યમ શું છે? તેના સિદ્ધાંતો કયા છે?

પૃથ્વી પરની તમારી પ્રત્યેક ક્ષણ દિવ્ય છે. તમે એક સુંદર અને દિવ્ય સ્થાન પર છો. સૃષ્ટિમાં કઈં વિશિષ્ટ હેતુ માટે તમારું અવતરણ થયું છે. જાણી લો કે પૃથ્વી પર તમે માત્ર ભોજન લેવા, ઊંઘ કરવા અને વાતચીત કરવા માટે નથી આવ્યા, તમારે અદભૂત અને મહાન કાર્ય કરવાનું છે. તો નિશ્ચય કરો, કઈં પણ થાય, હું મારું સ્મિત જાળવી રાખીશ. પ્રગતિ માટે આ સૌથી આવશ્યક અભિગમ છે. જીવનના ઉત્કર્ષ માટે, જીવનને સમૃદ્ધ કરવા માટે નિશ્ચિત અનુશાસન હોવું જરૂરી છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં સામાજિક આચારસંહિતા-યમ અને વ્યક્તિગત આચારસંહિતા- નિયમનું સુંદર આલેખન કર્યું છે. 

યમ શું છે? સમાજ અને વાતાવરણ સાથે સંવાદિતા કઈ રીતે સાધી શકાય, તે માટેના પાંચ સરળ સિદ્ધાંતો “યમ” અંતર્ગત સમજાવવામાં આવ્યા છે. 

પ્રથમ સિદ્ધાંત છે, “અહિંસા”

અહિંસાનો સિદ્ધાંત તમને સૃષ્ટિ સાથે જોડે છે. જે રીતે તમે તમને પોતાને હાનિ નથી પહોંચાડતા એ જ રીતે સૃષ્ટિનાં અન્ય સર્જન-કોઈ પણ જીવને હાનિ પહોંચાડવાની નથી. સઘળું વિશ્વ તમારું જ છે, તમારું પોતાનું, તો કોઈ પણ રીતે વિશ્વનાં કોઈ પણ અંગને નાનાં શાં કણને પણ કઈ રીતે નુકશાન પહોંચાડી શકાય? અહિંસા યોગનો જ સિદ્ધાંત છે, જે સૂચવે છે કે સૃષ્ટિ, તેના ઘટકો, તેના સઘળા જીવો, નદી, પર્વત, વૃક્ષો, આ બધું તમારું જ છે. તેને મન, વચન, કર્મથી હાનિ ન કરવી તે “અહિંસા” છે. જયારે તમે સંપૂર્ણતયા અહિંસાનું પાલન કરો છો ત્યારે તમારી ઉપસ્થિતિમાં અન્ય વ્યક્તિઓ હિંસા છોડી દે છે, જંગલી પ્રાણીઓ પણ પોતાનો હિંસક સ્વભાવ એક અહિંસક વ્યક્તિની ઉપસ્થિતિમાં છોડી દે છે. કહેવાય છે કે મહાવીરની 20 કિલોમીટરની ત્રિજ્યામાં લોકો અહિંસા છોડી દેતા, ત્યાં સુધી કે રસ્તા પર પથરાયેલા કાંટા પણ વાગવાનું છોડી દેતા હતા!. 

બીજો સિદ્ધાંત છે, “સત્ય”

તમે તમારી પોતાની જાત સાથે જૂઠું બોલો છો? નહિ ને? તમે વસ્ત્ર વણો છો, તો તમે તમારી જાતને એમ નથી કહી રહ્યા કે ” ના, હું વસ્ત્ર વણતો નથી”. તમારા હાથમાં મીઠાઈ છે, તો તમે તમારી જાતને ક્યારેય એમ કહો છો કે ના, મારા હાથમાં મીઠાઈ નથી?” ના, કારણ તમારા હાથમાં મીઠાઈ છે જ ને એ સત્ય તમે જાણો છો. તો સત્ય સહજ અને સ્વાભાવિક છે. સત્ય એ શબ્દો નથી પરંતુ તમારી ચેતનાનો વિશિષ્ટ ગુણધર્મ છે. સત્યનું પાલન એટલે શું? વર્તમાન ક્ષણમાં જે ઘટી રહ્યું છે, તેની સાથે રહેવું. મનમાં, હૃદયમાં, જીવનમાં સત્યની સતત ઉપસ્થિતિ! માત્ર શબ્દો જ નહિ, તમારો ઉદ્દેશ્ય પણ સત્યથી પ્રકાશિત હોય તે અગત્યનું છે. કોઈ પણ કાર્ય કે શબ્દો પાછળ તમારો ઉદ્દેશ્ય કેવો છે? શું તે સ્પષ્ટ છે કે અસ્પષ્ટ? તમે સરળ, સહજ છો કે કઈં છુપાવી રહ્યા છો? એ તમારી સત્યતાની માત્રા સૂચવે છે. તો બીજો સિદ્ધાંત સત્ય એટલે શુદ્ધ ઉદ્દેશ્ય અને ખુલ્લો વિશાળ દ્રષ્ટિકોણ. જો તમે સત્યનું પાલન કરો છો, તો સઘળી સફળતા તમારા ભણી આકર્ષાશે એ નિશ્ચિત છે. જો તમે સત્યનું પાલન કરો છો, તો તમે જે કઈં કર્મ કરશો તેનું સકારાત્મક ફળ તમને ત્વરિત મળશે. સત્યનો હંમેશા જય થાય જ છે.

