જેવું કર્મ તેવું ફળ

કેટલી સુંદર વાત છે કે હું કંઈક કરીશ તો તેનું સારું કે ખોટું ફળ મને તો મળશે જ. જ્યારે આપણે અન્ય લોકો માટે કંઇક કરીએ છીએ ત્યારે તેનું ફળ પહેલા પોતાને જ મળે છે. એવું બની શકે કે તેનાથી મને કોઈ સ્થૂળ પ્રાપ્તિ ન થાય પરંતુ શાંતિ, ખુશી અને સંતુષ્ટિ સૌ પહેલા મળે ત્યાર બાદ મારા થકી બીજા સુધી પહોંચે છે. જ્યારે આપણે નિ:સ્વાર્થ ભાવે કોઈને કંઈક આપીએ છીએ ત્યારે આપણને અલૌકિક ખુશીનો અનુભવ થાય છે. જેમ કોઈને ભેટ-સોગાત કોઈની પાસેથી લેવા કરતાં બીજાને આપવામાં વધુ ખુશી થાય છે. જ્યારે આપણે કોઈને કોઈ ભેટ આપવી હોય છે તો કેમ બજારમાં જઈએ છીએ? વસ્તુ પસંદ કરી ખરીદીએ છીએ કે આમ કરવાથી મને ખુશી થશે. દરેક સ્થિતિમાં આપણે કયો વિચાર કરવાનો છે તે આપણે પસંદ કરવાનું છે.

મેડિટેશનમાં આપણે એ અનુભવ કરીએ કે હું શાંતિના તરંગો ઉત્પન્ન કરી તે તરંગોને આખા વિશ્વમાં મોકલું છું. આ સમયે આપણે બીજી વ્યક્તિઓ વિશે નથી વિચારવાનું, પરંતુ શાંતિના તરંગો ઉત્પન્ન કરી તેનો પોતે અનુભવ કરી, વિશ્વમાં તે પ્રસરાવવાના છે. આ સમયે એવું ના વિચારીએ કે આ તરંગો તો ક્યાં સુધી પહોંચશે? કોને-કોને તેનો અનુભવ થશે? પણ આપને એમ વિચારીએ કે, આ શુદ્ધ અનુભૂતિ અને પ્રેરણા વિશ્વની તમામ આત્માઓ સુધી જરૂર પહોંચશે. આપણે ફક્ત નિશ્ચિંત બની આરામથી બેસીને વિશ્વની આત્માઓ માટે સેવાનું આ કાર્ય ચાલુ રાખીએ.

 

આપણે ખુશી મેળવવા માટે બધા જ પ્રયત્નો કરીએ છીએ કે ખુશી કેવી રીતે આવે? આનો એક નાનકડો જવાબ છે કે, ખુશી આપણે પોતે જ લાવી શકીએ છીએ. સ્થિતિ ભલે કેવી પણ હોય, બીજા લોકો ભલે કંઈ પણ કહી રહ્યા હોય છતાં પણ આપણે આપણી અંદર ખુશી અને આંનદ પેદા કરી શકીએ છીએ. જો આ બાબત આટલી સરળ છે તો અત્યાર સુધી આપણે તેવું કેમ નથી કરી શકતા! આ માટે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જે આપણે વિગતવાર સમજવા પ્રયત્ન કરીશું.

આપણે અગાઉ જોયું તે પ્રમાણે દરેક વ્યક્તિ ખુશી મેળવવા કઈક કરે છે. ખુશી તો આપણી પોતાની જ રચના છે. એક વાત એ છે ખુશ રહેવું, અને બીજું એ છે કે ખુશી મેળવવા માટે કંઈક પ્રયત્ન કરવો. આપણે ખુશીની અનુભૂતિ અંદરથી કરતાં નથી જેથી ખુશીઓંને બહાર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે એવી માન્યતા રાખી લીધી છે કે આમ થશે તો હું ખુશ થઈ જઈશ. જ્યારે આપણે વિદ્યાર્થી જીવનમાં હોઈએ છીએ ત્યારે એવું કહીએ છીએ કે જ્યારે મારો સ્કૂલનો અભ્યાસ પૂરો થઈ જશે, પછી હું કોલેજમાં જઈશ. ત્યારબાદ મને નોકરી મળશે ત્યારે હું ખુશ થઈશ. આમ જ્યારે આપણે એમ કહ્યું કે જ્યારે આવું થશે ત્યારે હું ખુશ થઈશ. એનો અર્થ એ છે કે અત્યારે હું ખુશ નથી. જ્યારે આપણને નોકરી મળી જાય છે ત્યારે એવું વિચારીએ છીએ કે જ્યારે મને જીવનસાથી મળી જશે ત્યારે હું ખુશ થઈશ. પછી જીવનસાથી મળ્યા બાદ આપણે વિચારીએ છીએ કે જ્યારે મારા ઘરે એક બાળક આવશે ત્યારે હું ખુશ થઈશ. આમ જીવનમાં દરેક તબક્કે આપણી ખુશી ભવિષ્ય ઉપર આધારિત બનતી ગઈ. તો પછી જીવનમાં ખુશીનો અનુભવ ક્યારે કરીશું?

મેં વિચાર્યું કે એક એવી સ્થિતિ આવશે ત્યારે મને ખુશી મળશે. હવે જ્યારે એવું નથી બનતું ત્યારે આપણે જીવનમાં પાછળ જોવાનું શરૂ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે પહેલાના દિવસો કેવા સારા હતા! આમ આપણે વર્તમાનમાં છીએ અને ખુશીને ભવિષ્યમાં અથવા તો ભૂતકાળમાં જે બની ગયું છે તેમાં શોધીએ છીએ. જ્યારે આપણી ખુશી કોઈ ચીજ કે બીજાના વ્યવહાર ઉપર આધાર રાખે છે તો આપણે હંમેશા ખુશ નહીં રહી શકીએ. ભય-ડર અને ખુશી બંને એક સાથે રહી શકતા નથી. જો આપણે ભયમાં છીએ તો આપણે ખુશ નહિ રહી શકીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]