રાજયોગમાં પરમપિતા પરમાત્મા સાથે સંબંધ જોડો

ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે તે જ આપ્યું હતું અને તે જ લઈ લીધું. એ ખૂબ મહત્વનું છે કે આ મારી પરિસ્થિતિ છે. પરમાત્માનું કામ એ નથી કે આવીને મારી પરિસ્થિતિ ઠીક કરી દે કારણ કે મારી સામે જે પરિસ્થિતિ આવી છે એ મારા જ કર્મનું ફળ છે. રાજયોગ મેડિટેશનમાં આપણે શક્તિના સાગર પરમાત્મા પાસેથી શક્તિ ભરવાની હોય છે. તે શક્તિથી આપણે પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. પરમાત્મા સાથે સંબંધ એટલા માટે ન જોડીએ કે તેઓ મારી પરિસ્થિતિ ને ઠીક કરી દે.

પરમપિતા પરમાત્મા પાસેથી શક્તિ લેવાની છે. અને માંગવાનું નથી કે ભગવાન મને શાંતિ આપો, પ્યાર આપો. વાસ્તવમાં જ્યારે આપણે તેમના બાળક બનીએ છીએ તો તેમની પાસે જે છે તેના આપણે અધિકારી બની જઈએ છીએ. હું શાંતિના સાગરની સંતાન છું. એ સંકલ્પ કરતાની સાથે જ આપણી અંદર શાંતિની શક્તિ આવી જશે. હું કોણ છું? તેનો જવાબ છે – હું શાંત સ્વરૂપ આત્મા છું. શાંતિના સાગર પરમાત્માની સંતાન છું. શાંતિધામની રહેવાસી છું. આ સ્મૃતિના કારણે આપણને ગુસ્સો આવશે જ નહીં. લૌકિકમાં પણ ખાનદાનની સ્મૃતિ રહેવાના કારણે પોતાના વર્તન તથા વ્યવહારમાં પરિવર્તન આવી જાય છે.

આજથી આપણે એ સ્મૃતિ રાખીએ કે હું સર્વશક્તિવાનની સંતાન છું. પવિત્ર આત્મા છું. પવિત્રતાના સાગરની સંતાન છું. આખી દુનિયા તેને યાદ કરે છે કારણકે બધા મનુષ્ય આત્માઓ આ પવિત્ર બની ગયા છે. ખાલી થઈ ચુક્યા છે. આજ સુધી આપણે ભગવાનને કહેતા હતા કે તેઓ પતિત ને પાવન બનાવવાળા છે. પરંતુ કંઈ સમજતા ન હતા. પતિતને પાવન બનાવવાનો અર્થ શું છે? હું આત્મા જે અપવિત્ર બની ગઈ છું તેને પાવર હાઉસ સાથે મન-બુદ્ધિથી જોડીને ફરીથી પવિત્ર બનાવવાની છે. ઘણીવાર આપણને એ ખબર પડે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ. પરંતુ તે ભૂલને કેવી રીતે સુધારવી તે સમજ નથી હોતી. રાજયોગ દ્વારા જ્યારે આપણે મૂળભૂત બાબતો શીખી લઈએ છીએ ત્યારે પરિવર્તન કરવું મુશ્કેલ નથી લાગતુ.

રાજયોગમાં પરમાત્મા પિતા સાથે સંબંધી જોડીને તેમને યાદ કરવાથી પરમાત્માની વિશેષતા તથા શક્તિ મારામાં આવતી જશે. અહીં બેઠા-બેઠા તમે તમારા બાળકને યાદ કરો તો તેની સાથેના પ્યારનો અનુભવ તમને અહીં જ થશે. તમે કોઈ એવી વ્યક્તિને યાદ કરો કે જેની સાથે તમારા સંબંધ બરાબર નથી. તો તમને દુઃખ-દર્દની અનુભૂતિ થશે. યાદમાં એટલી બધી શક્તિ છે કે તમે તે વ્યક્તિની ગેરહાજરીમાં પણ તેને યાદ કરીને સુખ કે દુઃખની અનુભૂતિ કરો છો. હવે તમે પવિત્રતાના સાગરને યાદ કરો છો તો તમારો પવિત્રતાનો સંસ્કાર બને છે. જો તમે શાંતિના સાગરને યાદ કરો છો તો શાંતિનો સંસ્કાર બને છે.

આપણે શરીરના ભાનમાં છીએ એટલે શરીરના સંબંધીઓની યાદ આવે છૅ. જેવી રીતે આપણે પોતાના પુત્રને યાદ કરીએ છીએ તો તરત જ તે યાદ આવી જાય છે. જેણે આપણને થોડું પણ દર્દ આપ્યું હોય તેને યાદ કરતા જ તેની યાદ તરત જ આવી જાય છે. તેવી જ રીતે જો આપણે આત્મ અભિમાની બનવાનો અભ્યાસ કરતા જઈશું તો પરમપિતા પરમાત્મા સાથે આપણો સંબંધ મજબૂત બનતો જશે. એક બાબત એ છે કે જેટલો આપણે આત્મ અભિમાની બનવાનો અભ્યાસ કરતા જઈશું તેટલો પરમાત્મા સાથે સંબંધ મજબૂત બનતો જશે. બીજી બાબત એ છે કે જેટલો પરમાત્મા સાથે સંબંધ મજબૂત બનાવતા જઈશું તેટલું આપણા માટે આત્મ અભિમાની બનવાનું સરળ બનતું જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)