…ત્યારે ખૂટે છે શું?

ગયા સોમવારે, 22 જાન્યુઆરીએ એક ઈતિહાસ રચાઈ ગયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રીરામ મંદિરમાં રાઘવ (હવે બાલક રામ)ની પ્રાણપ્રતિષ્ઠા કરીને દેશ-દુનિયાના કરોડો આસ્થાળુ માટે મંદિરનાં દ્વાર ઊઘડ્યાં. દેશઆખો આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી થયો. જો કે અમુક બૌદ્ધિક ટીકાકારોએ કહ્યું કે આના કરતાં સ્કૂલ, હૉસ્પિટલ બાંધ્યાં હોત તો? વૈજ્ઞાનિક પ્રકલ્પો હાથ ધર્યા હોત તો? વગેરે વગેરે.

અહીં ભારતના પ્રખર વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામની આત્મકથાનો એક પ્રસંગ નોંધવો રહ્યોઃ વિશ્વવિખ્યાત અણુવિજ્ઞાની, અંતરિક્ષવિજ્ઞાની અબ્દુલ કલામ સાહેબ 2001માં પ્રમુખસ્વામી મહારાજની મુલાકાતે દિલ્હીમાં આવ્યા. ભારતને વિકસિત દેશોની પંક્તિમાં લાવવા દેશના પાંચસો બુદ્ધિશાળીઓએ ભેગા થઈને વિકાસનાં પાંચ ક્ષેત્રો નક્કી કર્યા હતાં. શિક્ષણ-સ્વાસ્થ્ય, કૃષિ અને તેને લગતાં ક્ષેત્રો, ઈન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને, ક્રિટિકલ ટેક્નોલોજી. આ વાત તેમણે સ્વામીશ્રીને કરી. પ્રમુખસ્વામી મહારાજે તરત જ કહ્યું, ‘આ પાંચ મુદ્દાની સાથે એક છઠ્ઠો મુદ્દો ઉમેરો– ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા. એ રીતે લોકો તૈયાર થાય તે પણ ખૂબ અગત્યનું છે. આધ્યાત્મિક સંપત્તિ મજબૂત હશે તો લૌકિક સંપત્તિ આપમેળે જ આવી જશે.’

કલામસાહેબે આ માર્ગદર્શનને સહર્ષ સ્વીકારીને પૂછ્યું, ‘પહેલાં માણસોને ધાર્મિક કરીને પછી આ પ્રમાણે કાર્યનો આરંભ કરવો કે પછી બંને સમાંતર કરવું?’ સ્વામીજીએ કહ્યું, ‘બંને સમાંતર કરવું, વિકાસનાં કાર્યો પણ ચાલુ રાખવાં. આપણી સંસ્કૃતિ પરા અને અપરા વિદ્યા બંનેને સ્વીકારીને આગળ ચાલે છે.’

હવે જઈએ આજથી સોએક વર્ષ પહેલાંના અમેરિકામાં. 1923, શિકાગો. એડવોટર બીચ હોટેલમાં નવ વ્યક્તિઓ એક મિટિંગ માટે ભેગી થઈ હતી. આ નવ માંધાતા દુનિયાના સૌથી સફળ ધનાઢ્યો અને રોકાણકારો હતા. સંપત્તિની દૃષ્ટિએ આ નવ વ્યક્તિ એ સમયે દુનિયા પર રાજ કરતી હતી. ગ્લેન બ્લાન્ડ નામના લેખકે પોતાના પુસ્તક ‘સક્સેસ’માં શિકાગોની એ મિટિંગનો ઉલ્લેખ કરીને નોંધ્યું છે કે આ નવ વ્યક્તિઓના પાછલા જીવનકાળ વિશે તપાસ કરવામાં આવી તો આશરે પચીસ વર્ષ બાદ 9માંથી ૩ વ્યક્તિ આપઘાત કરીને મરી ગયેલી, બે જેલમાં સબડતી હતી અને બેએ દેવાળું ફૂંક્યું હતું.

આવા તો ઘણા લોકોને આપણે જાણતા હોઈશું, જેઓ એક સમયે પોતાના ક્ષેત્રમાં બેતાજ બાદશાહ હતા અને જોતજોતાંમાં નિષ્ફળતાની ગર્તમાં વિલીન થઈ ગયા. અહીં એક પ્રશ્ન સ્વાભાવિક ઊભો થાય કે તેમની આવી બરબાદીનું કારણ શું? શિક્ષણ, સત્તા અને સંપત્તિની ટોચ ઉપર બેઠેલી આવી પ્રભાવશાળી વ્યક્તિનાં જીવનમાં શું ખૂટતું હતું? કેમ અસીમિત સાધનોનો સરવાળો શૂન્ય જ બની રહ્યો? આ સવાલના જવાબમાં ઉત્તર મધ્યકાલીન ભક્તકવિ નિષ્કુળાનંદ કહે છેઃ

એક ભૂંસાડીને એકડો રે, વાળ્યાં મીંડાં વીસ
જોતાં સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીસ.

જેમ એકડા વગરનાં મીંડાંનું કોઈ મૂલ્ય નથી એવી જ રીતે આધ્યાત્મિકતા વગર અન્ય સાધનો વ્યર્થ જ સિદ્ધ થાય છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. રાધાક્રિષ્નન્ કહેતા કે આત્મિક કે આધ્યાત્મિક વિકાસ જ સાચો વિકાસ છે.
અહીં એક બાબત ધ્યાન ખેંચે એવી છે. મહાપુરુષો, ચિંતકો કે કવિઓને પ્રગતિનાં સાધનો કે સોપાનો સિદ્ધ કરવા સામે કશો જ વિરોધ નથી. હા, તેમનું કહેવું એટલું જ છે કે આ સાધનો પણ મૂલ્યવાન બની જાય જો તેને આધ્યાત્મિકતાની સાથે જોડવામાં આવે.

આધ્યાત્મિકતાના દિવ્ય સ્પર્શ સાથેની જીવનશૈલી પૂર્ણ અને સંતુલિત વિકાસ લાવે છે. એક વાત સમજવા જેવી કે આધ્યાત્મિકતા જીવનની વાસ્તવિક આવશ્યક્તા છે, માત્ર સકારાત્મક સૂચન તેનું સ્થાન ન લઈ શકે. તમારે તેનું અનુકરણ પણ કરવું જોઈએ, જો તમે તેનું અનુકરણ કરશો, તેને તમારા જીવનમાં ઉતારશો તો જ તમે ખરા આધ્યાત્મિક બની શકશો.

એટલે જ કહેવાયું છેઃ આધ્યાત્મિકતા આત્માની પરમ સંતુષ્ટિ છે. તેને રોજિંદા જીવનમાં આપનાવીને જીવનની પ્રત્યેક પળને આનંદ ઉત્સવ બનાવી શકાય.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)