વિચારો પર કાબુ કેવી રીતે મેળવવો?

(બી. કે. શિવાની)

આપણે એવું સમજીએ છીએ કે, આપણા મનમાં જે વિચારો બહારથી મનમાં આવે છે તે જ વિચારો પાછાં મનમાં આવશે અને મનમાંથી બહાર આવશે. જે વિચારો કે વસ્તુ મારા કંટ્રોલમાં નથી તે માટે આપણે ખૂબ સાવધાન રહે છીએ કે બહારથી મારા મનમાં શું આવી રહ્યું છે? પણ આપણા પોતાના કંટ્રોલમાં આપણે મન દ્વારા બહાર શું મોકલીએ છીએ? તેના પર આપણો સંપૂર્ણ કન્ટ્રોલ છે. આપણે એમ પણ કહીએ છીએ કે આપણા વિચારો જ (સંકલ્પ) આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. કારણ કે જે આપણે મન દ્વારા જે વિચારો બહાર મોકલીએ છીએ તે આપણા સંકલ્પની શક્તિ હોય છે. 

જે કઈ બહાર જઈ રહ્યું છે તે જ પાછું મારી પાસે આવશે. એનો અર્થ એ છે કે, મારી પાસે જે પાછું આવવાનું છે તેને હું અત્યારે કંટ્રોલ કરી શકું છું. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિને બહાર મોકલી રહ્યા હતા. તમે મારા માટે શું વિચારશો, તમે મારી સાથે કેવી રીતે વાત કરશો? તેનો બધો આધાર એ મારા મનની શક્તિ છે જે હું તમારી પાસે વિચારો દ્વારા મોકલું છું. આપની પાસે હું જે શક્તિ મોકલીશ તે જ શક્તિ પાછી મારી પાસે આવશે. પરંતુ આપણે એ વાત ઉપર ધ્યાન જ  આપતા નથી કે હું કેવા પ્રકારની શક્તિ મોકલી રહેલ છું? 

આપણે મોટેભાગે એ બધી બાબતો ઉપર ધ્યાન આપીએ છીએ કે, તમે મને શું કહી રહ્યા છો? ધારો કે તમે મારી સાથે વ્યવસ્થિત રીતે વાત ન કરી, તો આ બાબતે મારા મનમાં વિચારો ચાલશે અને મારા મનને પ્રભાવિત કરશે. જો કોઈ આપની સાથે વ્યવસ્થિત વાત ન કરે તો મનમાં અનેક પ્રકારના વિચારો શરૂ થઈ જાય છે કે, તેમણે મારી સાથે યોગ્ય વ્યવહાર ન કર્યો. શું તેઓ મારાથી નારાજ થઈ ગયા હશે? તેમનો તો સ્વભાવ જ એવો છે. તેમના માટે ગમે કેટલું સારું કરો છતાં પણ તે મારાથી ક્યારેય પણ ખુશ થતા જ નથી. આવા પ્રકારના નકારાત્મક સંકલ્પો આપણને દુઃખ, અશાંતિ અને પરેશાનીનો અનુભવે છે. આપણે જ્યારે આવા નકારાત્મક વિચારોની શક્તિ બહાર મોકલીએ છીએ, ત્યારે બહારથી પણ મારી તરફ નકારાત્મક શક્તિ જ આવશે. આમ આપણે આપણું પોતાનું ભાગ્ય પોતે જ બનાવીએ છીએ. જેના પરિણામે સંબંધોમાં કડવાહટ આવી જાય છે.  

