આપણે મેડિટેશન દ્વારા શક્તિ તથા ખુશી પ્રાપ્ત કરીએ

આત્મઅભિમાનીનો અભ્યાસ આખા દિવસ દરમ્યાન વારંવાર કરો તથા શક્તિઓના સાગર પરમાત્મા (પાવરહાઉસ) સાથે સંબંધ જોડો. આમ કરવાથી દેહધારીઓ સાથેનો લગાવ તેની જાતે જ છુટી જશે. મારે એ યાદ નથી રાખવાનું કે હું શરીર નથી. પરંતુ એ યાદ રાખવાનું છે કે હું પવિત્ર આત્મા છું. લગાવ એટલે કોઈ ચીજ સાથે એટલું જોડાઈ જવુ કે મારું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. વાસ્તવમાં હું આત્મા છું અને આ શરીર થી અલગ છું. આ શરીર મારી મોટર છે અને હું આત્મા તેનો ડ્રાઇવર છું. આમ સમજવાથી જો મારુ બાળક દુ:ખી હશે તો હું દુઃખી નહીં થાઉં. આ બાબત સાક્ષી ભાવ કેળવવામાં મદદરૂપ થશે. આ સ્થિતિમાં રહેવાથી આપણું દેહ અભિમાન સમાપ્ત થઈ જાય છે.

અહંકાર સમાપ્ત થવાથી બીજી બધી દુ:ખી કરવા વાળી બાબતો પોતાની જાતે જ સમાપ્ત થઈ જાય છે. તેના માટે મહેનત નથી કરવી પડતી. પરમાત્મા સાથે સર્વ સંબંધનો લગાવ આપણને દુઃખ નથી આપતો. દેહ અભિમાનના કારણે જ્યારે આપણે કોઈ વ્યક્તિમાં ફસાઇ જઈએ છીએ તો તેમાં આપણને દુઃખ જ મળે છે. જ્યારે પરમાત્મ સંબંધ જોડાય છે તો તેમાં નિ:સ્વાર્થ પ્યાર પણ જોડાય છે જેમાં આપણને દુ:ખની અનુભૂતિ નથી થતી. જ્યારે કોઈ પણ અપેક્ષા હોય છે અને તે પૂરી નથી થતી તો આપણને દુઃખ થાય છે. પરમાત્મા સાથેના સંબંધમાં કોઈ અપેક્ષા હોતી નથી.

અહીં આપણે તે સમજવું જરૂરી છે કે પરમાત્માનું કર્તવ્ય શું છે? આપણે એવી આશા રાખીએ છીએ કે પરમાત્મા મને નોકરી અપાવી દે, ધંધામાં મને ફાયદો કરાવી દે. ઈશ્વરીય જ્ઞાન મળ્યા પછી આપણને તે સમજમાં આવે છે કે પરમાત્માનું કામ છે મને શક્તિશાળી બનાવવી. અને મારું કામ છે તે શક્તિનો ઉપયોગ કરી મારું શ્રેષ્ઠ ભાગ્ય બનાવવું. જ્યારે પરમાત્મા સાથે સંબંધ જોડાય છે ત્યારે આત્મા શક્તિશાળી બને છે. પરિણામે તેને કોઈ બાબતનો ડર નથી રહેતો અને મૂલ્ય ઉપર ચાલવું સ્વાભાવિક બની જાય છે. ખુશી આપણો જન્મસિદ્ધ અધિકાર છે. કારણ કે આપણે આનંદના સાગરની સંતાન છીએ.

જેવી રીતે આપણે બીજી વ્યક્તિઓને યાદ કરીએ છીએ તેવી રીતે પરમાત્માને યાદ કરવાના છે. ફર્ક એટલો જ છે કે કોઈ વ્યક્તિને આપણે શરીરના રૂપમાં યાદ કરીએ છીએ. જ્યારે પરમાત્માને યાદ કરતી વખતે સૌ પહેલા આપણે અશરીરી (આત્મિક) સ્થિતિમાં સ્થિત થવું પડશે. જ્યાં સુધી હું પોતાને આત્મા સમજી યાદમાં નહીં બેસું ત્યાં સુધી પરમાત્માની યાદ આવશે નહીં. આજ દિવસ સુધી પરમાત્માને યાદ કરવા અધરું શા માટે લગતું હતું? કારણ કે યાદ કરવા માટે કોણ બેઠું હતું? એક માં બેઠી હતી. તો માંને કોણ યાદ આવશે? પોતાનું બાળક યાદ આવશે, પરમાત્માની યાદ નહીં રહે. પરંતુ જ્યારે એક આત્મા યાદ કરવા બેસશે તો તેને “પરમાત્મા” યાદ આવશે. પરમાત્માને યાદ કરવા એટલે મન-બુદ્ધિને પોતાના ઘેર પરમધામ લઈ જવા. જ્યાં આત્માઓના પિતા પરમાત્મા પણ રહે છે. સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા આપણને સાથ આપવા તૈયાર છે. શક્તિ આપવા તૈયાર છે. તો આપણે મેડિટેશન દ્વારા (પરમાત્માની યાદ દ્વારા) શક્તિ તથા ખુશી પ્રાપ્ત કરીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)