જીવનમાં વાસ્તવિક સૌંદર્ય ભરવાનો પુરુષાર્થ કરીએ

રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ધોરણે પસંદ થતી વિશ્વ સુંદરીનો તાજ ફક્ત કુવારી કન્યાને શોભી શકે છે. કોઈ લગ્ન કર્યા વગર પણ બ્રહ્મચારી છે કે નહીં તેની આજના યુગમાં કોઈ ગેરંટી નથી. જો શરીરથી પવિત્ર હોય પરંતુ મનથી પવિત્ર હોવું બહુ મુશ્કેલ છે. તેમ છતાં પણ આજના તમો પ્રધાન યુગમાં પણ જો શારીરિક પવિત્રતાને વિશ્વ સંગ્રહનો તાજ પહેરવાનો આધાર માનવામાં આવે છે તો તે પવિત્રતાનું મહત્વ બતાવે છે. સૌંદર્ય હરીફાઈમાં વિજેતા બહેનો પવિત્રતાની શરતનું પાલન કરવા સાથે એક વર્ષ સુધી વિશ્વ સુંદરીનો તાજ ધારણ કરી નામ તથા પૈસા કમાઈ શકે છે.

ભગવાન દ્વારા આયોજિત હરીફાઈમાં વિજય બનવા માટે વર્તમાન પુરુષોત્તમ સંગમ યુગમાં મન-વચન-કર્મ થી સંપૂર્ણ પવિત્રતાનું પાલન કરવાથી 21 જન્મો માટે અવિનાશી મહિમા, ખૂટે નહીં તેટલું ધન તથા દિવ્ય સૌંદર્ય પ્રાપ્ત કરી શકાય છે. લૌકિક હરીફાઈમાં ફક્ત બહેનોની જ પસંદગી કરવામાં આવે છે કારણ કે કળિયુગમાં નારીના સૌંદર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. પરંતુ પરમાત્મા કે જે સર્વ આત્માઓના પિતા છે, તેમની નજરમાં બધી આત્માઓ ભાઈ ભાઈ છે. પરમાત્માએ સત્યયુગી દેવી-દેવતા બનવા માટેની હરીફાઇમાં ભાગ લેવા માટે સ્ત્રી પુરુષ બંનેને આહ્વાન કરેલ છે. શ્રી લક્ષ્મી તથા શ્રી નારાયણ સંપૂર્ણ સુંદર, 16 કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી તથા મર્યાદા પુરુષોત્તમ છે. અર્થાત આ ઈશ્વરીય હરિફાઇ નર તથા નારી બંને માટે છે.

લૌકિક હરિફાઈમાં વિજયી બનનાર મોટાભાગની બહેનો ન્યાયાધીશોની સામે ઈચ્છા પ્રગટ કરે છે કે તેઓ ઇનામમાં મળેલ પૈસા થી બાળ કલ્યાણ તથા સમાજ કલ્યાણના કાર્યો કરશે. પરંતુ વ્યવહારમાં એવું બહુ ઓછું જોવા મળે છે. મોટાભાગે તેઓ મોડલિંગ કે અભિનય ક્ષેત્રમાં જેતી રહે છે. પરમાત્મા પિતાની હરીફાઈમાં વિજયી તેજ બનશે કે જેઓ સમય, શ્વાસ, સંકલ્પ, ધન વિગેરે માનવ માત્રની સેવામાં અર્પણ કરી દેશે. તેઓ કોઈપણ ભેદભાવ વગર અથક બનીને આત્માઓના કલ્યાણ માટે લાગેલા રહેશે તથા પરમાત્મા પિતાની શ્રીમત અનુસાર કથની અને કરનીને એક સમાન બનાવીને રાખશે. આવું કરવાના પરિણામે તેઓને 5000 વર્ષના આ સૃષ્ટિ ચક્રમાં હીરો પાર્ટધારીની કામગીરી મળશે. તેમની નિર્વિકારી, હર્ષિત તથા કંચન કાયાને અડધા કલ્પ સુધી પ્રજા તથા અડધા કલ્પ દરમિયાન ભક્ત શ્રદ્ધા સુમન અર્પણ કરતા રહેશે.

પરમ પિતા પરમાત્મા શિવ આ સમયે સહજ રાજયોગ તથા સહજ જ્ઞાનનો અભ્યાસ કરાવી રહ્યા છે જે દ્વારા આત્માના સર્વ પતિત સંસ્કાર સમાપ્ત થઈ જાય છે. સંસ્કારોના આધારે જ શરીર તથા ભાગ્ય બને છે. તથા સંસ્કારોના આધારે જ બીજા જન્મમાં સુખ કે દુઃખ મળશે તે નક્કી થાય છે. જે આત્માઓના સંસ્કાર તથા સંકલ્પ સતો પ્રધાન હોય છે તેઓ પ્રતિભાવાન તથા સુખ આપનાર બની જાય છે.

આથી તમામ ભાઈઓ તથા બહેનોને શુભ અપીલ છે કે બંને પ્રકારના સૌંદર્યને ધારણ કરવાનું લક્ષ રાખે. ફક્ત એક જન્મ માટે પ્રાપ્ત થયેલ વિનાશી ચામડી આધારિત સુંદરતા, જે બીમારી તથા વૃદ્ધાવસ્થાના સમયે સમાપ્ત થઈ જાય છે તેના ઉપર મહેનત કરવાના બદલે રાજયોગ દ્વારા જીવનમાં વાસ્તવિક સૌંદર્ય ભરવાનો પુરુષાર્થ કરીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)