ઘણી વ્યક્તિઓને એવી ટેવ હોય છે કે કંઈક મળવાથી મને રાહત થશે કે હાશ અનુભવાશે. પણ તેનાથી ખુશી મળશે જ એવું નક્કી કહી શકાય નહીં. આપણે ખુશી શોધીએ છીએ. હું બધા પાસેથી પ્રેમ મેળવવાની આશા રાખું છું. આવી આશા અને ઈચ્છાઓની યાદી ઘણી લાંબી હોય છે. ઘણી વાર આપણે એમ કહીએ છીએ કે, મારી ઈચ્છાઓ તો પુરી જ નથી થતી. જેમ-જેમ આપણી ઈચ્છાઓ પૂરી થતી જાય એટલી તેની યાદી વધુ ને વધુ મોટી થતી જાય છે. આ ઈચ્છાઓની પાછળ એવો સૂક્ષ્મ સંકલ્પ હોય છે કે, જ્યારે આ ઈચ્છાઓ પૂરી થઈ જશે ત્યારે મને ખુશી થશે.
હવે રાજયોગ આપણને એ શીખવે છે કે બહારની કોઈપણ ચીજ ખુશી આપી શકતી નથી. હું હંમેશા ભરપૂર અને સંપન્ન છું તેવો અનુભવ કરવો જોઈએ. હું સંપૂર્ણ છું, ભરપૂર છું, સુંદર છું. તે યોગ્ય સંકલ્પ છે. જ્યારે કોઈ વિચાર આવે કે જો આવું થશે તો મને સારું લાગશે. જ્યારે મને તો પહેલેથી જ સારું લાગી રહ્યું છે. પરંતુ ત્યારબાદ આપણે સંકલ્પ કર્યો કે જો આ થાય તો બહુ સારું.
હવે જોઈએ કે અત્યારે જો આપણે સાધનો ઉપર આધારિત છીએ તો ભવિષ્યમાં પણ સાધનો ઉપર જ આધારિત રહીશું. આપણે એવી આશા રાખીએ છીએ કે બધા લોકો મારી સાથે સારી રીતે વ્યવહાર કરશે. હવે પ્રશ્ન એ થાય છે કે શું બધા મારી આશા અને ઇચ્છા પ્રમાણે ચાલવા વાળા છે?
ઘણા લોકો પાક્કો સંકલ્પ કરે છે કે મને આ પ્રાપ્તિ થવાની જ છે. અને તેઓ તેમાં સફળતા પ્રાપ્ત કરે પણ છે. પરંતુ જો વચમાં એક પણ નબળો વિચાર આવ્યો કે જો મને કોઈ પ્રાપ્તિ નહીં થાય તો? આમ આ પ્રકારે વચ્ચે બીજા વિચાર કરવાથી ધારી સફળતા મળતી નથી. આપણે જે સંકલ્પ કરીએ તે આપણું ભાગ્ય બનાવે છે. તેવી જ રીતે અત્યારે મારી સાથે જે થઈ રહ્યું છે તે ભૂતકાળમાં મારા કરેલા સંકલ્પોનું જ પરિણામ છે. આપણે દરેક સેકન્ડને આગળની પળથી વધુ સારી બનાવીએ તો આપણું ભવિષ્ય સારું જ બનશે. આમ કરવાથી આપણી અંદર એટલી બધી શક્તિ જમા થઈ જશે કે વિપરીત પરિસ્થિતિનો પણ આપણે બહુ સારી રીતે સામનો કરી શકીશું.
જો આપણે વર્તમાન સમય ભયમાં પસાર કર્યો તો આપણે એટલા બધા કમજોર બની જઇશું કે સાધારણ પરિસ્થિતિનો પણ સામનો નહીં કરી શકીએ. આ લેખમાળામાં આપણે એ પ્રયત્ન કરી રહ્યા છીએ કે, એવું તો આપણે શું કરીએ? કે આપણને દરેક પરિસ્થિતિમાં શક્તિશાળી અને ખુશ રહી શકીએ. ભવિષ્ય કે જે આપણા હાથમાં નથી તે અંગે ચિંતા કે ખોટા વિચારો કરવાથી આપણી શક્તિ વેડફાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
