ઘણીવાર આપણને બીજા પ્રત્યે એટલો બધો ગુસ્સો આવે છે કે આપણે ગુસ્સા સિવાય કંઈ વિચારી જ નથી શકતા. કોઈએ મને દગો આપ્યો છે, મારા જીવનને બરબાદ કરી દીધું છે એ કારણથી મને ગુસ્સો આવે છે. તે વ્યક્તિ મને પસંદ નથી આવતો. તેણે મને અપમાનિત કર્યો. કોઈએ કોઈ એવી વાત કહી દીધી કે જેને હું જિંદગીભર ભુલીશ નહીં. મનમાં લાગેલ ઘા ત્યાં જ રહી જશે અને વારંવાર મને યાદ આવતો રહેશે તો નુકસાન કોને થઈ રહ્યું છે? આપણે એ વાત સમજવી પડશે કે કોઈ પણ વાતને પકડીને રાખવાથી નુક્શાન મને જ થશે. જો આપણે તે વાત છોડીએ છીએ તો તે ફક્ત મારા માટે જ છોડું છું બીજા માટે નહીં તે સમજ સ્પષ્ટ હોવી જોઈએ.
ઘણી વ્યક્તિઓ એવું વિચારે છે કે તે વ્યક્તિએ મારી સાથે આટલું બધું ખોટું કર્યું તો હું શા માટે તે ભૂલી જાઉં! પરંતુ આપણે આપણા કલ્યાણ માટે તે વાત ભુલવી પડશે. આવી ઘટનાઓ એવી વ્યક્તિઓ સાથે થાય છે કે જેમની સાથે આખો દિવસ આપણે પસાર કરવાનો હોય છે. જો આપણે સાથે રહીને આ બધી બાબતોને મનમાં જમા કરી રાખીએ છીએ તો મારી માનસિક સ્થિતિ કેવી રહેશે? આપણે એવું માનીએ છીએ એટલે તે વ્યક્તિએ મારી સાથે ખોટો વ્યવહાર કર્યો તો મને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. જ્યારે આખો દિવસ એકબીજાની સાથે રહેવાનું છે એકબીજા સાથે કાર્ય કરવાનું છે તો કેવી ઊર્જા સાથે આપણે કાર્ય કરીશું? આમાં આપણે એ જોવાનું છે કે મેં મારા મનમાં શું ભર્યું છે? જે મનમાં ભરી ને રાખેલું હશે તેજ બહાર આવશે. આવું એક વ્યક્તિ સાથે નથી થતું, પરંતુ અનેક વ્યક્તિઓ સાથે એવી ઘણી નાની-મોટી બાબતો હોય છે કે જે હું પકડીને રાખું છું અને પછી સમઝુ છું કે આ યોગ્ય છે.
કોઈ પરિવારમાં એવી ઘટના બની કે જેના કારણે તેમના જીવનમાં સમસ્યા ઊભી થઈ. બધા વચ્ચેનું અંતર વધી ગયું. હવે માની લો કે તે સમસ્યા દૂર થઈ ગઈ. હવે આપણે ઘરમાં સાથે રહેવાનું છે પરંતુ જો તે ઊર્જાને પકડીને રાખીશું તો પરસ્પરના સંબંધો ઉપર અસર થશે. ઘણીવાર પરિસ્થિતિ દૂર થયા પછી આપણે બીજી વ્યક્તિ સાથે એ દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ કે તેમના કારણે પરિસ્થિતિ આવી હતી, તેમની જ ભૂલ હતી. પરંતુ જ્યારે સામેની વ્યક્તિને તેની ભૂલ અંગે સમજમાં આવી ગયું તો વાત ત્યાં જ પતી ગઈ. હવે આપણે મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરી સકારાત્મક વિચારોની ઉર્જા સાથે તે વ્યક્તિ સાથે વ્યવહાર કરવો જોઈએ. કોઈ પરિસ્થિતિમાં ધારો કે કોઈનાથી ખોટો નિર્ણય લેવાઈ ગયો, તો નિર્ણય ખોટો હોઈ શકે છે પરંતુ વ્યક્તિ નહીં. પણ એવી ઊર્જા મોકલીએ છીએ કે તમે જ ખોટા છો, તો તે ઊર્જા પરસ્પરના સંબંધો માં તિરાડ ઊભી કરશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)