આપણે મજબૂત બનીએ અને બીજાને પણ મજબૂત બનાવીએ

આપણે મનમાં એવી ઉર્જા ઉત્પન્ન કરીએ કે જેથી આપણે પણ મજબૂત બનીએ અને બીજાને પણ મજબુત બનાવીએ. જ્યારે આપણે નાની નાની બાબતોમાં કે બાળકને સારા નંબર ન મળ્યા, પરિણામે પતિ પત્ની એકબીજા ને દોષ આપે છે. શું આવું થવું જોઈએ? નહીં. આ કોઈ હરિફાઈ નથી કે આપણે એવું સિદ્ધ કરીએ કે તમે ખોટા હતા હું સાચો હતો. આપણે ક્યારેય પણ આ માટે જીદ ન કરવી જોઈએ. પહેલેથી જ જેની ભૂલ હોય છે તે પોતાને કેટલો બધો અપરાધી માને છે! વાસ્તવમાં આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ કે તેને સુખનો અનુભવ થાય. જેનાથી ભૂલ થઈ છે તે દર્દમાંથી બહાર આવે. પરંતુ આપણે તો તેને વઢીએ છીએ.

જ્યારે આપણાથી કોઈ ભૂલ થઈ જાય અને બીજી વ્યક્તિ કંઈક બોલે તો આપણે તેની ઘણી બધી ભૂલો યાદ કરાવી દઈએ છીએ. આ તો જાણે કે એક હરીફાઈ બની જાય છે કે કોણે સૌથી વધુ ભૂલો કરી છે? કોની ભૂલો સૌથી મોટી છે? વાસ્તવમાં પહેલા આપણે પોતાને ચેક કરવું જોઈએ કે મેં શું કર્યું છે? તેના બદલે આપણે એકબીજાને નીચા બતાવવા નો પ્રયત્ન કરીએ છીએ. પરિણામે બંને એકબીજાથી દૂર થતા જશે. ઘરમાં બાળકને ઓછા માર્ક્સ આવ્યા. વડીલ તરીકે આપણે તેને ધ્યાન આપવું જોઈએ કે બીજી વાર આનાથી સારા માર્ક્સ આવે તેવું વાંચજે. આવું કરવાના બદલે આપણે તેના આત્મવિશ્વાસને વધારવા ના બદલે ઘટાડી દઈએ છીએ.

આપણે એવું વિચારીએ છીએ કે આ તો કાંઈ શીખતા જ નથી, વારંવાર એની એ જ ભૂલો કરે છે. તો આનાથી શું આપણે તેને મજબૂત બનાવી રહ્યા છીએ? ઉલટાનું આપણે તેને તેવું કરવા માટે પ્રેરિત કરીએ છીએ. જ્યારે સામેવાળી વ્યક્તિ કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ હવે ફરી હું એ ભૂલી નહિ કરું. તો આપણે સહજ રીતે તેને સ્વીકાર કરી લેવો જોઈએ. આપણા મનમાં એ ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ કે હું વિશ્વાસ કરું છું કે તમે ફરીથી તેવી તેવી ભૂલ નહીં કરો. આ બોલવાની વાત નથી, પરંતુ આપણે અંદરથી અનુભવ કરવાનો છે. તે વ્યક્તિને માફ કરી દેવાની છે. પરંતુ આપણે એવું કહીએ છીએ કે જો ફરીથી આ ભૂલ કરી તો જોવા જેવી થશે. આ વિચાર એ બતાવે છે કે આપણને શંકા છે કે તે વ્યક્તિ ફરીથી ભુલ કરશે.

આપણને લાગે છે કે આપણે તેને ચેતવણી આપી રહ્યા છીએ. આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે એવી ઊર્જા ઉત્પન્ન કરીએ કે જેથી પોતે પણ મજબૂત બની અને બીજાને પણ મજબુત બનાવીએ. પરંતુ આપણે ધ્યાન નથી રાખતા માટે આપણને એ ખબર નથી પડતી કે આપણો એક એક વિચાર બીજાને નિર્બળ બનાવે છે. જ્યારે ઓફિસમાં કે ઘરે ભેગા હોઇએ છીએ ત્યારે એક બાબતનું ધ્યાન રાખીએ કે બધાએ પોતાની અંદર જે ભરીને રાખેલું છે પહેલા તેને ખાલી કરીએ કારણકે એક વખત તો અંદર ભરેલ બાબત ગુસ્સા ના રૂપમાં વાણી દ્વારા બહાર આવી જ જાય છે. તે સમયે આપણા મુખ દ્વારા એવી એવી વાતો બહાર આવે છે કે જેના વિશે આપણે ક્યારે ય વિચાર્યું પણ ન હોય. પછી આપણે ખુલાસો કરીએ છીએ કે મારા કહેવાનો ભાવ આ ન હતો. પરંતુ આપણા મુખમાંથી બહાર નીકળેલ વાત સૌથી પહેલા આપણા મનમાં હોય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)