મનમાં શ્રેષ્ઠ સર્જન

આપણામાં નવું નવું સર્જન કરવાની શક્તિની હોય છે. પણ જો આપણે મનથી દુઃખી રહીએ તો આપણે કમજોર થઇ જઈએ છીએ. તેવા સમયે માત્ર બોલીને ગુસ્સો કરીએ છીએ. તે સમયે વિચારો દ્વારા દુઃખી-અશાંત આત્માઓને શક્તિ આપી શકતા નથી. આપણે અહી એ યાદ રાખવું જોઈએ કે, જ્યારે કોઈ પણ દુર્ઘટનાના સમાચાર જોઈએ કે સાંભળીએ છીએ ત્યારે સાક્ષીભાવથી તે જોઈએ અને પોતાને પ્રશ્ન પૂછીએ કે આ સમયે મારી જવાબદારી કઈ કઈ છે?

બ્રહ્માકુમારીઝ સંસ્થામાં રાજયોગી ભાઈ-બહેનો સંગઠનમાં મેડીટેશન કરે છે. તે માત્ર કોઈ દુર્ઘટના બને ત્યારે નહીં પરંતુ દર મહિનાના ત્રીજા રવિવારે સાંજે 6-30 થી 7-30 સુધી બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્ર પર જઇને મેડીટેશન દ્વારા વિશ્વમાં શાંતિના કિરણો ફેલાવે છે. તે સિવાય પણ દરરોજ સવારે તથા સાંજે બધા સમુહમાં મેડીટેશન કરે છે. સવારનું મેડીટેશન પોતાની આત્માને શક્તિશાળી તથા સતોપ્રધાન સંસ્કારવાળી બનાવવા માટે કરવામાં આવે છે અને સાંજે 6-30 થી 7-30 વાગે મેડીટેશન સમ્રગ વિશ્વમાં સુખ, શાંતિ, પ્રેમ, શક્તિના તરંગો ફેલાવવા માટે કરવામાં આવે છે.

સવારે મેડીટેશન કરી પોતાની અંદર શક્તિ ભેગી કરી સાંજે મેડીટેશન કરી તે શક્તિને વિશ્વમાં મોકલી દો. જ્યારે હું પોતે પહેલીવાર બ્રહ્માકુમારીઝમાં ગઈ તો મને વિચાર આવ્યો કે આ કેવી રીતે થતું હશે? આપણે એક જગ્યાએ બેઠા છીએ અને જમા કરેલ શક્તિ વિશ્વમાં કેવી રીતે ફેલાય? મને મનમાં એક પ્રશ્ન હતો કે, આનાથી શું ફાયદો થાય? આપણે એક જગ્યાએ બેઠા છીએ, અને બીજા કોઈ બીજા દેશમાં છે, તેઓ દુઃખ-દર્દમાં છે. આ એક એવી બાબત છે કે જેનું તાત્કાલિક વ્યાવહારીક પ્રમાણ મળતું નથી. શાંતિની શક્તિનું દાન કરો. આપણે કોઈ પ્રસંગે ધન દાન, અન્નદાન કે કપડાંનું દાન કરીએ છીએ ત્યારે તે પ્રત્યક્ષ રીતે બધાને દેખાય છે. હું તમને જે આપી રહી છું તે હું જોઈ રહી છું. જેનાથી તમારી જરૂરિયાત પૂરી થાય છે. તમને જે મળ્યું તેની તમને જરૂર હતી જ.

મે તમને જે શાંતિનું દાન કર્યું તે શાંતિનું દાન તમારા સુધી પહોચ્યું કે નહિ તેની આપણને ક્યારેય ખબર પડતી નથી. આપણને તેના પ્રભાવની ખબર પણ નહીં પડે કે તે કોના સુધી પહોંચ્યું અને તેની અસર તેમના ઉપર કેવી પડી? પરંતુ હવે જ્યારે આપણને એ વાતનો ખ્યાલ આવી ગયો કે સંકલ્પ એક શક્તિ છે. આપણે જે એક-એક સંકલ્પ ઉત્પન્ન કરીએ છીએ તેના તરંગો વાતાવરણમાં ફેલાય છે. જેનો સૌ પહેલા મને પોતાને અનુભવ થાય છે પછી જ મારી આજુ-બાજુ વાળાને અનુભવાય છે કે તે મળે છે. આ તરંગો વાતાવરણ દ્વારા પરિવર્તિત થઈને જેમના માટે સંકલ્પ કર્યો હશે તેમના સુધી તે પહોંચે છે.

આપણે જયારે મેડીટેશન કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીને સંકલ્પો કરીએ છીએ. આજે સૌ કોઈ ઈચ્છે છે કે દુનિયામાં શાંતિ હોવી જોઈએ. પરંતુ શાંતિ સ્થપાશે કઈ રીતે! જ્યારે આપણે બધા એક-એક વ્યક્તિ શાંત રહેશે, ત્યારે સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ચારેબાજુ ફેલાશે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત થઈ જશે. આપણે પોતે અશાંત હોઈએ અને એમ કહીએ કે દુનિયામાં શાંતિ હોવી જોઈએ, તો તે શક્ય જ નહીં બને. આજે દુનિયામાં દરેક વ્યક્તિના મનની સ્થિતિ જેવી છે તેવી જ દુનિયાની સ્થિતિ છે.

આપણે કહીએ છીએ કે જો દુનિયામાં શાંતિ હશે તો હું શાંત રહીશ પરંતુ આપણે એ નથી સમજતા કે જો “હું શાંત રહીશ” એવો સંકલ્પ દરેક કરે તો દુનિયામાં શાંતિ આવી જશે. સૌથી પહેલા દરેક વ્યક્તિ પોતે શાંતિનો અનુભવ કરશે. ત્યારબાદ પોતાના પરિવારમાં શાંતિનો અનુભવ થશે અને પછી પોતે જે જગ્યાએ કામ કરે છે ત્યાં બધા શાંતિનો અનુભવ કરશે. અમે સૌ દરરોજ સાંજે 6-30 થી 7-30 વાગે વિશ્વમાં શાંતિ, પ્રેમ અને શક્તિના તરંગો મોકલીએ છીએ. વિશેષરૂપે દર મહિનાના ત્રીજા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગના રૂપમાં વિશેષ લક્ષ્ય સાથે બધા રાજયોગી ભાઈ-બહેનો સેવાકેન્દ્ર પર સાંજે 6-30 થી 7-30 વાગ્યા સુધી ભેગા થઇ સામૂહિક રૂપે આ વિશ્વ સેવાનું માનવતાનું કાર્ય કરે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)