મનોબળની શક્તિ પર કાબૂ

(બી.કે.શિવાની)

જ્યારે આપણું મનોબળ નબળું પડે ત્યારે આપણી અંદર કંઈ ખામી કે કમીનો અનુભવ થાય છે. અત્યારે બજારમાં મંદીનો માહોલ છે, ધંધો પણ ઓછો ચાલી રહ્યો છે તેમ છતાં પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. પરંતુ જયારે બધું બરોબર હોવા છતાં પણ જો આપણો ઉત્સાહ, મનની સકારાત્મક અવસ્થાનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે એમ સમજો કે, આપણે પરિસ્થિતિના સંપૂર્ણપણે પ્રભાવમાં આવી ગયા છીએ. અને પછી આપણું જીવન નિરાશાઓથી ભરાઈ જશે.

પરદેશમાં એક ભાઈને ઘણી બધી દુકાનો એટલે કે મોર્લ્સ હતાં. તેમની ઘણું બધું ધન હતું કે તેમની પાછળ ઘણી પેઢીઓ એશ-આરામથી જીવી શકે તેમ હતી. પણ તે ભાઈ આજની વર્તમાન પરિસ્થિતિને કારણે એટલા બધા હતાશ થઈ ગયા છે કે, મનમાં લાગેલ તે સદમાને દુર કરવા તેમને દવાનો સહારો લેવો પડી રહ્યો છે. મનોચિકિત્સક ડોક્ટર પાસે જવું પણ પડે છે. પહેલા કરતા તેમની આવક જરૂર ઓછી થઈ ગઈ, પણ તેમના મન પર તેની અસર પાડી તેણે વધુ નુકસાન કર્યું. પરિસ્થિતિતો આજે નહિ તો કાલે જરૂર ઠીક થઈ જશે. મોર્લ્સ પણ પહેલાની જેમ ધોમધોકાર ચાલવા લાગશે, પરંતુ આ વિપરીત પરિસ્થિતિમાં પણ જો મન સ્વસ્થ રહેશે તો, હંમેશા શાંતિનો અનુભવ થશે. પ્રતિકૂળ સંજોગોમાં પણ જો આપણે મન ઉપર ધ્યાન રાખી સકારાત્મક સંકલ્પો કરીને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધીએ, તો અનેક પ્રકારની ગંભીર માનસિક બિમારીઓમાંથી બચી શકાય છે. તેની સામે આર્થિક નુકસાન તે કોઈ મોટી વાત નથી. 

ઘણીવાર આપણે એવું સમજીએ છીએ કે, જેમ જેમ મારી આર્થિક સ્થિતિ સારી થતી જશે તેમ તેમ મારી માનસિક સ્થિતિ પણ સારી થઇ જશે. પરંતુ સમજવાની વાત તો એ છે કે, જો એક-બે વર્ષ એ આર્થિક સંકટ રહ્યું અને તેટલો સમય આપણે ડિપ્રેશનમાં રહ્યા તો તેની અસર આપણા તન-મન ઉપર જરૂર પડશે. જે આપણને નબળા બનાવી દેશે. તેમજ બ્લડપ્રેશર જેવી બીમારી સારી થયા પછી પણ તેનો પ્રભાવ સારો છોડીને જાય છે. જેના પરિણામે આપણા સંબંધોમાં પણ અંતર થઇ જાય છે. 

વર્તમાન સ્થિતિમાં એક ભાઈને છેલ્લા એક વર્ષથી કોઈપણ આવક નથી. પણ આશ્ચર્યની વાત એ છે કે તેમને જોઈને એવું નથી લાગતું કે તેને કોઈ તકલીફ હોય. તેમને ખબર છે કે આ પરિસ્થિતિ તો આજે નહીં તો કાલે જરૂર સારી થઈ જશે. આજે ધંધામાં ભલે કોઈ આવક નથી. પરંતુ તે અંગે હું હમણાં કંઈ વિચારતો નથી. હું અત્યારે મારા પરિવાર સાથે આ સમય સારી રીતે પસાર કરી રહ્યો છું. તેમને ત્રણ દીકરીઓ છે. તેમણે સમગ્ર જીવનમાં પરિવાર સાથે બેસીને સમય પસાર કર્યો જ નથી, એટલે અત્યારે પરિવારને સમય ફાળવી રહ્યાં છે. આજે તે તેમની દીકરીઓની સાથે નીકટતાનો અનુભવ કરી રહ્યાં છે. સાચે જ પરિવાર સાથે સમય વિતાવીને તેમણે ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો. આનું કારણ તો માત્ર એ જ છે કે આ પરિસ્થિતિમાં પણ તેઓ માનસિક રૂપે હતાશ ન થયા. વર્તમાન પરિસ્થિતિમાં ઘણા પોતાના પરિવાર અને સ્વજનોથી દૂર થઈ ગયા અને ઘણા પોતાના પરિવારની એકદમ નજીક આવી ગયા.  

ઘણાં લોકોને એમ થાય છે કે મનના વિચારોને કાબુમાં રાખવા બહુ અઘરું કામ છે. આપને એક વાત હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ કે, સાનુકૂળ અથવા વિપરીત કોઈપણ પરિસ્થિતિમાં આપણે મનના સંકલ્પો ઉપર ધ્યાન રાખવું જોઈએ. એવું નહીં કે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત આવે ત્યારે જ મન ઉપર ધ્યાન રાખવું છે. તે સમયે મનને કંટ્રોલ કરવામાં વધુ મહેનત લાગશે. પણ જ્યારે બધુ બરાબર હોય ત્યારે આ વાત બહુ સરળ લાગશે. પરિસ્થિતિ તો આવશે ને જશે. સવારે ઉઠીને સ્વયં સાથે વાતો કરવાનું શરૂ કરીએ. આપણે દરરોજ સકારાત્મક વિચારો કરીએ. મનમાં ક્યારેય નકારાત્મક વિચારો ન લાવીએ.

ધારો કે આપના કોઈ મિત્રની નોકરી જતી રહે તો તમે તેની સાથે કેવી રીતે વાત કરશો? આ સ્થિતિમાં તમે તમારી પોતાની સાથે કેવી વાત કરવી જોઈએ? આવા સમયે સકારાત્મક વિચારોવાળી સહાનુભૂતિપૂર્વકની વાતો કરવાની હોય. આપણે મિત્રને એમ કહીએ કે બધું સારું જ થઈ જશે. તમે ચિંતા ન કરો. તમારું પોતાનું ધ્યાન રાખો. જો આપણે બીજાને એમ કહી શકીએ છીએ કે ચિંતા ના કરો, તો શું આપણે તેમ કરી શકીએ છીએ? પરંતુ આપણે એમ વિચારીએ છીએ કે સંજોગો જ એવા છે. આવા સંજોગોમાં હું કેવી રીતે સ્વસ્થ રહી શકું? આવા સંજોગોમાં પણ આપણે પોતાની સાથે વાતો કરીએ, સકારાત્મક ચિંતન કરીએ તો આપણે વિપરીત પરિસ્થિતિઓમાં પણ મનને સ્થિર રાખી શકીએ છીએ. 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)