આપણે જ્યારે ટીવી ઉપર સીરીયલ કે પિક્ચર જોઈએ છીએ ત્યારે જે દ્રશ્ય આપણી નજર સામે આવે છે આપણે તે દ્રશ્યના પ્રભાવમાં ખુશી કે દુઃખનો અનુભવ કરીએ છીએ. તેટલા સમય માટે આપણે મનની શક્તિને દબાવીએ છીએ. ખરેખર તો આપણે મનની શક્તિઓને વધારવાની છે. પરંતુ દિવસ દરમિયાન આ રીતે વારંવાર મનની શક્તિઓને દબાવવાના કારણે તેની રચનાત્મકતા ખલાસ થઈ જાય છે. આપણે કેવા સંકલ્પ કરવા તે રચનાત્મકતા નક્કી કરે છે. આપણે લક્ષ્ય રાખીએ છીએ કે, કોઈપણ દ્રશ્ય સામે આવે તો આપણે સાક્ષી બની તે પરિસ્થિતિને પાર કરવાની છે. પરંતુ ટીવી ઉપર પિક્ચર કે સિરિયલ જોતી વખતે તેનો પ્રભાવ આપણા મન પર પડે છે. જો આપણે વારંવાર આ પ્રકારે આવા દ્રશ્યના પ્રભાવમાં આવી જઈશું તો આપણી માન્યતા એવી બનતી જશે કે, પરિસ્થિતિઓ જ મારા વિચારને ઉત્પન્ન કરે છે. આને આપણે મીડિયાનો પ્રભાવ પણ કહી શકીએ. અને આપણે હવે એમ કહીએ છીએ કે આજકાલ બાળકો ઉપર મીડિયાનો પ્રભાવ કેટલો બધો છે!
મીડિયાનો પ્રભાવ શું છે? ટીવી સિરિયલ કે પિક્ચર જોવાનો પ્રભાવ આપણા ઉપર એટલો બધો પડે છે કે આપણે નવું નવું વિચારવાની શક્તિ ખલાસ થઈ જાય છે. જેમ કે, આપણું વિચારવાનું કામ પણ ટીવી સિરિયલ કે પિક્ચર જ કરે છે. તે આપણા મનની શક્તિને પોતાના કંટ્રોલમાં કરે છે, પરિણામે આપણે કહીએ છીએ કે પિક્ચર બહુ સારું છે. આપણે ભલે ટીવી સીરીયલ કે પિક્ચર જોઈએ પરંતુ સાથે-સાથે તે જાગૃતિ પણ રાખીએ કે તે જોવાનો પ્રભાવ આપણા વિચારો પર ના પડે. આપણા વિચારો તેના આધારિત ન થઈ જાય.
આપણે કોઈ વિશેષ સીરીયલ જોઈ રહ્યા છીએ જેમાં હિંસાનું દ્રશ્ય બતાવ્યું છે. હવે તે દ્રશ્ય દ્વારા આપણા મનની અંદર જે સૂચના ગઈ તે મુજબ આપણું મન વિચાર કરવા લાગે છે. રોજ-રોજ આવા દ્રશ્ય જોઈને આપણી અંદર હિંસા-નફરતના સંસ્કારો આવવા લાગશે. પછી તે આપણા વ્યક્તિત્વનો ભાગ બની આપણા વ્યવહાર દ્વારા તે દેખાય છે. તો આ છે મીડિયાના પ્રભાવની અસર.
જ્યારે આપણને સમજણ પડે છે કે મીડિયા આપણી વિચારવાની શક્તિ ઉપર કેટલો ઊંડો પ્રભાવ પાડી રહેલ છે ત્યારે આપણી જવાબદારી બની જાય છે કે કેવા પ્રકારનો કાર્યક્રમ આપણે જોઈએ? વર્તમાન સમયે ટીવીનો પ્રભાવ દરેક વ્યક્તિના મન ઉપર દેખાઈ રહ્યો છે. હિંસા કે ભયના સમાચાર બધાના મનમાં તેવા જ પ્રકારના સંકલ્પ પેદા કરે છે. હવે આપણે પાછા ટીવી પરના આપણા કાર્યક્રમ ઉપર આવીએ. કે લોકો શા માટે Awakening with Brahma kumaris ચેનલ જુએ છે? કારણ કે, અહીં મનની વાત કરી છે. આવી આધ્યાત્મિક ચેનલો દ્વારા આધ્યાત્મિક ઈશ્વરીય જ્ઞાન તથા રાજયોગ મેડીટેશન અંગે પ્રેક્ટિકલ જીવનના અનુભવો સાથેના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. આપણે ઘણીવાર એવો અનુભવ કરીએ છીએ કોઈ કામ ગુસ્સા કે આવેશ વગર પણ થઈ શકે તેમ હોવા છતાં ટીવી સીરીયલોના પ્રભાવના કારણે આપણી એક આવી માન્યતા થઇ ગઈ હોય છે કે ગુસ્સા અને આવેશથી જ બધું કામ થાય.
ટીવી સિરિયલોની બાળકોના મન પર ગહેરી છાપ પડે છે. જ્યારે આપણે ટીવી સિરિયલ જોઈએ છીએ ત્યારે ઘરના અન્ય સભ્યો તથા બાળકો પણ તે જોવા બેસી જાય છે. આપણે પોતે ટીવી સિરિયલો જોવાની ટેવ છોડી શકતા નથી અને પછી બાળકોને કહીએ છીએ કે ટીવી બહુ ના જોવું જોઈએ. વધુ પડતું ટીવી જોવાથી આંખો બગડે છે, મનની એકાગ્રતા ભંગ થાય છે તથા સમયનો બગાડ થાય છે. જો આપણે બાળકોને વધુ પડતુ ટીવી જોવાથી રોકવા ઈચ્છતા હોઈએ તો સૌપ્રથમ આપણે પોતે વધારે પડતું ટીવી જોવાની ટેવ છોડવી જોઈએ.
આપણે બાળકોને ટીવી ઓછું જોવાનું કહીએ છીએ કારણકે આપણને એમ લાગે છે કે ટીવી જોવાથી આંખોની દ્રષ્ટિ નબળી બને છે. પરંતુ ઘણા થોડા લોકોએ સમજે છે કે ટીવી જોવાથી તેનો પ્રભાવ આપણા મન ઉપર કેટલો પડે છે? ધારો કે વિદ્યાર્થી એક- બે કલાક ટીવી જોયું તો તેની અસર વિદ્યાર્થીના મન ઉપર ઘણા લાંબા સમય સુધી રહે છે. ત્યારબાદ જો તે ભણવા બેસે છે તો મન એકાગ્ર થવામાં ઘણો લાંબો સમય લાગે છે કારણ કે મનમાં ટીવીમાં જોયલા દ્રશ્યોના જ વિચારો ચાલતા હોય છે.
વધુ આવતા લેખમાં.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)