જેવું આપીશું તેવું જ પામીશું…

(બી.કે. શિવાની)

સંકલ્પોનું નિર્માણ કરનાર હું પોતે છું. જ્યારે આપણે ખુશીની વાત કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે ખુશી કદાચ આપણા હોઠ સુધી જ કે મારા હાસ્ય સુધી જ મર્યાદિત છે. જ્યારે આપણે નાના બાળકો સાથે હોઈએ ત્યારે ખડખડાટ હસીએ છીએ. પરંતુ તે ફક્ત હાસ્ય છે ખુશી નથી. ખુશી તો મારી અંદરની વસ્તુ છે, તે મારા અંદરની અનુભૂતિ છે જેને હું પોતે નિર્માણ કરું છું. અત્યાર સુધી આપણને આ બધી બાબતોની સમજણ પડતી ન હતી. આપણને એવું લાગતું હતું કે, જે ઘટનાઓ બહાર બની રહી છે તેના ઉપર જ મારી ખુશી આધારીત છે.

હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે, ખુશી એ મારી વિશેષતા પણ છે અને મારી રચના પણ છે. સૌથી સારી વાત તો એ છે કે ખુશીને મેળવવા માટે મારે મારા સંકલ્પો ઉપર ધ્યાન આપવું પડે. એટલે કે હું જે કંઈ વિચારૂ છું તેના આધારે ખુશી અનુભવાય છે.

જ્યારે અમુક સ્થિતિમાં અન્ય લોકો આપણી સાથે સારો કે ખરાબ વ્યવહાર કરે છે, ત્યારે આપણું જીવન આપણા કાબૂમાં રહેતું નથી. તેવા સમયે એવા વિચારો મનમાં શરું થાય છે કે, આવી રીતે જીવન ક્યાં સુધી ચાલશે? ત્યાર બાદ ચિંતા કે ભય અનુભવાય છે. દરેક વખતે બધાં સંબંધો મારી ઇચ્છા મુજબ સારા જ રહેશે તેવું શક્ય બનશે નહીં. બધાં લોકો દરેક વખતે મારી આશાઓને પૂરી કરશે એવું બનશે નહીં. હું જેવું વિચારું તેવો જ તમે વ્યવહાર કરશો તે શક્ય નથી. જો આપણી ખુશી બીજાના વ્યવહાર ઉપર આધારિત રહેશે, તો આપણે ક્યારેય ખુશ રહી શકીશું નહીં. જો દરેક સ્થિતિમાં આપણે પોતાની જાતને જોવાનું શરૂ કરી દઈએ, પોતાને બદલીએ, તો દરેક સ્થિતિમાં આપણે ખુશ રહી શકીએ છીએ.

ખુશીનો અર્થ એ નથી કે આપણે હંમેશાં ઉમંગ-ઉત્સાહમાં જ રહીએ. ધારો કે કોઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ – ઘરમાં કોઈ બીમાર થઇ ગયું, કોઈનું અચાનક મૃત્યુ થઈ ગયું, તે સમયે ખુશ ના રહેવાય પરંતુ મનથી સ્થિર તો રહી શકીએ. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે દુઃખ થાય, પરંતુ જેટલા આપણે મનથી સ્થિર રહીશું, તેટલી તે સ્થિતિમાંથી સારી રીતે પસાર થઇ શકીશું.

જે સ્થિતિમાં જેવા વિચારો કરીશું તેવી અનુભૂતિ આપણને થશે. તેવી વૃત્તિ પણ બનશે, અને તેના પરિણામે આપણું વ્યક્તિત્વ પણ તેવું જ બની જશે, જે આપણા ભાગ્યનું નિર્માણ કરશે. આપણા સંકલ્પ ઉપર સૂચનાઓ, ભૂતકાળનો અનુભવ, માન્યતાનો પ્રભાવ પડે છે. આ સકલ વિશ્વમાં જે ઘટી રહ્યું છે તે સારું જ છે (ડ્રામા કલ્યાણકારી છે) એ જ વિશ્વાસ આપણા જીવનમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. સૂચનાઓ તરફ ધ્યાન રાખીને આપને પોતાની અંદર શું લેવું અને શું નથી લેવું તેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ભૂતકાળના અનુભવો પરથી આપણે સકારાત્મક ચિંતન કરી મનને સ્વસ્થ રાખી શકીએ છીએ. આપણે જયારે નાના હોઈએ છીએ ત્યારે આપણાથી જો કોઈ ભૂલ થાય, કે જે વડીલોની દ્રષ્ટિએ યોગ્ય નથી, તો માતા-પિતા આપણને ધમકાવે છે, અને આ ઘટના પછી આપણે એવી માન્યતા કરી લઈએ છીએ કે કોઈ ભૂલ કરે કે યોગ્ય કામ ન લાગે તો તેને ધમકાવો. આપણે શાંતચિત્તે વિચારવું જોઈએ કે, આવા પ્રકારની માન્યતાઓ આપણા જીવનમાં કેવું પરિણામ ઉત્પન્ન કરી રહી છે?

શું મારા આવા સ્વભાવનો પ્રભાવ મારા વ્યક્તિગત જીવન ઉપર તથા સંબંધો પર પડે છે? એક તરફ આપણે એમ કહીએ છીએ કે, મારે જીવનમાં ખુશી જોઈએ છે અને બીજી તરફ આપણે એવી માન્યતા રાખીએ કે ગુસ્સો કરવાથી જ બીજા પાસે કામ કરાવી શકાય. ખરેખર તો ખુશી અને ગુસ્સો આ બંને એક સાથે નથી રહી શકતા. દિવસ દરમિયાન તમારે દરરોજ ઘણી બધી વ્યક્તિઓ પાસે કામ કરાવવાનું હોય અને તમે એવી માન્યતા રાખી કે ગુસ્સો કરવાથી કે આવેશમાં આવીને જ કામ થાય. તો તમારી અંદર ગુસ્સાવાળી ઉર્જા ઉત્પન્ન થશે અને તે ઉર્જા બહાર વાતાવરણમાં જશે. પછી તેવી જ ગુસ્સાવાળી ઉર્જા બીજા લોકો દ્વારા મારી પાસે પાછી આવે છે. આવી રીતે આખો દિવસ ગુસ્સો કરીને પછી આપણે એમ ઈચ્છીએ કે મને શાંતિ મળે, ખુશી મળે તો કેવી રીતે મળે?

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]