ત્રીજો સિદ્ધાંત છે, “અસ્તેય”.

અસ્તેય એટલે ચોરી ન કરવી. કોઈ બહુ સુંદર ગાય છે અને તમે ઈચ્છો છો કે આવો મધુર કંઠ તમારી પાસે પણ હોય તો એ ચોરી જ છે. કોઈની સુંદર આંખોને જોઈને જો તમે ઈચ્છો છો કે તમારી પણ એવી જ સુંદર આંખો હોય, તો તમે આ વિચારથી એક પ્રકારે ચોરી જ કરો છો. કોઈની પ્રતિભા, સુંદરતા તમારી અંદર ઈચ્છાઓ અને ત્યાર પછી ઈર્ષા જગાડે છે. લોકો ચોરી કરે છે તેની પાછળનું મુખ્ય કારણ ઈચ્છા અને ઈર્ષા છે. અસ્તેય: ચોરી ન કરવી, આ સિદ્ધાંતથી શું થાય છે? ઈર્ષાવૃત્તિ સદંતર નિર્મૂળ થાય છે. ચોરી કરવાની વૃત્તિ જન્મતી નથી. અન્યની યોજનાઓ, ટેકનિક્સનું અનુમતિ વગર પુનરાવર્તન કરવું તે પણ ચોરી છે. ચોરી કરનાર હંમેશા ગરીબ રહે છે. પરંતુ જો તમે અસ્તેયના સિદ્ધાંતનું પાલન કરો છો તો “सर्वरत्नोप्लब्धि” – સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. અસ્તેય પાલનની આ ઉપલબ્ધિ છે. ચોરીનો એક નાનો વિચાર પણ તમને નિર્ધન રાખે છે. ભાગ્ય ખીલતું નથી. અસ્તેય પાલન સઘળી સમૃદ્ધિ આપે છે.

ચોથો સિદ્ધાંત છે “બ્રહ્મચર્ય”.

બ્રહ્મચર્ય પાલન તમારામાં દ્રઢતા પ્રેરે છે. સંકુચિત ચેતનાવાળી વ્યક્તિ હંમેશા વિચારે છે કે કોણ સુંદર છે, શરીર પ્રત્યે જ તે આકર્ષણ અનુભવે છે. આવી વ્યક્તિ જે હંમેશા કામવાસના વિશે વિચારે છે તેની પ્રાણ શક્તિ ખૂબ ઓછી હોય છે. તે પોતે અસુંદર બની જાય છે. પોતાની આસપાસ તે નકારાત્મક સ્પંદન ઉત્પન્ન કરે છે, તે હંમેશા નિર્બળ અને નિસ્તેજ રહે છે. તેમનું મનોબળ પણ ક્ષીણ થતું જાય છે. પ્રાકૃતિક સૌંદર્ય તે માણી શકતો નથી. બ્રહ્મચર્યનો ગહન અર્થ છે, “બ્રહ્મ” અર્થાત અનંત અને “ચર્ય” અર્થાત ભ્રમણ, બ્રહ્મચર્ય એટલે અનંતતામાં ભ્રમણ કરવું. જયારે તમે સ્વયંને માત્ર શરીર જ નથી સમજતાં, જયારે તમે શરીરની પરે જઈને તમારા મૂળભૂત અનંત સ્વભાવને જાણો છો ત્યારે તમે જ્યોતિની જેમ પ્રકાશો છો.

