ અને હું ત્યાંજ બેસી રહ્યો. પછી તેઓએ મારા ઘૂંટીના હાડકા ઉપર પ્રહાર શરુ કર્યો – જે ખૂબજ પીડાકારક જગ્યા છે. મેં ફરી વિચાર્યું, ‘ ઠીક છે, આ તેમનો પ્રયોગ છે’. પરંતુ તે સતત અને પીડાદાયક બનતું ગયું.

મેં ધીરેથી મારી આંખો ખોલી. તેઓ મને વિચિત્ર દ્રષ્ટિથી જોઇ રહ્યા હતા. મેં કહ્યું, ‘મેં કંઇ ખોટું કર્યું છે?’ તેઓએ કહ્યું, ‘અમારા સાધનો મુજબ તમે મૃત છો’. મેં કહ્યું, ‘ તે તો મહાન નિદાન છે’. પછી તેઓએ કહ્યું, ‘તમે કાં તો મૃત છો અથવા તમે બ્રેઇન ડેડ છો’. મેં કહ્યું, ‘તે તો બહુ અપમાનભર્યું છે. હું પ્રથમ નિદાન લઇશ. જો તમે હું મૃત છું એવું પ્રમાણપત્ર આપશો તો – હું તેની સાથે જીવી શકીશ. જો તમે હું બ્રેઇન ડેડ છું એવું પ્રમણપત્ર આપશો તો તે બહુ સારી વાત નથી’.

હું આ એ માટે કહી રહ્યો છું કે – માનવ સર્જીત સાધનો એ માનવશરીર તંત્રથી ઉતરતા છે. ટેલિફોન બોલાયેલા શબ્દોને માણસ પહોંચાડી શકે તેના કરતાં વધુ લાંબા અંતર સુધી પહોંચાડી શકે છે. આપણે દોડીએ તે કરતાં સાઇકલ વધુ  ઝડપથી જઇ શકે છે, મોટરસાઇકલ હજી વધુ ઝડપથી જઇ શકે છે; એરોપ્લેન ઉડી શકે  છે. તેનો અર્થ એ કે, એક ચોક્કસ ક્રિયાના સંદર્ભમાં તે આપણા કરતા વધુ સારા હોઇ શકે. પરંતુ જટીલ અનોખા વિકાસ (સોફિસ્ટીકેશન) ની દ્રષ્ટિએ તેઓ ઉતરતા ઓજારો છે.

તેઓ માનવ કરતાં વધુ જટીલ, અનોખા, વિકસિત ન હોઇ શકે, કેમકે, આપણે આપણા કરતાં વધું જટીલ અને અનોખાની રચના કરી ન શકીએ. આથી માપણીયંત્રોનો ઉપયોગ મર્યાદિત છે. તમે મગજને સહેલાઇથી મૂર્ખ બનાવી શકો – યોગમાં આવી ઘણી તકનિકો છે. ડેવિડ મારી સાથે વાત કરી રહ્યા હતા કે, તમે તમારા મગજ ઉપર યુક્તિ પ્રયોજો જેથી સુગંધ અવાજ બની જાય અને અવાજ કંઇ બીજું બની જાય. અન્ય કોઇ વિજ્ઞાનિક સાધનો વિના પણ માનવ મગજ ઉપર કરામત કરવાના ઘણા રસ્તા છે.

જગતના જાદુગરોએ આ યુક્તિઓમાં નિપુણતા મેળવી છે. તેઓ તમારા ખીસ્સામાંથી, તમને શું થઇ રહ્યું છે તેની જાણ થવા દિધા વિના, વસ્તુઓ લઇ શકે છે. આ સિવાય પાયાની જટીલતા અને અનોખી રચના સંદર્ભે, માનવ શરીરતંત્રથી વધુ જટીલ અને અનોખી રચના અન્ય કંઇ નથી. આ જ સાધન છે, અને જગતને અનુભવવા માટે આ જ એક માત્ર રસ્તો છે.

