પૈસો અને સલામતીની ભ્રામક ભાવના

પૈસો આપણને સ્વતંત્રતા અને માલિકીપણાનો ભાવ આપે છે. આપણને એવું લાગે છે કે પૈસાથી આપણે કંઈ પણ મેળવી શકીએ છીએ અથવા કોઈની પણ પાસેથી સવલતો ખરીદી શકીએ છીએ. કોઈ વસ્તુના માલિક હોવું એટલે શરુઆતથી અંત સુધી તેના અસ્તિત્વ પર નિયંત્રણ હોવું. જ્યારે આપણે જમીનના ટુકડા માટે કિંમત ચુકવીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે હવે આપણે તેના માલિક છીએ. માલિકના અવસાનને લાંબો સમય થાય તે પછી પણ તે જમીનનું અસ્તિત્વ તો રહેતું હોય છે. જે વસ્તુ તમારા કરતાં લાંબી ટકે છે તેના તમે માલિક કેવી રીતે હોઈ શકો છો?

પૈસો એવો પણ ખ્યાલ આપે છે કે તમે શક્તિશાળી અને સ્વતંત્ર છો. પરંતુ એના લીધે તમને એ હકીકત નથી દેખાતી કે આપણે પરસ્પર અવલંબિત છીએ એવી દુનિયામાં જીવીએ છીએ. આપણે ખેડૂતો, રસોઈયા,વાહન ચાલકો અને આપણી આસપાસના અનેક અન્ય સવલતો પૂરી પાડતા લોકો પર અવલંબન રાખીએ છીએ. અરે, કોઈ નિષ્ણાંત સર્જન પણ પોતાનું ઓપરેશન જાતે કરી શકતા નથી. તેમને બીજા પર આધાર રાખવો પડે છે.

શા માટે મોટાભાગના અમીર લોકો ઘમંડી હોય છે? તેમ થવાનું કારણ પૈસો જે સ્વતંત્રતાની ભાવના લાવે છે તે છે. જ્યારે બીજી બાજુએ આપણે અન્યો પર આધાર રાખવો પડે છે એવી જાગૃતિ માણસને નમ્ર બનાવે છે. માણસનો મૂળભૂત નમ્રતાનો સિધ્ધાંત સ્વતંત્રતાની ભ્રામક લાગણીથી છીનવાઈ જાય છે.

આજે આપણે લોકોને તેમની પાસે કેટલો પૈસો છે તેના આધારે માપતા થઈ ગયા છીએ-“ફલાણા પાસે પચાસ કરોડની સંપત્તિ છે” વિગેરે. શું પૈસો માણસની યોગ્યતા દર્શાવી શકે? કોઈને લખપતિ કે કરોડપતિ કહેવા એ પ્રશંસા ના હોઈ શકે. તમે માનવ જીવનને પૈસાની કિંમતથી ના આંકી શકો.

જ્યારે લોકોને દિવ્યતામાં, પોતાની ક્ષમતામાં અને સમાજની સાલસતામાં શ્રધ્ધાનો અભાવ હોય છે ત્યારે તેઓ અસલામતીની ઊંડી ભાવનાથી પીડાય છે. અને તેમને સલામતી બક્ષતું કંઈ લાગે છે તો તે છે પૈસો. કેટલાક ધનવાન લોકોને સંબંધોમાં અસલામતી લાગે છે- તેમને સમજણ નથી પડતી કે તેમના મિત્રોને ખરેખર તેમનામાં રસ છે કે પછી તેમની સંપત્તિમાં.

થોડા સમય માટે પૈસો સલામતીની ભ્રામક ભાવના આપી શકે છે. સંપત્તિ વ્યક્તિની કુશળતાઓ અને ક્ષમતાઓ દ્વારા,વારસાગત રીતે કે ભ્રષ્ટાચાર થકી પ્રાપ્ત કરી શકાય છે. સંપત્તિ મેળવવાના દરેક માર્ગના પોતાના પરિણામ હોય છે. ભ્રષ્ટાચારનો મૂળ ઉદ્દેશ શાંતિ અને સુખ મેળવવાનો હોય છે. પરંતુ જ્યારે ભ્રષ્ટ માર્ગ અપનાવવામાં આવે છે ત્યારે શાંતિ અને સુખ અલોપ થઈ જાય છે.

પૈસો સ્વતંત્રતા, માલિકીપણા તથા તેને લીધે લાગતી સલામતીના ભ્રામક ખ્યાલ આપે છે.આ કારણે પૈસાને માયાનો ભાગ ગણવામાં આવે છે:મિયતે અનયા ઈતિ માયા,એટલે કે “જેને માપી શકાય છે તે માયા છે.”માટે, દુનિયાની દરેક વસ્તુ જેને માપી શકાય છે તેને માયા તરીકે ગણવામાં આવે છે,પૈસો એમાંની એક વસ્તુ છે.જે વસ્તુઓને માપી શકાતી નથી, જેમ કે,પ્રેમ,સત્ય,જ્ઞાન અને જીવન,જો તેમની કિંમત આંકવાનો પ્રયત્ન થાય ત્યારે માનવીય મુલ્યોનું હનન થાય છે. બીજી બાજુએ એવા પણ લોકો છે જે પૈસાની ટીકા કરે છે અને તેને સમાજના તમામ દુષણો માટે જવાબદાર માને છે.કેટલાક એવા પણ લોકો છે જે પૈસાને અનિષ્ટ માને છે.એવું નથી કે માત્ર પૈસો હોવાથી ઘમંડ આવે છે,તેનો ત્યાગ કરવાથી પણ ઘમંડ આવે છે. કેટલાક લોકો પૈસાનો ત્યાગ કરીને માત્ર લોકોનું ધ્યાન ખેંચવા તથા સહાનુભૂતિ મેળવવા પોતાની ગરીબી પર ગૌરવ કરે છે.

પરંતુ પ્રાચીન જ્ઞાની પુરુષોએ ક્યારેય પૈસા કે માયાને કલંકિત નહોતી ગણી.હકીકતમાં તેઓ તેનો ઈશ્વરના એક હિસ્સા તરીકે આદર કરતા હતા અને આમ, તે જે ભ્રામક ખ્યાલો આપી શકે તેમની પકડને ટપી જતા હતા.તેઓ એ રહસ્ય જાણતા હતા કે જો તમે કોઈ વસ્તુને તરછોડો છો કે ધિક્કાર કરો છો તો તમે ક્યારેય તેને ટપી શકતા નથી. તેઓ સંપત્તિનો ભગવાન નારાયણના પત્ની,મા લક્ષ્મી, તરીકે આદર કરતા હતા.તે યોગમાંથી જન્મ્યા હતા (યોગજે યોગ સંભૂતે).યોગ ખરાબ કર્મોને બદલી કાઢે છે અને સુષુપ્ત કુશળતાઓ અને પ્રતિભાઓને અનાચ્છાદિત કરે છે. યોગથી અષ્ટસિધ્ધિ અને નવનિધિ (નવ પ્રકારની સંપત્તિ) પણ આવે છે.

યોગનું જ્ઞાન વ્યક્તિના ઘમંડને આત્મવિશ્વાસમાં,તાબેદાર થવાની વૃત્તિને નમ્રતામાં, અવલંબનના બોજાને પારસ્પરિક અવલંબન વિશેની જાગૃતિમાં, સ્વતંત્રતાની ઝંખનાને અસીમ પ્રતિભા વિશે સજગતામાં અને મર્યાદિત માલિકીપણામાંથી સમસ્ત સાથેના ઐક્યભાવમાં પરિવર્તિત કરે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)