આપણી આસપાસ જે પણ ઘટનાઓ બને છે, ઘટના અગાઉ આપણે જે કર્મ કરેલ છે તેના જવાબ રૂપે જ હોય છે. ભૂતકાળમાં મેં જે કંઈ પણ કર્મ કર્યું હતું તેના કારણે જ આ બધી પરિસ્થિતિઓ મારી પાસે આવી રહી છે. આ માટે વર્તમાન સમયનું ઉદાહરણ લઇએ કે, જયારે જ્યારે આર્થિક મુશ્કેલીઓ આવી ત્યારે ઘણા બધા લોકો તેનાથી પ્રભાવિત થયા. નોકરીમાં કે ધંધામાં ચઢાવ ઉતરાવ પણ આવ્યો, જે એક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેનાથી આપણે પ્રભાવિત થયા. આનું મૂળ કારણ અસલામતીની ભાવના છે. કે મારો ધંધો બરાબર નથી ચાલી રહ્યો. મારી બચત એકદમ ખલાસ થઇ જવા આવી છે. એટલે કે હવે  મારું ભાગ્ય સુરક્ષિત નથી. આ વાસ્તવમાં એક આર્થિક ગરીબી છે. આ એક પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવે આ પરિસ્થિતિમાં મારે કયા પ્રકારના વિચાર કરવા છે તે મારા ઉપર આધાર રાખે છે. મારા જીવનમાં જે કોઈ સમસ્યા આવી તે પણ એક પ્રકારનું મારું ભાગ્ય જ છે. જે મેં પોતે જ નક્કી કરેલ છે. આ એક બહુજ ગુહય વાત છે. મેં કહ્યું કે, આ એક પરિસ્થિતિ આવી, જેનાથી હું ભયભીત થઈ ગયી કે હવે મારું શું થશે? મારા પરિવારનું શું થશે? આ પરિસ્થિતિ ક્યારેય સામાન્ય નહિ બની શકે? 

જ્યારે આવા પ્રકારના નકારાત્મક વિચારો મનમાં આવવાના શરૂ થઇ જાય છે ત્યારે મનની સ્થિતિ કેવી થઈ જશે? હવે આર્થિક મુશ્કેલીઓ પણ આવી રહી છે. બધાને કોઈને કોઈ રૂપે પ્રભાવિત કર્યા વગર રહેશે નહિ. આજે આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે, અલગ- અલગ વ્યક્તિઓ અલગ-અલગ રીતે આ આવનારી પરીસ્થિતિઓનો સ્વીકારે છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો નિરાશ થઈને આત્મહત્યા પણ કરી લે છે. આ સમયે તેમના મનમાં ફક્ત એક જ પ્રકારના વિચારો ચાલતા હોય છે કે, હવે કશું સારું થઈ જ ના  શકે. 

આવી સ્થિતિમાં આપણે એક અલગ પ્રકારના વિચાર પણ કરી શકીએ છીએ. આ સમયે આપણે એવા વિચાર કરીએ કે, હા આ એક આર્થિક સમસ્યા છે પરંતુ આ સમયે મારે મારું ધ્યાન રાખવાનું છે અને મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. ધારો કે મારો ધંધો બંધ થઈ ગયો છે, મારે ઘણી બધી પાર્ટીઓને પૈસા ચુકવવાના છે, સાથે-સાથે મારી પ્રતિષ્ઠા પણ સાચવી રાખવાની છે. આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, મારે કોઈ પણ રીતે ઉધારની ચૂકવણી કરવાની છે. તેના માટે સૌ પ્રથમ મારે સ્વયંને મજબૂત કરવાની જરૂર છે. આવા કપરા સમયે આપણે આપણા મનને એવો સંકલ્પ આપીએ કે, મારો ધંધો ચાલતો નથી તો કઈ વાંધો નહીં. હવે આપણને જીવવા માટે વધારે પડતી ચીજ વસ્તુઓની આવશ્ક્તાઓ નથી. આવા સમયે આપણે એવો વિચાર કરવો જોઈએ કે, આ સમસ્યા આવી છે તો થોડા સમય પછી ચોક્કસ જતી પણ રહેશે. પરંતુ મારે કોઈ પણ સંજોગોમાં મારે મારા મનને સ્થિર રાખવું જ છે.

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)