સાક્ષી બનો નિર્ણાયક નહીં

જ્યારે આપણે આપણી અંદર ખુશીને જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે તે કયારેક વધારે કયારેક ઓછી છે. શું આપણે આપણી આંતરિક ખુશીને સ્થિર બનાવી શકીએ છીએ? જેમ-જેમ આપણે ખુશીને આપણામાં સમાવવાનો પ્રયત્ન કરતા જઈશું તેમ-તેમ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું. આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે એવી કઈ  બીજી વાતો છે કે, જેના કારણે હું હંમેશા ખુશ રહી શકતી નથી. તેના માટે મારે સાક્ષીભાવથી મારું પરીક્ષણ કરવું એ સૌથી મોટી વાત છે.

આપણે એક અભ્યાસ એવો કરીએ, જેમ આપણે કોઈ પિક્ચર કે નાટક જોવા જોઈએ છીએ ત્યારે પ્રેક્ષકોની સાથે તેમની વચ્ચે બેસીને સ્ટેજ ઉપર શું થઇ રહ્યું છે તે જોઈએ છીએ. તેવી જ રીતે જીવનની યાત્રામાં પણ વચ્ચે-વચ્ચે પ્રેક્ષક બનીને પણ પોતાને જોતા જાવ. આપણે એક એક્ટર પણ છીએ પરંતુ એક્ટરની સાથે સાથે આપણે શું બનાવવાનું છે? એકટરની સાથે પ્રેક્ષક પણ બનાવવાનું છે. પ્રેક્ષક બનવાથી આપણે સાક્ષીભાવથી પોતાનો તથા બીજા એક્ટર્સનો પાર્ટ પણ જોઈ શકીએ છીએ. આપણે બધાનો પાર્ટ અલગ રહીને જોઈએ, નિર્ણાયક બનીને નહીં. સાક્ષી બનીને બધાનો પાર્ટ જોવાથી આપણું મન સ્થિર થઈ જશે, મનની હલચલ સમાપ્ત થઈ જશે અને આપણો પાર્ટ રચનાત્મકતા રહેશે કારણ કે આપણું મન સ્થિર તથા મજબૂત છે.

અશાંત મનવાળી વ્યક્તિ ક્યારેય પણ રચનાત્મક બની શકતી નથી કારણ કે તેનામાં તે સ્થિરતાની શક્તિ જ હોતી નથી. ધારો કે અત્યારે હું બહુ સારા મૂડમાં છું, પરંતુ જો કોઈએ કશુંક કહ્યું કે જેનાથી મારું મન અશાંત થઈ ગયું. આવા સમયે આપણે આવી બાબતોને સ્વાભાવિક માનીએ છીએ. તેઓ આવું બોલે એટલે મને ખરાબ તો લાગશે જ. આનો અર્થ એ થયો કે મારી અંદર મને પોતાને સમજવાની શક્તિ નથી, કે હું મારા જીવનના રોલને નિભાવી શકુ. મારો પાર્ટ તમારા વ્યવહાર ઉપર આધારિત થઈ ગયો. બીજાના વ્યવહાર ઉપર આપણે એટલા બધા આધારીત થઈ ગયા છીએ કે આપણે દિવસ દરમિયાન આપણે પોતાના ચિંતન પ્રમાણે ઉંચો પાર્ટ ભજવવાનું ભૂલી જઈએ છીએ અને બીજાના પાર્ટ ઉપર પોતે નિર્ણાયક બની જઈએ છીએ.

આજે આખા દિવસ દરમિયાન આપણે એવો પ્રયત્ન કરીએ કે હું સાક્ષીભાવથી દરેકનો પાર્ટ જોઈશ. જો આખો દિવસ આ પ્રમાણે સાક્ષી બનવું શક્ય ન લાગે તો કમ સે કમ એક કલાક માટે આ પ્રયોગ કરીને કેવો અનુભવ રહ્યો તે જોવું જોઈએ. એક કલાક દરમ્યાન આપણે એવું વિચારીએ કે,જે છે તે બરાબર છે, દરેક વ્યક્તિ એક્યુરેટ પોતાનો પાર્ટ ભજવી રહેલ છે. હવે એક કલાક પછી આપણને એ ખ્યાલ આવશે કે મારી ઘણી બધી શક્તિ જે વ્યર્થ જઈ રહી હતી તે હવે બચી ગઈ. જો આપણે નિર્ણાયક બની જઈએ છીએ તો બીજાની નબળાઈઓ પર વધારે ધ્યાન આપીએ છીએ પરિણામે આપણા વિચાર સકારાત્મક રહી શકતા નથી. દરેકની નબળાઈઓ જોતા-જોતા મારા મનની સ્થિતિ કેવી બની જશે?

આપણે વ્યવહારમાં સાક્ષીભાવનો અભ્યાસ કરવો જોઈએ, તેનાથી કેટલો ફાયદો થાય છે?  જેનાથી આપણામાં કેટલી શક્તિ જમા થાય છે, તે અંગે વિચારવું જોઈએ. જ્યારે હું બીજાને જોવાનું બંધ કરીશ ત્યારે હું પોતાને જોવાનું શરૂ કરું છું કે, મારા મનમાં શું ચાલી રહ્યું છે. એક સમયે ધ્યાન એક જ વાત પર એકાગ્ર થઈ શકે છે. જે વખતે તમે બીજા માટે વિચારો છો ત્યારે તમારા મનમાં બીજી કોઈ વાત આવશે નહિ. જ્યારે આપણે બીજા વિશે ઘણું બધું વિચારીએ છીએ ત્યારે આપણું ધ્યાન પોતાના તરફ જતું. થોડા સમય માટે મનને બીજા કામોથી દૂર કરીને જોવાનું શરૂ કરીએ.

એક કલાક આપણે સહજતાથી કામ કરતા રહીએ પણ એ ધ્યાન રાખીએ કે મારા મનમાં કેવા વિચારો ચાલે છે? જો આપણા મનમાં એમ વિચાર થાય કે આ વ્યક્તિએ આવું કરવું જોઈતું નહતું. જયારે આવા પ્રકારનો વિચાર આવે ત્યારે પોતાને એમ કહીએ કે મારે એક કલાક સુધી આવા કોઈ પ્રકારના વિચાર કરવાના નથી. આપણે જોવું જોઈએ કે આ પ્રકારના સકારાત્મક દૃષ્ટિકોણ દ્વારા મને કેટલો ફાયદો થયો? જેનાથી મારી અંદર કેટલી શક્તિ જમા થઈ છે!

હવે મેં અન્ય લોકો માટે વિચારવાનું બંધ કરી અને પોતાને જોવાનું શરૂ કર્યું કે મારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે? એક સમયે આપણું ધ્યાન એક જ વિચારની તરફ રહે છે. થોડા સમય માટે આપણે આપના મનને અન્ય તમામ બાબતોથી દુર કરવાનું શરૂ કરીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)