આપણે જોઈએ છીએ કે ત્રણ વર્ષનું એક બાળક જ્યારે સ્કૂલમાં દાખલ થવા જાય છે ત્યારે તેને ઇન્ટરવ્યૂ આપવો પડે છે. તેના માતા-પિતા તેને ખૂબ ટેન્શન આપે છે કારણકે તેઓ પણ ટેન્શનમાં હોય છે કે જો બાળકને સ્કૂલમાં પ્રવેશ ન મળ્યો તો શું થશે? આમ આપણે એ બાળકને ત્રણ વર્ષની ઉંમરમાં ડરની ભાવના બેસાડી દીધી કે જો શાળામાં પ્રવેશ ન મળ્યો તો તું નિષ્ફળ ગણાઈશ. આ માટે આપણે બાળકને સુંદર તૈયારી કરાવવી પડશે. તેના આત્મવિશ્વાસને વધારવો પડશે. ફક્ત એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે તેના મનમાં ડર ઉત્પન્ન ના થાય.
આમ દરેક પરિસ્થિતિમાં આપણે પોતાની જાતને મજબૂત બનાવવી પડશે. આપણા બધાની અંદર તણાવને સહન કરવાની અલગ-અલગ આંતરિક શક્તિ હોય છે. જે અનુસાર આપણે પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. આજ કાલ દરેક બાબતમાં તણાવ વધી રહ્યો છે. જો આપણે જાગ્રત નહીં રહીએ તો તે તણાવ ભય ઉત્પન્ન કરશે. ઘણીવાર તણાવ આપણા કન્ટ્રોલની બહાર જતો રહે છે અને આપણે જીવનમાં અસફળ અનુભવ કરીએ છીએ. આપણે આંતરિક શક્તિ જેટલી વધારતા જઈશું એટલો માનસિક તણાવ ઓછો થતો જશે. જો વિદ્યાર્થીનો તણાવ ઓછો થશે તો તેનું પરિણામ સુધરતું જશે.
જો આપણું મન સ્થિર હશે તથા સફળતાનો વિશ્વાસ હશે તો જરૂર જીવનમાં પ્રગતિ થતી જશે. આપણે બાળકને અભ્યાસની તૈયારી પણ કરાવવાની છે પરંતુ સાથે સાથે ઘરનું વાતાવરણ પણ તણાવ રહિત બનાવવાનું છે તથા બાળકમાં આત્મવિશ્વાસ જાગૃત કરવાનો છે. આ માટે મેડીટેશનને જીવનનો ભાગ બનાવવો જરૂરી છે.
આપણી ખુશીને દૂર કરવાવાળા કારણોની વાત કરીએ તો તણાવ એ સૌથી મોટું પરિબળ છે. આજે તણાવ જિંદગીનો એક ભાગ બની ગયેલ છે તથા બધાએ તેને સ્વાભાવિક ગણી લીધેલ છે. પરંતુ શું તે સ્વાભાવિક છે? જો આપણા ધંધા સંબંધે કોઈ તણાવ છે કે અંદર કોઈ મૂંઝવણ છે તો તેને આપણે પોતાના સુધી જ સીમિત રાખીએ છીએ. પરંતુ ઘરમાં જ્યારે બાળકની પરીક્ષાનો સમય આવે છે ત્યારે આખા ઘરનું વાતાવરણ તણાવયુક્ત બની જાય છે. તે સમયે ઘરના દરેક વ્યક્તિ ઉપર નિયંત્રણો મુકાઈ જાય છે. એવું લાગે છે કે ઘરની બધી જ વ્યક્તિઓનું ધ્યાન એક બાળક પ્રત્યે જ કેન્દ્રિત થઈ જાય છે. અન્ય બે સભ્યોને એવું લાગે છે કે મારા તરફ થી કોઈ જ નથી આપતું. આમ પરીક્ષાનો તણાવ એવો હોય છે કે જેને આખો પરિવાર અનુભવ કરે છે.
આજ સુધી આપણે એવું વિચારતા આવ્યા કે હરીફાઈ વધી રહી છે, પાઠ્યક્રમનું ભારણ વધી રહ્યું છે. પાઠ્યક્રમ જ બદલી દો તો તણાવ દૂર થઈ જાય. પરંતુ આ વસ્તુ આપણા હાથમાં નથી. છતાં પણ જો આપણે આપણું ધ્યાન આ બધી બાબતો ઉપર કેન્દ્રિત કરીશું કે જે આપણા હાથમાં નથી તો આપણો તણાવ વધતો જ જશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)