ખુશીનો ખજાનો: સ્વની અનુભૂતિ કરો

જો આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખીશું તો વર્તમાનમાં ખુશ રહેવું ખૂબ સરળ થઇ જશે. જો આપણે વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરીશું તો ખુશી સ્થાઈ રહેશે. અશાંતિ કેવી રીતે આવે છે? ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ અંગે દુઃખ અથવા ભવિષ્યમાં થનારી વાતોને કારણે ડર કે ભય અશાંતિનું કારણ બની જાય છે. બીજા લોકો પાસેથી કોઈ અપેક્ષા રાખેલ હોય અને તે પુરી ના થાય તો પણ દુઃખી અને અશાંત થઈ જાય છે. સામેની વ્યક્તિનો ભવિષ્યમાં વ્યવહાર કેવો હશે, પરિસ્થિતિ કેવી હશે આ અંગે પહેલેથી અનુમાન કરીને તે પ્રમાણેની અપેક્ષા રાખીએ છીએ. જે કોઈ કોઈ વાર આપણા ધર્યા પ્રમાણે ન થવાથી પણ મન અશાંત થઈ જાય છે.

જો આપણે વર્તમાનમાં રહીશું તો અપેક્ષાઓ સમાપ્ત થઈ જશે. સૌથી અગત્યની બાબત એ છે “હું જેવી છું કે જેવો છું” – પણ હું હંમેશાં ખુશ છું, સંતુષ્ટ (સંતોષી) છું. આ માટે આપણે કોઈની સાથે સરખામણી કરવાની જરૂર નથી. આપણે ભવિષ્યની કલ્પનાઓમાં ખોવાઈ જઈએ છીએ કે હું એના જેવો બની જાઉં, હું આ પદ (પોસ્ટ) ઉપર પહોંચી જાઉં. ક્ષણીક ખુશી મેળવવા માટે આપણે આવા વિચારો કરીએ છીએ. આવું ફક્ત આપણે વિચારીને જ ખુશ થઈ જઇએ છીએ. માની લો કે, હું શિક્ષક છું અને મેં એવો વિચાર કર્યો કે જ્યારે હું મુખ્ય શિક્ષક બની જઈશ ત્યારે મને ખુશી મળશે.

હવે જ્યારે હું મુખ્ય શિક્ષક બની જઈશ ત્યારે હું એમ વિચારીશ કે જ્યારે હું આચાર્ય બની જઈશ ત્યારે હું ખુશ થઈશ. આવા વિચારો હું પોતે એટલે કે આત્મા જ કરું છું. હવે આત્મા તો એક અજર અમર અવિનાશી શક્તિ છે. આ શક્તિને કોઈ વસ્તુ કે હોદ્દાની જરૂરિયાત નથી. ખુશી એ આત્માનો મૂળ સ્વભાવ છે. ખુશ રહેવા માટે કોઈ બહારની ચીજવસ્તુની જરૂરિયાત નથી. આ માટે આપણે ફક્ત યોગ્ય સમર્થ વિચાર કરવાની જરૂર છે. હું એક એવી શક્તિ છું કે, હું જેવા વિચાર કરું છું તેવા પ્રકારની અનુભૂતિ શરીર દ્વારા થાય છે. ખુશી તો આપણા પોતાના વિચારો ઉપર જ આધાર રાખે છે.

હું કોઈપણ સમયે, કોઈપણ સ્થાન પર રહીને પણ અન્ય અનુભવ કરી શકું તેમ છું. પરંતુ કોઈ વાર આપણે એવું પણ વિચારીએ છીએ કે જો મને આ અમુક પ્રકારની પ્રાપ્તિ થઇ જશે તો હું ખુશ થઈશ. શક્તિનો અનુભવ કરવા માટે શુદ્ધ વિચારો કરવાની જરૂર છે. માની લો કે કોઈ અકસ્માતમાં મારા પગમાં મોટું ઓપરેશન કરવું પડે કે પગ કપાઈ જાય તો તેનો અર્થ એ કે હવે આ શરીર અપંગ કહેવાશે. પરંતુ તેવા સમયે પણ હું આત્મા તો મસ્તકમાં ભૃકુટીના મધ્યમાં સ્થિત થઈને સકારાત્મક વિચાર તો કરી જ શકું છું.

આપણે સ્વની અનુભૂતિ કરવી જોઈએ. હંમેશા એ યાદ રાખવું જોઈએ કે હું એક શક્તિ છું. આવો પ્રયોગ કરવાથી ધીરે-ધીરે તે સત્ય થઈ જશે. જ્યારે પણ આપણને એમ લાગે કે આપણને કઈક જોઈએ છે. ત્યારે પોતાને એમ યાદ અપાવો કે હું એક ચૈતન્ય શક્તિ છું, હું સંપૂર્ણ છું, હું ખુશ છું. જ્યારે કોઈની સાથે આપણો સંબંધ તૂટી જાય છે ત્યારે આપણને જીવન ખાલી – ખાલી લાગે છે. અંદરથી આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ અને ખુશી બહાર જઈને શોધીએ છીએ. નકારાત્મક વિચારો આપણી શક્તિનો નાશ કરે છે. આવા સંજોગોમાં સકારાત્મક વિચારો દ્વારા જ આપણે પોતાને ભરપૂરતાનો અનુભવ કરી શકીએ છીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)