બી. કે. શિવાની: ગૃહસ્થને આશ્રમ કયા સુધી કહેવાય?

ગૃહસ્થને આશ્રમ ત્યાં સુધી જ કહેવાય જ્યાં સુધી તે મનુષ્યને દૈવી ગુણો બનાવી સમાજ ઉત્થાનના કાર્ય માટે લાયક બનાવે. મનુ મહારાજે મનુષ્યની સરેરાશ ઉંમર 100 વર્ષ ગણીને 25-25 વર્ષની ઉંમરના ચાર આશ્રમ બનાવી દીધા પહેલા 25 વર્ષ અખંડ બ્રહ્મચર્ય (મનમાં પણ વિકારનો વિચારના આવે, દ્રષ્ટિ પણ વિકારી ન બને અને વિકારી કર્મ પણ ન બને) નું પાલન કરતા-કરતા વિદ્યા અભ્યાસ, રમતગમત, શરીર-નિર્માણ વિગેરે માટે નિશ્ચિત કરવામાં આવેલ. પછીના 25 વર્ષ લગ્ન, નોકરી-ધંધો, મનોરંજન માટે નકકી કરીને ગૃહસ્થાશ્રમ નિર્ધારીત કરવામાં આવ્યો. આમ કામવાસનાને જીવનના આ 1/4 ભાગ સુધી મર્યાદિત કરવામાં આવ્યો.

જીવનનો બાકીનો ભાગ વાનપ્રસ્થ અને સંન્યાસના રૂપમાં બધા લોકોના કલ્યાણ માટે તથા આત્મિક ઉન્નતિ માટે નક્કી કરવામાં આવ્યો. આ પ્રકારે જીવનનો 3/4 ભાગ બ્રહ્મચર્ય માટે આરક્ષિત કરવામાં આવ્યો. ભલે વિકારોની છૂટ રહી પરંતુ ભારતમાં 365 દિવસોમાં 366 ઉત્સવ, વ્રત, તીર્થ વિગેરે આવવાના કારણે વિકાર મર્યાદામાં રહ્યા. તે સમયે મનુષ્યોની સંખ્યા વધુ ન હતી પરિણામે બાળકના જન્મ પર અંકુશ ન હતો, પરંતુ વિકારો પર અંકુશ રહ્યો. આ પ્રકારે મનુ મહારાજની આશ્રમ વ્યવસ્થામાં જીવનના ચોથા ભાગમાં અનેક મર્યાદાઓ સાથે કામ-ભોગની છૂટ આપવામાં આવી હતી.

જે વસ્તુનો જે મૂળ ગુણ હોય છે તેને ધર્મ કહેવાય છે જેવી રીતે આંખનો ધર્મ છે – જોવું. પરંતુ જો જોવામાં કામ, ક્રોધ, કપટ યુક્ત ભાવનાઓ હોય તો આંખ દ્વારા કરવામાં આવેલ કર્મ અધર્મ કહેવાશે. તેવી જ રીતે ગૃહસ્થને ધર્મ ત્યાં સુધીજ કહેવાય કે જ્યાં સુધી તે મનુષ્યને દૈવી ગુણો વાળો બનાવી સમાજ ઉત્થાન માટે લાયક બનાવે. પરંતુ જ્યારે ગૃહસ્થ જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વિગેરે એ પ્રવેશ કર્યો અર્થાત તેણે પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો. અને ગૃહસ્થ ધર્મ ન રહેતા અધર્મ બની ગયો. પત્ની પણ ધર્મપત્ની ન રહેતા વિષય વાસનાને પૂરી કરનાર આધાર માત્ર બની ગઈ. આજના સમાજમાં જ્યારે કોઈ બીજાના બાળકને ગોદ લે છે તો તેને ધર્મનો બાળક કહેવાય છે. જેનો અર્થ છે કે તે બાળક વિકારો વિના પ્રાપ્ત થયેલ છે.

કળિયુગમાં તમો પ્રધાનતા ખૂબ વધી જવાના કારણે વિકારોનું પૂર એટલું ઝડપથી આવ્યું કે મનુ મહારાજે નિર્ધારિત કરેલ આશ્રમ વ્યવસ્થાના બધા નિયમો તૂટી ગયા. મનુષ્ય પશુ સમાન બની ગયો. ગૃહસ્થ જીવન કામ ભોગની છૂટનો ખુલ્લો અડ્ડો બની ગયો. દરેક મનુષ્ય આ કામની આગમાં સળગતો દેખાવા લાગ્યો. જેને આ આગ જોરથી લાગે કરે છે તે પોતાની ઉંમર તથા શરીરની પ્રકૃતિ ને ભૂલી જાય છે. એક તરફ 12 થી 15 વર્ષના બાળકો આ કામવાસનાનો ભોગ બને છે તો બીજી તરફ પુત્રો તથા પૌત્રો થી ભરેલ પરિવાર વાળા 70 વર્ષના વિધુર પોતાની પુત્રીની ઉંમરની છોકરીને પત્ની બનાવીને ઘરમાં લઈ આવે છે. આ બધું જોઇને પ્રશ્ન ઉઠે છે કે ક્યાં ગયો વાનપ્રસ્થ આશ્રમ! ક્યાં ગયો બ્રહ્મચર્યાશ્રમ! ક્યાં ગયો સન્યાસ! તમામ બંધનોને તોડીને કામવાસનાનું જહેર સમાજમાં ફેલાઈ ગયું છે. કોઈ-કોઈ ભગવા વસ્ત્રધારી સન્યાસી પણ પોતાની શિષ્યાઓના માધ્યમથી ગૃહસ્થ વિષને ભોગવવામાં લાગ્યા રહે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)