મન સાથે વાર્તાલાપ

આપણે હવે એ જોવું પડશે કે આપણે વ્યવહારિક જીવનમાં કેટલા સરળ છીએ? આપણે સરળ ત્યારે જ થઈ શકીશું જ્યારે, આપણે ખુશી અને શાંતિ માટે બીજા કોઈ પર આધારિત હોઈશું નહિ. દરેક વ્યક્તિએ આ પ્રમાણે પોતાને જોવા જોઈએ. કારણ કે ઘણીવાર આપણને એ પણ ખબર હોતી નથી કે આપણે ખુશી અને શાંતિ માટે અન્ય વ્યક્તિઓ કે ચીજો પર આધારિત છીએ. ખરેખર સ્વતંત્ર બનવા માટે બીજા વ્યક્તિઓ કે ચીજવસ્તુઓના પ્રભાવથી મુક્ત બનવું જરૂરી છે.

વ્યવહારિક જીવનમાં ઘણી બાબતો એકબીજા સાથે જોડાયેલ હોય છે. જો તમે મારા સાહેબ હોવ તો હું તમે શેના દ્વારા ખુશ રહેશો એ વાતનું ધ્યાન રાખીને હું આખો દિવસ તમારી સાથે એ બાબતોનું ધ્યાન રાખીશ. સંબંધો નિભાવવા માટે શક્તિ જોઈએ. ઘણીવાર એવું પણ બને કે હું મારા સાહેબની બધી વાત સ્વીકારી લઉં છું, પરંતુ હું મારી કોઈ વાત તેમને કહેતી નથી, કારણ કે હું ઘણી અન્ય બાબતોમાં મારા સાહેબ પર આધારિત છું. પરંતુ જ્યારે તમારા મનના વિચારો સ્પષ્ટ તથા સકારાત્મક હશે તો બોસ  ઉપરની નિર્ભરતા સમાપ્ત થઈ જશે અને હું મારી વાત યોગ્ય સમયે કરી શકીશ.

હવે તમે આત્મવિશ્વાસ સાથે સામેવાળી વ્યક્તિને તમારી વાત જણાવી શકશો. આજે મોટાભાગના લોકોની સમસ્યા એ છે તેને ઘણું બધું કહેવું છે, મનની અંદર વિચારો પણ આવે છે પરંતુ કહી શકતા નથી અને તેના પરિણામે અંદર ને અંદર વ્યક્તિ મુંઝાયા કરે છે. પછી એમ કહે છે કે હું શા માટે ખુશ નથી? કારણ કે મનની વાત તેઓ બોલી શકતા નથી. આપણે એમ વિચારીએ છીએ કે જો હું કંઈ કહીશ અને સામેવાળી વ્યક્તિ મારી સાથે અસહમત તો નહીં થાય? તે નારાજ તો નહીં થઈ જાય? આમ આવો એક પ્રકારનો અજ્ઞાત ભય આપણને અંદરથી કોરી ખાય છે. આપણે ખુશ રહી શકતા નથી. આપણે સમજવું પડશે કે આ ભય મેં પોતે જ ઉભો કરેલ છે જે મારા વિચારો પર આધારિત છે.

માનો કે તમને કોઈ વ્યક્તિથી તકલીફ છે કે સમસ્યા છે, જે મારે કોઈને કહેવી છે. પરંતુ એ વાત કહેવા પાછળ જો મારો ભાવ ફરિયાદ કરવી છે કે તમને નીચા દેખાડીને પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત એવા ભાવ સાથે હું રજૂઆત કરીશ, તો તે વાત કોઈ અસર નહિ કરે. આપણે ભલે ઘણી સારી રીતે આપણી વાત રજુ કરીએ પરંતુ આપણા મનની ઉર્જા તો આપણા શબ્દો સાથે જવાની છે. જો આપણે આવા વિચારો સાથે કોઈ સાચી વાત રજુ કરીશું તો પણ કામ નહીં કરે. કારણ કે ઉર્જા ખાલી આપણા શબ્દોના માધ્યમથી જતી નથી પરંતુ આપણાં હાવ-ભાવ દ્વારા પણ જાય છે, જે આપણા વિચારો પર આધાર રાખે છે. પછી આપણે એમ કહીએ છીએ કે મેં તો તેમની સાથે સ્પષ્ટ વાત કરી હતી પરંતુ ખબર નહીં કેમ? તેઓને તે યોગ્ય ના લાગી અને તેઓ મારાથી નારાજ થઈ ગયા.

જો મારા દ્વારા કહેવામાં આવેલ કોઈ વાતથી સામેવાળી વ્યક્તિને દુઃખ પહોંચ્યું હોય મારે એ જોવું જોઈએ કે મે કેવા ભાવ સાથે મારી વાત કહી? હું સામેની વ્યક્તિને તો બદલી શકતી નથી, પરંતુ હું મારી જાતને તો જોઈ શકું છું. જે ભાવ સાથે બોલું છું તેની ઉર્જા સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી જાય છે. અહીં મહત્વપૂર્ણ એ છે કે કઈ ઉર્જા સૌથી પહેલા પહોંચે છે? એક છે કે આપણે મનમાં જે સંકલ્પો કરીએ છીએ તે આપણે શબ્દો સામેની વ્યક્તિ સુધી પહોંચાડીએ છીએ. આપણે પહેલેથી જ વિચારી લઈએ છીએ કે આજે આ તો સારા એવા દેખાઈ રહ્યા છે? કેવો ડ્રેસ પહેર્યો છે? આપણે એમ પણ બોલીએ છીએ કે આજે તમે સુંદર દેખાઈ રહ્યા છો. આનું પરિણામ શું આવશે? આપણે કહીએ છીએ કે મેં તો તેમની સાથે બહુ સારી રીતે વાત કરી પરંતુ કોણ જાણે કેમ તેમને મારી વાત પસંદ ન આવી. આવું એટલા માટે થાય છે કે હું વિચારું છું કંઈક અલગ અને બોલું છું કંઈક અલગ. વાસ્તવમાં આપણે મનમાં જે વિચાર આવે તેને સકારાત્મક વિચારમાં પરિવર્તન કરી સામેની વ્યક્તિ સુધી પહોંચાદવા જોઈએ અને સાથે-સાથે એ ભાવના પણ રાખવી જોઈએ કે સામેવાળી વ્યક્તિએ મારી ભાવનાઓ સ્વીકાર કરી છે.

જ્યારે આપણે એકાંતમાં મેડિટેશન કરવા બેસીએ છીએ ત્યારે આપણા મનના વિચારો ચકાસવા જોઈએ તથા મન સાથે વાર્તાલાપ કરી મન હંમેશા સકારાત્મક વિચારો કરે એવી ટેવ પાડવી જોઈએ. જેમ જેમ તમે આ સાથે પ્રેક્ટીકલ જીવનમાં અભ્યાસ પણ કરતા જશો, તેમ તેમ તમને ખુબ ફાયદો થશે. રોજ સવારે વહેલા ઊઠીને પોતાની સાથે વાતચીત કરતા નવા વિચારોનો અભ્યાસ જરૂર કરીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)