જાણો મનની એ પાંચ વૃતિઓ વિશે…

યોગ નો હેતુ છે, સંધાન. પોતાની જાત સાથેનું સંધાન. મન જયારે બહારનાં જગતમાંથી અંતર્જગત તરફ યાત્રા કરવાનું શરુ કરે છે, હૃદયમાં સ્થિર થાય છે, ત્યારે અસ્તિત્વનાં કેન્દ્રમાં તમે દ્રષ્ટા ભાવમાં સ્થિત રહો છો, તે યોગ છે. જાણ્યે અજાણ્યે તમે જયારે આ સ્થિતિમાં છો ત્યારે તમે પરમ આનંદની અનુભૂતિ કરો છો. બાકીના સમય દરમ્યાન તમે મનની જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહો છો. મનની જે પ્રવૃત્તિ છે, તે સ્વરૂપ તમે તમારું પોતાનું છે તેમ ધારી લો છો.

મહર્ષિ પતંજલિ એ મનની પાંચ વૃત્તિઓ કહી છે: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.
મનની પ્રથમ વૃત્તિ છે, પ્રમાણ: મન હંમેશા પ્રમાણ માંગે છે, મનને સતત પ્રમાણ- સાબિતી જોઈએ છે. આપણા દ્રષ્ટિકોણ માટે પણ મનને પ્રમાણ જોઈએ છે, પદાર્થ-વસ્તુઓ અંગેની આપણી સમજણ માટે પણ મનને પ્રમાણ જોઈએ છે.
પ્રમાણને ત્રણ પ્રકારે જોઈ શકાય:
પ્રત્યક્ષ પ્રમાણ: સીધો અનુભવ. મનને હંમેશા દેખીતું, સ્વાભાવિક અને નક્કર પ્રમાણ -સોલિડ પ્રુફ- જોઈએ છે.
અનુમાન પ્રમાણ: બીજો પ્રકાર છે અનુમાનિત પ્રમાણ. તમે ધુમાડો જુઓ છો એટલે તમે સમજો છો કે અહીં પ્રથમ અગ્નિ હશે. તમે અગ્નિને જોયો નથી પરંતુ ધુમાડા ની ઉપસ્થિતિથી તમે અનુમાન બાંધો છો કે અહીં અગ્નિ પ્રથમ હશે જ. આ અનુમાન પ્રમાણ છે.
આગમ પ્રમાણ: આ પ્રમાણ એટલે શાસ્ત્રોક્ત પ્રમાણ. કોઈ બોટલ પર તમે “ઝેરી પદાર્થ” એમ લખેલું વાંચો છો તો તમે માની લો છો. અહીં તમે એમ કહેતાં નથી કે ના, હું પહેલા તેને ચાખીશ અને પછી જ નક્કી કરીશ કે આ વિષ છે કે નહિ! બધા અનુભવ તમે જાતે કરો અને પછી જ તેને માનો તેવું શક્ય નથી. ઝેરનો અનુભવ કઈ રીતે થાય? ઝેરને ચાખો તો તમે જીવતા રહેવાના જ નથી. તો તમે બોટલ પર જે લખ્યું છે તેને સાચું માનો છો. તો, પ્રત્યક્ષ, અનુમાન અને આગમ આ ત્રણ પ્રકારના પ્રમાણથી તમે સત્યતાની ખાતરી કરતા રહો છો.
યોગ એટલે આ પ્રમાણો મેળવવાની વૃત્તિથી પરે જવું! મન જયારે પ્રમાણ માંગવાની વૃત્તિમાંથી બહાર આવે છે, ત્યારે જ તમે પોતાના મૂળ સ્વાભાવમાં, પોતાનાં કેન્દ્રમાં સ્થિર થઇ શકો છો. સ્વિટ્ઝરલેન્ડમાં બર્ફીલા પર્વતો છે. તમે કેનેડા કે ઑસ્ટ્રિયામાં છો તો ત્યાં પણ એવા જ બર્ફીલા પર્વતો છે. તમારી જ્ઞાનેન્દ્રિય તમને મૂર્ખ બનાવી શકે છે, કે બર્ફીલા પર્વતો છે એટલે તમે સ્વિટ્ઝરલેન્ડમાં જ છો. પણ વાસ્તવમાં એવું છે નહિ. “હું છું, હું અસ્તિત્વ ધરાવું છું ” તે અનુભૂતિ બધાં પ્રમાણથી પરે છે. સ્વયંમાં સ્થિર થવાની ઘટનાને કોઈ જ પ્રમાણની જરૂર નથી. સત્યને પ્રમાણની જરૂર નથી. જે કઈં પણ એક દિશામાં સાબિત કરી શકાય છે તેને બિલકુલ વિપરીત દિશામાં પણ સાબિત કરી શકાય છે. સત્ય પ્રમાણથી પરે છે, ઈશ્વર પ્રમાણથી પરે છે. તેના અસ્તિત્વને તમે સાબિત પણ નહિ કરી શકો કે નકારી પણ નહિ શકો. પ્રમાણ તર્ક સાથે જોડાયેલું છે અને તર્ક ખૂબ સીમિત હોય છે. પ્રેમ અને આત્મજ્ઞાનનું પણ કોઈ પ્રમાણ આપી શકાતું નથી.
