વિકાસ, પ્રગતિ, યશઃ સેમ ટુ સેમ, પણ ડિફરન્ટ!

થોડા સમય પહેલાં મારે ઉદ્યાનનગરી બેંગલુરુમાં પ્રવચન આપવા જવાનું હતું. એરપોર્ટથી અમારી કાર બેંગલુરુના રાજાજી ઈન્ડસ્ટ્રિયલ ટાઉન વિસ્તારમાં પ્રમુખસ્વામી મહારાજ માર્ગ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દિશામાં જઈ રહી હતી ત્યારે એક બહુ જ મોટું હૉર્ડિંગ મારા જોવામાં આવ્યું. કોઈ કોચિંગ ક્લાસની કે ઈન્ટરનેટ પર શિક્ષણ આપતી ઍપની કે એવી કોઈ જાહેરાતનું એ હૉર્ડિંગ હતું. એની પર એક સુટબૂટધારી યુવાનનું ચિત્ર હતું ને એની નીચે લખાણ હતું-

“જીવનમાં સફળતા મેળવો તો એવી મેળવો, જાણે સફળતા મેળવવાની તમને આદત હોય… અને ક્યારેક નિષ્ફળતા મળે તો એવું વિચારો કે સફળતા મેળવી મેળવીને કંટાળો આવ્યો એટલે હવે જરા ગમ્મત ખાતર નિષ્ફળતા મેળવી…”

પહેલી નજરે ચબરાક લાગતું આ વાક્ય એ પછી સતત મારા મનમસ્તિષ્કમાં ઘૂમરાવા લાગ્યું અને એ પછીના લગભગ કલાકેકના કારપ્રવાસમાં હું એ વિશે વિચારતો રહ્યો. થોડા સમય પહેલાં જ મેં એક કૉર્પોરેટ સેમિનારના વક્તવ્યમાં કહેલું કે પરાજયથી ગભરાવું નહીં, કારણ કે એક મોટો વિજય આગલા બધા પરાજયને ભૂંસી નાખશે એ પણ મને યાદ આવી ગયું.

અંગ્રેજી ભાષાના લગભગ એકસરખા લાગતા ત્રણ શબ્દો છેઃ ગ્રોથ, પ્રોગ્રેસ, અને સક્સેસ. પરંતુ આ ત્રણ શબ્દો વચ્ચે મોટો તફાવત છે. ઈન્ગ્લિશ ડિક્શનરીમાં ગ્રોથ અને સક્સેસ શબ્દોની પરિભાષા કંઈ આ રીતે આપવામાં આવી છેઃ

“પ્રોસેસ ઓફ પ્રોગ્રેસિવ ડેવેલપમેન્ટ…” અત્યાધુનિક કાર્યપ્રણાલિથી થયેલો વિકાસ એ સાચો વિકાસ અને સક્સેસ એટલે કે, સફળતા માટે કહેવામાં આવ્યું છે કે “અચિવિંગ ફૅવરેબલ આઉટકમ.” સાદા શબ્દોમાં જે જોઈતું હતું એ મેળવી લીધું એ થઈ સફળતા.

હવે આપણે તફાવત સમજીએ. ધારો કે તમારી કંપનીનું ટર્નઓવર પચીસ કરોડ રૂપિયાનું હતું, પણ હવે એ વધીને પચાસ કરોડ થયું કે સો કરોડ રૂપિયા થયું તો થયો તમારી કંપનીનો ગ્રોથ. એ સક્સેસ નથી. કહેવાનું પ્રયોજન એ છે કે મારે તમને સક્સેસ, સફળતાની વ્યાખ્યા કહેવી છે. સફળતા એટલે શું એ જણાવવું છે.

જુઓ, મટીરિયાલિસ્ટિક પઝેશન એટલે કે રહેવા માટે આલીશાન ઘર, ઘરમાં સુખસગવડનાં સાધન, મોંઘી કાર, વગેરે જેવી ભૌતિકવાદી ચીજવસ્તુઓ ધરાવવી એ તમારો ગ્રોથ છે. પરંતુ એ ગ્રોથ પામવામાં જો મૂલ્યોની જાળવણી થઈ હોય તો? મૂલ્યો એટલે શિસ્ત, મૂલ્યો એટલે પ્રામાણિકતા, મૂલ્યો એટલે નીતિનિયમ. આ ત્રણના સહારે જો તમે આગળ વધ્યા હો તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. ટૂંકમાં ગ્રોથ વત્તા એથિક્સ ઈઝ ઈક્વલ ટુ પ્રોગ્રેસ.

-અને આ પ્રોગ્રેસમાં જો હ્યુમેનિટી, મોરાલિટી અને સ્પિરિચ્યુઆલિટી ભળે તો એને કહેવાય સક્સેસ. જીવનમાં, સમાજમાં, નોકરી, વ્યવસાયમાં કે તમે જે કંઈ કરતા હોવ એમાં આગળ ને આગળ વધતી વખતે કારકિર્દીમાં ઊર્ધ્વ ગતિ કરતી વખતે જો માનવતા, નૈતિકતા અને અધ્યાત્મનો અભિગમ રાખવામાં આવ્યો હોય તો એને કહેવાય સફળતા.

બસ તો, બાણાવળી અર્જુનની જેમ સતત તમારા લક્ષ્ય પર નજર રાખો, અથાગ પરિશ્રમ પર વિશ્વાસ રાખો અને એમાં માનવતા, નૈતિકતા અને ખાસ તો આધ્યાત્મિકતાને સતત સાથે રાખશો તો જીવનમાં ક્યારેય નિરાશ થવાનો, નિષ્ફળ જવાનો સમય નહીં આવે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]