તમે જે અનુભવો છો તે કેવી રીતે અનુભવો છો

ચાલો, તમે હાલ જગતને કેવી રીતે અનુભવો છો, તે જોઇએ. અહિં હાજર તમે સહુ મને જોઇ શકો છો. જો તમારે હું ક્યાં છું તે બતાવવું હોય તો તમે આ મંચ તરફ આંગળી ચિંધશો. પરંતુ તમે સહુ ખોટા હશો. પ્રકાશ મારી ઉપર પડે છે, પરાવર્તિત થાય છે, અને તમારી રેટીનામાં ઉંધુ પ્રતિબિંબ રચે છે – તે બધું તમે જાણો છો. તમે તમારી અંદર મને જુઓ છો. તમે મને તમારી અંદર મને સાંભળો છો. જગતનું જે કંઇ પણ તમે જોયું છે, તમે તમારી અંદર જોયું છે. જે કંઇ ક્યારેય પણ બન્યું છે, તે માત્ર તમારી અંદર જ બન્યું છે.

જો હવે કોઇ તમારો  હાથ સ્પર્શે, તમને તેમનો હાથ અનુભવાય છે, પણ ખરેખર, તમે માત્ર તમારા પોતાના હાથમાં સ્પંદનો અનુભવો છો. ઉદાહરણ તરીકે  જો તમે કોઇ પાસે તમારો હાથ પાંચ વાર અડાવડાવશો, તમે જોશો કે, પછીથી, અન્યના તમને સ્પર્શ કર્યા વિના, તે વ્યક્તિ તમારી સાથે ન હોવા છતાં, તે જ સ્પંદનો તમે તમારી અંદર ઉભા કરી શકશો. તમે કાંતો સ્પંદનો બાહ્ય ઉત્તેજનથી સર્જી શકો, અથવા આંતરિક રીતે જે પણ તમને જોઇએ તે સર્જી શકો છો.

કેટલેક અંશે, લગભગ દરેક મનુષ્ય વિવિધ અનુભવો, બાહ્ય ઉત્તેજન વિના, વિવિધ રીતે હંમેશા સર્જ્યા કરે છે. જ્યારે તે કાબુ બહાર જાય છે, ત્યારે આપણે તેને માનસિક સમસ્યા કે માનસિક રોગ ગણીએ છીએ. પરંતુ કંઇક અંશે દરેક આમ કરે છે. જ્યારે તમે સ્વપ્નમાં હોવ છો ત્યારે તે હકિકત જેટલું સત્ય હોય છે. એક દિવસ, થોડા વર્ષો પહેલા, જ્યારે હું ઇશા હોમ સ્કૂલમાં ગયો, ત્યાં એક છોકરાએ મારી પાસે આવી પૂછ્યું, ‘ સદગુરુ, જીવન સાચું છે કે સ્વપ્ન?’ મેં તેની સામે જોયું – તે આઠ વર્ષનો હતો, એટલે તેને સત્ય કહેવું જ રહ્યું – અને મેં કહ્યું, “જીવન એક સ્વપ્ન છે, પણ એ સ્વપ્ન સાચું છે.” તે હકિકત છે. જે રીતે તે તમારી સાથે હમણાં થઇ રહ્યું છે, જીવન એક સ્વપ્ન છે, પણ તમારા અનુભવમાં તે સ્વપ્ન સાચું છે. પરંતુ તમે આ સ્વપ્નને તમે જે રીતે ઇચ્છો તેમ બનાવી શકો છો.

તમે એક જોક માટે તૈયાર છો? કોઇ એક દિવસ, એક મહિલા સુવા ગઇ. ઉંઘમાં તેણીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણીએ એક આકર્ષક પુરુષને પોતાની સામે તાકતો ઉભેલો જોયો. તે નજીક ને નજીક આવતો ગયો. તે એટલો નજીક આવ્યો કે તેણીને તેનો શ્વાસ અનુભવાયો. તેણી ધ્રુજી – બીકથી નહિ. પછી તેણીએ પૂછ્યું, “ તમે મને શું કરશો?” પુરુષે કહ્યું, ”ખેર, મહોદયા – આ તમારું સ્વપ્ન છે!”  આ  તમારું સ્વપ્ન છે – તમે તેમાંથી જે ચાહો તે બનાવી શકો છો. આપણે આને આપણા અને આ ગ્રહ ઉપરના સર્વે માટે અદભુત સ્વપ્ન બનાવી શકીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણા સ્વપ્નોને  વિસ્તૃત કરવા ઉત્કૃષ્ટ વસ્તુઓ કરી છે, પરંતુ હું ઇચ્છું છું કે વિજ્ઞાનીઓ ધ્યાન કરે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્કટાઇમ્સના બેસ્ટસેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.