સકારાત્મકતાનો આધાર દ્રષ્ટિકોણ

આપણે આપણા મનની સ્થિતિ એવી બનાવીએ કે લોકો માટે નિર્ણાયક બનીએ નહિ. દિવસ દરમિયાન આપણે સહજતાથી કાર્ય-વ્યવહારમાં આવીએ અને બીજું કશું ન વિચારીએ. આપણે ફક્ત આપણા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે તેના ઉપર ધ્યાન આપીએ. જો બીજા વિચારો મનમાં આવવાના શરૂં થાય તો તરત જ મનને કહો કે મારે આજે આવા કોઈ પણ વિચારો કરવાના જ નથી. જયારે કોઈ વ્યક્તિની યાદ આવે તો ત્યારે એવું વિચારીએ કે તેઓ જેવા છે તેવા સારા છે, આપણે તેમને જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં સ્વીકાર કરી લઈએ.

સકારાત્મકતા અને નકારાત્મકતાનો આધાર આપણા દ્રષ્ટિકોણ ઉપર છે. જે બાબત મને સારી લાગે છે તેને હું સકારાત્મક ગણીશ અને જે સારી લાગતી નથી તેને નકારાત્મક ગણીશ. મને સમયસર પહોંચવું સારું લાગે છે, તેથી જે લોકો મોડા આવે છે તેઓને હું નકારાત્મક ગણીશ. પણ જે લોકો મોડા આવે છે તેમના માટે તે સમસ્યા નથી, અને તેઓ આ બાબતને હળવાશથી લે છે.

સમાજમાં મર્યાદાઓ કોણ બનાવી રહ્યું છે?  જો આપણે પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિને જોઈએ તો આપણને વિચારોમાં પણ અંતર જોવામાં આવશે. વિદેશોમાં વાહન વ્યવહાર સરળતાથી ચાલે છે. લોકો રસ્તો ક્રોસ કરવા માટે ઉભા હોય તો ગાડી રોકાઈ જાય. અને આપણે અહીં જો ગાડી રોકાઈ જાય તો આપણને એમ થાય કે આપણે કંઈ ખોટું તો કર્યું નથી ને? પણ વિદેશોમાં ગાડી એટલા માટે રોકાઈ જાય છે કે આપણે રસ્તો ક્રોસ કરી શકીએ.

દરેક સમાજ સંસ્કૃતિનું નિર્માણ પોતે જ કરે છે. આપણે કહીશું કે પશ્ચિમના દેશોમાં આવું હોતું નથી. હવે પ્રશ્ન એ થાય છે કે ભારતમાં જે થાય છે તે સાચું છે કે પશ્ચિમના દેશોમાં જે થાય છે તે સાચું છે? અહીંઆ આપણે એમ કહીએ છીએ કે આ સાચું અને તે ખોટું. જ્યારે આપણે સાચા ખોટના દ્રષ્ટિકોણથી (ઘટનાને) જોઈએ છીએ ત્યારે આપણી ઉર્જા બદલાઈ જાય છે. તટસ્થભાવથી આપણે એમ કહી શકીએ કે, પશ્ચિમની સંસ્કૃતિ આપણાથી અલગ છે. જો હું એમ કહું કે તમે ખોટા છો તો એક અલગ પ્રકારની નકારાત્મક ઊર્જા સામેની વ્યક્તિ સુધી પહોંચશે. આવા સમયે આપણે એવો વિચાર કરીએ કે તમે મારાથી જુદા છો. તમારા વિચારો મારા વિચારો સાથે મેળ ખાતા નથી. પરંતુ જો હું કહું કે આ ખોટું છે તો હું નકારાત્મક ઉર્જા તમારા તરફ મોકલી રહી છું. જેના કારણે સંબંધોમાં કડવાહટ આવે છે.

વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરી અને એ પ્રમાણે વિચારવું જોઈએ કે તમે અલગ છો અને હું અલગ છું. હું આપણા બંને વચ્ચેના અંતરનો સ્વીકાર કરું છું. પિતા અને પુત્ર વચ્ચે જ્યારે વિચારોમાં અંતર આવે છે ત્યારે બંનેમાંથી સાચું કોણ છે એ સમજવું અઘરું થઇ જાય છે. ઘણીવાર આપણો હેતુ ખુબ સારો હોય છે. જો કોઈને કંઈક શીખવવું હોય કે તેને મજબૂત બનાવવા હોય તો શુભભાવના રાખીને કહીએ. જો આપણે તેને નકારાત્મક ઉર્જા મોકલીશું કે તું ખોટો છે, તો આપણી આ રીત તદ્દન ખોટી છે. આવી રીતે આપણે તેને મજબૂત બનાવતા નથી પણ માનસિક રૂપથી વધુ નબળો બનાવી રહ્યા છીએ.

જો કોઈ નશો કરી રહ્યું છે, તો તેને સુધારવાની જરૂર છે કારણ કે તેનાથી એક જુદા પ્રકારની નકારાત્મક ઊર્જા પેદા થાય છે. ઘરમાં જયારે કોઈ વ્યક્તિ નશો કરતી હોય ત્યારે આખા ઘરનું વાતાવરણ એવું તંગ થઇ જાય છે. નશો કરનારી વ્યક્તિ ખોટી છે, ખરાબ છે, નશો કરવો એ પાપ છે આવી ઉર્જા ઘરમાં ઉત્પન્ન થાય છે. ખરેખર આવા સમયે માતા-પિતાને પણ પ્રશ્ન ઉભો થાય છે કે ક્યાંકને ક્યાંક સંતાનના જીવનમાં કઈક ખાલીપણું છે, કે જેના કારણે તે નશો કરવા માટે પ્રેરાય છે. આવી નશો કરનારી વ્યક્તિનું આત્મસન્માન ઓછું હોય છે. તે એમ વિચારે છે કે નશો કરવાથી હું દુઃખ-દર્દને ભૂલી જાઉં છું. પરંતુ વાસ્તવમાં શાંત ચિત્તે વિચારીએ તો ખબર પડે છે કે આવી ખરાબ આદતો દ્વારા નશો કરનારને શું મળ્યું? તમે ખરાબ છો, તમે ખોટા છો, તમારી આદત ખોટી છે. આવું બધા લોકો તેને કહેશે અને આવા અપમાનને સહવું પડ્યું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)