તમે જયારે ધ્યાનમાં બેસો છો ત્યારે તમે શરીરનાં વજનનો અનુભવ કરતા નથી. તમે સાઠ, સિતેર, એંશી કિલો વજનનો ભાર ત્યારે અનુભવતાં નથી. તમે અત્યંત હળવાશ અનુભવો છો. એક પીંછા જેવી હળવાશ તમે અનુભવો છો. આ અવસ્થામાં તમે ચાલો છો તો પણ તમારાં ઠોસ શરીરને બદલે તમે વધુને વધુ અવકાશનો, હળવાશનો અનુભવ કરો છો. તમે જયારે આનંદિત હો છો, ત્યારે શરીરનું વજન તમને લાગતું નથી. અનંત ચેતના સાથે જયારે તમે જોડાઓ છો ત્યારે તમે કોઈ તણાવનો અનુભવ કરતાં નથી. તમારાં શરીર પરત્વે તમે અત્યાધિક સભાન હોતાં નથી. આ બ્રહ્મચર્ય છે. અનંત વિશાળ બ્રહ્મ ચેતના સાથે અસ્તિત્વનું સંધાન એટલે બ્રહ્મચર્ય! બ્રહ્મચર્ય તમારામાં વિશાળતા પ્રેરે છે, શૌર્ય પ્રેરે છે. 

પાંચમો સિદ્ધાંત છે, “અપરિગ્રહ”.

સંચય ન કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ એ અપરિગ્રહ છે. વ્યક્તિ જયારે વધુ ને વધુ પ્રાપ્ત કરવા ચાહે છે, ત્યારે તે માત્ર પોતાના વિષે જ વિચારે છે અને ભય પામ્યા કરે છે. જીવન અનંત છે, નિત્ય છે તે સત્યની તેને સમજ નથી. અપરિગ્રહ એટલે જીવનની નિત્યસ્થાયિતાની સમજ, પોતાનાં અસ્તિત્વ અને પોતાની ક્ષમતાઓ પ્રતિ આત્મવિશ્વાસ અને આત્મજ્ઞાનની ઉપસ્થિતિ! જો તમે ભોજન કઈ રીતે બનાવવું તે જાણો છો તો તમે એક સપ્તાહનાં ભોજનનો સંગ્રહ કરતાં નથી. કારણ તમને વિશ્વાસ છે કે તમને જયારે જરૂર હશે ત્યારે તમે ભોજન બનાવી શકશો. જેટલું તમે આપતાં રહેશો તેટલું તમે વધુ ને વધુ પ્રાપ્ત કરશો. જેને પોતાનાં સામર્થ્યમાં શ્રદ્ધા નથી તે વધુને વધુ સંગ્રહ કરે છે. જે સ્વાર્થી છે તે વધુને વધુ સંગ્રહ કરે છે. જયારે તમે આપો છો ત્યારે તમે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરો છો અને તે તમને આનંદ આપે છે. જે દિવસે તમે દુઃખી છો, ત્યારે કોઈને કશું આપો. અને જુઓ કે તમારા ભાવમાં કેવું સકારાત્મક પરિવર્તન આવે છે. તમે જેમને કઈં પણ આપો છો અને તેઓ એ સ્વીકારે છે તે ઘટના પ્રત્યે, સ્વીકારનાર વ્યક્તિ પ્રત્યે હૃદયપૂર્વક આભારી બની જાઓ. સુંદર ભાવ સાથે જયારે કોઈ વ્યક્તિને તમે અર્પણ કરો છો, ત્યારે આપનાર અને સ્વીકારનાર બંનેમાં સકારાત્મક ભાવનાત્મક પરિવર્તન આવે છે. 

તો આ પાંચ સિદ્ધાંતો “યમ” અંતર્ગત મહર્ષિ પતંજલિએ કહ્યા છે. યમ એટલે સામાજિક આચાર સંહિતા! આ સિદ્ધાંતો સાર્વત્રિક છે. સમય અને સ્થળથી પરે છે. સૃષ્ટિ પર દરેક સ્થળે, કોઈપણ સમયે, પ્રત્યેક વ્યક્તિ આ સિદ્ધાંતોનું પાલન કરી શકે છે. યમનાં પાલનથી જીવનમાં કોમળતા, સમૃદ્ધિ, સફળતા અને શૌર્ય ખીલી ઉઠે છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અન્ય પાંચ સિદ્ધાંતો: વ્યક્તિગત આચારસંહિતા: “નિયમ”, તેના વિશે આવતા સપ્તાહે વાત કરીશું. 

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]