મનની બીજી વૃત્તિ છે, વિપર્યાય: વિપર્યાય એટલે મિથ્યા જ્ઞાન! તમારો દ્રષ્ટિકોણ મિથ્યા જ્ઞાન પર અવલંબિત થયેલો છે. જે નથી, તે તમે માનો છો. જયારે તમારું મન વિપર્યાયમાં છે ત્યારે કોઈ પણ સાબિતી- પ્રમાણનો અર્થ રહેતો નથી. માત્ર ખોટુ-મિથ્યા જ્ઞાન- ખોટી માહિતી જ અહીં પ્રધાન સ્વરૂપે પ્રવૃત્ત હોય છે. મિથ્યા જ્ઞાન, જે સત્ય નથી તેને સત્ય માનીને ચાલવુ તે વિપર્યાય છે.
મનની ત્રીજી વૃત્તિ છે, વિકલ્પ: મન ખોટી કલ્પનાઓ કરે છે, તે ખોટી કલ્પનાઓમાં રાચે છે, એ વિકલ્પ છે. જેમ કે આકાશમાં કમલ પુષ્પનું ઊગવું કે સસલાંને શીંગડાં હોવાં, આ ખોટી કલ્પનાઓ છે. સસલું સત્ય છે, શીંગડાં પણ સત્ય છે, પણ તમે કહો છો કે સસલાંના માથાં પર શીંગડાં છે તો એ ખોટી કલ્પના છે. તે વિકલ્પ છે. વિકલ્પ બે પ્રકારના હોય છે. એક, આનંદભરી કલ્પનાઓ અને બીજો પ્રકાર છે ખોટા ભય. કાલે મારુ મૃત્યુ થશે તો? અકસ્માત થશે તો? હું અપંગ થઇ જઈશ તો? આ બધા નિરર્થક, કોઈ આધાર વગરના માત્ર વિચારો છે. આવી ખોટી કલ્પનાઓ એ વિકલ્પ છે.
મનની ચોથી વૃત્તિ છે, નિદ્રા: એક શૂન્યતાની સ્થિતિ એટલે નિદ્રા! મન પાસે જયારે કોઈ બાહ્ય વિષય નથી, મન જયારે ખાલી અને શૂન્ય હોય છે ત્યારે તે અવસ્થાને નિદ્રા કહે છે.
મનની પાંચમી વૃત્તિ છે, સ્મૃતિ: સ્મૃતિ એટલે અનુભવગત પદાર્થો-ઘટનાઓ જયારે વિલાઈ જવાને બદલે છાપના સ્વરૂપમાં રહે છે અને ચેતનામાં પુન: પુન: દેખા દે છે. સ્મૃતિ એટલે એવા અનુભવ જેને તમારું મન જતા કરી શકતું નથી, પકડી રાખે છે. તમે સવારે બ્રશ કરો છો, પરંતુ તે સ્મૃતિ સ્વરૂપે રહેતું નથી. ગયા સપ્તાહે તમે શું બ્રેકફાસ્ટ કર્યો હતો તે તમને યાદ રહેતું નથી. ગત ડિસેમ્બરની 30 તારીખે તમે કયાં વસ્ત્રો પહેર્યાં હતાં તે તમને યાદ રહેતું નથી. કારણ આ બધા અનુભવો ન તો સુખદ છે, ન તો દુ:ખદ છે. પરંતુ કેટલાક અનુભવોને તમે છોડી શકતા નથી, પકડી રાખો છો, જે સ્મૃતિ છે. સુખદ અનુભવો તમારામાં મોહ-રાગ જન્માવે છે, દુ:ખદ અનુભવો ભય અને આઘાત જન્માવે છે. જે સ્મૃતિ છે.
જયારે તમે જાગૃત છો, ત્યારે તમે પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ કે સ્મૃતિ આ ચાર માંથી એક અવસ્થામાં રહો છો, તે યોગનો અભાવ છે. અહીં યોગ ઘટિત થતો નથી.
આ પાંચ વૃત્તિઓ ખરાબ છે, તેવું નથી. અમુક વૃત્તિઓ દુઃખ આપે છે, અમુક દુઃખ આપતી નથી. જો તમે બિલકુલ ઊંઘ નથી લેતાં તો તે દુઃખદાયી છે. જો તમે વધુ પડતી ઊંઘ લો છો તો તે પણ દુઃખદાયી છે. એ જ રીતે તમે બધું જ ભૂલી જાઓ છો, કઈં જ યાદ રાખી શકતાં નથી તો તે સ્થિતિ દુઃખદાયી છે અને તમે જો કઈં જ ભૂલી નથી જઈ શકતાં તો તે પણ દુઃખદાયી છે. તે જ રીતે પ્રમાણ દુઃખદાયી પણ હોઈ શકે અને સુખદાયી પણ હોઈ શકે. વિપર્યાય- મિથ્યા જ્ઞાન દુઃખદાયી હોય છે. વિકલ્પ- ખોટી કલ્પનાઓ પણ સુખદ અને દુઃખદ હોઈ શકે છે. તમે તમારી જાતને એક દેવદૂત તરીકે જુઓ છો અને પાંખો લગાવી ગગનમાં વિહરતાં હોવાની કલ્પના કરો છો તો તે સુખદ છે, પરંતુ જો તમને લાગે છે કે દરેક વ્યક્તિ તમારી વિરુદ્ધ છે, તમારો દુરુપયોગ કરવા ઈચ્છે છે તો તે કલ્પના દુઃખદ છે.
સ્વયંને ઓળખવા માટે, સ્વની અનુભૂતિ કરવા માટે મનની આ પાંચ વૃત્તિઓ ઉપર નિયંત્રણ હોવું ખૂબ જરૂરી છે. કઈ રીતે આ પાંચ વૃત્તિઓને નિયંત્રિત કરી શકાય? મહર્ષિ પતંજલિ એ તે માટે અચૂક ઉપાયો સૂચવ્યા છે, જેની આવતા સપ્તાહે વાત કરીશું.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)