આપણું કામ બીજા પાસે કરાવવા માટે તેમના પર આવેશમાં આવી ગુસ્સો પણ કરી દઈએ છીએ પણ આપણે જોવું જોઈએ કે મારે તે સમયે શું જોઈએ છે? ગુસ્સો કરવાથી આપણું કામ તો થઈ જાય છે, પરંતુ આપણે ખુશ નથી રહી શકતા. આમ આપણું કામ થઈ જવા છતાં મારે જે પરિણામ જોઈએ છે તે મળતું નથી. તો હવે મારે મારા મનના વિચારોને જોવા પડશે. જો હું વારંવાર ગુસ્સો કરીશ તો ખુશી કેવી રીતે આવે? બધાં કામો પુરા થાય તે પછી આપણે ખુશી મળે તેવી આશા રાખીએ છીએ અને એવી માન્યતા રાખીએ છીએ કે જેમ જેમ કામ પૂરું થતું જશે તેમ તેમ સફળતા મળતી જશે. જેટલી સફળતા મળશે તેટલી ખુશી મળશે. પરંતુ આવી માન્યતાઓથી જીવનમાં સફળતા તો મળશે પણ ખુશી નહીં થાય.
બે બાબતો છે જેવી કે, એક આપણી માન્યતાઓ અને બીજી સત્યતા. “ગુસ્સો કરવો એ સામાન્ય બાબત છે” આવી એક સામાન્ય માન્યતા છે કે સત્યતા? એ પણ આપણે જોવું જોઈએ.
આપણી માન્યતા યોગ્ય નથી, તો તેની સીધી અસર આપણા ભાગ્ય ઉપર પડશે. જો આખો દિવસ કાર્યમાં આપણને કોઈ મુશ્કેલીઓ પડી રહી છે, તો થોડો સમય ત્યાં થોભીને ચેક કરીએ કે કઈ માન્યતા સાથે આપણે કાર્ય કરીએ છીએ?
ધારો કે તમે તમારા મિત્ર સાથે બેઠા છો અને સામેથી ચાર વ્યક્તિઓ આવી રહ્યા છે. તેઓ તમારી સાથે વાત કરતા નથી પરંતુ બાજુમાં બેઠેલા તમારા મિત્ર સાથે વાત કરે છે. આ સમયે તમને પોતાને ખરાબ લાગે છે અને તમે મનમાં એવું વિચારો છો કે, મારો મિત્ર મારાથી વધુ સારો છે માટે જ લોકો તેને વધારે પસંદ કરે છે અને તે સમયે હું અપમાનની લાગણી અનુભવું છું. આ ઘટના પાછળ તમારી એવી માન્યતા છે કે, તેમની જ પ્રસંશા થાય જે લોકો સારા હોય. આવી માન્યતાઓના કારણે તમે એવું વિચારો છો કે હું યોગ્ય કે સારી વ્યક્તિ નથી, મારો મિત્ર મારાથી વધુ સારો છે. આના પરિણામે તમારા મનમાં મિત્ર માટે ઈર્ષાભાવ જાગે છે. આવી અનેક માન્યતાઓના કારણે તમારા જીવનમાં વારંવાર ઇર્ષા અને દુઃખની લાગણી અનુભવાય છે. તેથી તમે તમારી પોતાની જાતને વધુ સારા અને યોગ્ય સાબિત કરવા માટે બીજા લોકો સમક્ષ અન્ય મિત્રોની નીંદા કે કુથલી કરવાનું શરૂ કરો છો. કારણ કે તે સમયે અન્ય લોકો સમક્ષ તમે તમારી જાતને વધુ સારી છે તેમ સાબિત કરવા લાગશો. તમારી જાતને વધુ સારી બતાવવા માટે તમે બીજા લોકોની ખામીઓ કઈ કઈ છે તે જોવાનું અને વિચારવાનું શરુ કરી દેશો. હવે જેવી તમે નકારાત્મક ઉર્જા ઉત્પન કરશો તો લોકો તમારાથી દૂર રહેવાનું શરૂ કરી દેશે.
હવે આ જ સ્થિતિમાં જો તમે તમારા વિચારોને પરિવર્તન કરી દો કે, હું કોણ છું? હું સંપૂર્ણ નથી. તમારી અંદર ઘણી નબળાઈઓ કે ખામીઓ છે. અગત્યનું એ નથી કે લોકો તમારા વિશે શું વિચારે છે? કે કયા કારણોથી લોકો તમારી પાસે આવે છે. જીવનની યાત્રા તમારી પોતાની છે. આપણે પોતાની જાતને બીજાની સાથે સરખામણી કરવાની આપણી ટેવને છોડવી પડશે, કારણ કે હું આત્મા જેવી છું તેવી છું. હું જેવી છું, તેવી હું પોતે મારી જાતને ઓળખું છું તેનાથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી.
સ્વાભાવિક છે કે જો આપણે સારી ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ તો લોકો આપણી પાસે આવે છે. આજના સમયમાં એવું પણ શક્ય છે કે હું તમને પસંદ ન કરું છતાં પણ તમારી પાસે આવું અને તમારી સાથે સારી રીતે વાત કરું. આ બાબતે આપણે પોતાનું મૂલ્યાંકન કરીશું તો તેમાં મોટો ભય રહેલો છે. આપણે જાતે જ પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ કે, હું કોણ છું? હું કેવી છું તેની ખબર ફક્ત મને જ છે. મારે મારી નબળાઇઓ પર ધ્યાન આપવું જોઈએ. લોકો શું કહી રહ્યા છે તે અગત્યનું નથી કારણ કે તે લોકો તેમના દ્રષ્ટિકોણથી કહી રહ્યા છે. આમ તમારી એક-એક માન્યતા તમારા વિચાર ઉત્પન્ન કરે છે જે મારું ભાગ્ય અને નસીબ બનાવે છે. પછી આપણે એમ કહીએ છીએ કે આમાં મારો કોઈ વાંક નથી. આતો તેમના કારણે થયું. આપણે આપણી સરખામણી બીજા સાથે કરીએ છીએ જે કારણે આપણામાં લઘૂતાગ્રંથિ ઉત્પન્ન થાય છે. “જિંદગી તો હાર-જીત નો ખેલ છે.” આ આપણી માન્યતા છે. જ્યારે એવું લાગશે કે તમે જીતી રહ્યા છો તો બીજાથી આગળ નીકળવા માટે ઘણા પ્રયત્નો કરીશ. બીજાની ટીકા કરીને તેમને નીચા સાબિત કરવા પ્રયત્ન કરીશ. એટલે કે બીજાથી આગળ નીકળવા માટે તમે કઈ પણ કરશો. પણ જો તમે એવું વિચારો કે માનો જીવન તો એક રમત છે. આ એક માન્યતાએ તમારા વિચારોની દિશા બદલી નાખશે અને હવે શાંતિથી જોઈએ કે હરીફાઈ ક્યાં છે કઈ બાબતની છે?
વધુ આવતા અઠવાડિયે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
