જેવી માન્યતા તેવા સંકલ્પ

આપણે જીવનમાં જે માન્યતાઓ સાથે ચાલી રહ્યા છીએ તે માન્યતાઓ પર મારા વિચારો આધાર રાખે છે. કારણ કે જીવન જીવવાની પદ્ધતિ મારી માન્યતા ઉપર જ આધારિત છે. આપને એવી આશા રાખીએ કે જે માન્યતાઓને કારણે આપણે દુઃખી જીવન જીવી રહ્યા હતા તેને મારા વિચારો દ્વારા બદલાશે. એક સામાન્ય માન્યતા લઈએ કે-‘આજના સમયમાં ચિંતા થવી એ એક સ્વાભાવિક છે, માનસિક અશાંતિ હોવી પણ સ્વાભાવિક છે.’ આ પ્રકારની માન્યતાના કારણે દિવસ દરમિયાન હું ચિંતા અને તણાવનો અનુભવ કરું છું. અને તેને હું સહજતાથી સ્વીકારી લઉં છું કે, આ કાંઈ ખોટું નથી, આ તો સ્વાભાવિક જ છે. જેથી હું નાની-નાની બાબતોમાં તણાવમાં આવી જાવું છું. ઉદાહરણ રૂપે, જો હું ધુમ્રપાન કરું છું, તો તે સમયે હું એવું નહિ વિચારું કે ધુમ્રપાન મારા માટે યોગ્ય નથી. પરંતુ જે લોકો ધુમ્રપાન નથી કરતા તેઓની એ માન્યતા હોય છે કે ધુમ્રપાન કરવું એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

તેવી જ રીતે હું એક માન્યતા બનાવું છું કે ‘શાંતિ તો સ્વાભાવિક છે.’ જે શાંતિ દ્વારા હું જીવનમાં સુખની અનુભૂતિ કરીશ. અત્યારે તો આપણે શાંતિ અને ખુશી બહાર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ વાસ્તવિકતા એ છે કે શાંતિ અને ખુશી આપણી પોતાની અંદર જ છે. જે ફક્ત મારા વિચારો ઉપર જ આધારિત છે. આમ જે પ્રકારની મારી માન્યતા હશે તે જ પ્રકારે મારા વિચારો ચાલશે.

તો એક દિવસ આપણે સાથે પ્રયોગ કરીએ કે “શાંતિ સ્વાભાવિક છે, ગુસ્સો સ્વાભાવિક નથી”. આજનો દિવસ આપણે ગુસ્સા ઉપર મનન-ચિંતન નહીં કરીએ પણ એમ વિચારીશું કે “શાંતિ સ્વાભાવિક છે, શાંતિ મારો સ્વભાવ છે. ખુશી સ્વાભાવિક છે, ખુશ રહેવું મારો સ્વભાવ છે.” એક દિવસમાં કોઈ જાદુ નહીં થાય પરંતુ ધીરે-ધીરે આ પ્રકારની માન્યતા અનુસાર આપણા વિચારો મનમાં શરૂ થશે. જો કોઈ કારણસર મને ગુસ્સો આવ્યો તો તરત હું એમ વિચારીશ કે “ગુસ્સો કરવો સ્વાભાવિક નથી, હું શાંત સ્વરૂપ આત્મા છું, શાંતિ મારો સ્વધર્મ છે.” અત્યાર સુધી આપણે એમ વિચારતા હતા કે ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરિણામે આપણે શાંત રહેવા માટે વિચાર નથી કરતા. હવે આપણે એ રીતે વિચારીશું કે ભલે મને ગુસ્સો આવ્યો પરંતુ આ સ્થિતિમાં હું ગુસ્સો કર્યા વગર શાંત રહીને પણ મારું કામ કરી શકત. આમ ધીરે-ધીરે મારી વિચારવાની પદ્ધતિ બદલાઈ જશે અને શાંતિ મારા વ્યવહારમાં આવતી આવશે.

માન્યતા (ધારણા) એક પાકો સંકલ્પ છે જેના આધારે આપણા વિચારો ચાલે છે. માટે આપણા જીવનમાં સુખ અને શાંતિની અનુભૂતિ માટે મૂળ સંકલ્પની અગત્યતા ખૂબ વધી જાય છે. હવે આપણે એ માન્યતા કે સંકલ્પ સાથે ચાલીશું કે ગુસ્સો કરવો એ આપણી તંદુરસ્તી માટે સારું નથી. ગુસ્સા વગર પણ આપણા તમામ કામ થઈ શકે છે. આ પ્રકારના વિચારવાળી વ્યક્તિને જ્યારે પણ ગુસ્સો આવશે ત્યારે તરત પોતાની જાતને ચકાશશે તથા સંકલ્પોને સકારાત્મક બનાવશે, ધીરે-ધીરે શાંત પ્રકૃતિ તેની ઓળખાણ બની જશે. ગુસ્સો કર્યા વગર બધા સાથે સ્નેહ-પ્રેમથી કાર્ય વ્યવહાર કરશે.

આપણી માન્યતા (ધારણા) અનુસાર વિચારો પેદા થાય છે અને વિચારો આપણું ભાગ્ય બનાવે છે. અત્યાર સુધી આપણે એમ વિચારતા હતા કે સાધનો દ્વારા ખુશી મળશે. હવે આપણને સમજણ પડી ગઈ છે કે ખુશી મારી પોતાની રચના છે. હવે જો મારી પાસે બીજાની સરખામણીમાં સારો મોબાઈલ નહીં હોય તો પણ હું હવે દુઃખી નહીં થઉં. હું સમજીશ કે સાધન ઉપયોગ કરવા માટે છે. મોબાઈલ મેં એટલા માટે ખરીદ્યો હતો કે મને ખુશી મળે. હવે આપણે નવી માન્યતા અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. સાધન ઉપયોગ કરવા માટે છે. સાધન સુખ આપે છે, પરંતુ ખુશી આપી શકતું નથી.

આપણે ટેલિવિઝન જોઈએ છીએ કે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ છીએ કે નોકરીમાંથી રજા લઈને બહાર ફરવા જવાનો વિચાર કરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આમ કરવાથી મને રોજબરોજની જિંદગીથી અલગ એક નવો અનુભવ થશે અને ખુશી મળશે. હવે આપણે સમજવું પડશે કે ટી.વી જોવું, પિક્ચર જોવા જેવું કે બહાર ફરવા જેવું કંઈ ખરાબ વસ્તુ નથી પરંતુ તેમ કરવાથી મને ખુશી મળશે તે માન્યતા આપણે ચેક કરવી પડશે. આપણા રોજ-બરોજના કાર્યથી અલગ થવાથી ખુશી મળશે એ માન્યતા ખોટી છે. વાસ્તવમાં ખુશી મેળવવા માટે કોઈ અલગ કામ કરવાની જરૂર નથી. પરંતુ જે પણ કામ કરીએ ખુશી-ખુશીથી કરવું જોઈએ. આ પ્રકારની માન્યતા બનાવવાથી આપણે દરરોજ જે પણ કામ કરીએ છીએ તે કામ દ્વારા જ ખુશીનો અનુભવ કરતા રહીશું. પરિણામે ખુશી મેળવવા માટે કોઈ અલગ પ્રવૃત્તિ કરવાની જરૂર ઉભી નહીં થાય.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)