ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે?

ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે? શરીર કંપે છે, શ્વાસ અસ્થિર થઈ જાય છે. બંધનનો અનુભવ થાય છે. ભીતર સંકોચનનો અનુભવ થાય છે. આત્મીયતાનો અભાવ વર્તાય છે. અને અંદર શૂન્યતાનો અનુભવ થાય છે. આ બધું ભેગું થાય છે અને નાભિથી કંઠની વચ્ચે એક તીવ્ર સંવેદન ઉત્પન્ન થાય છે. આ ભય છે. ભય કઈ રીતે ઉત્પન્ન થાય છે? તમે જોયું છે ને કે નાના બાળકો સામાન્યત: ભયની લાગણી અનુભવતાં નથી. પણ મોટાં થવાની સાથે ભયની લાગણી વિકાસ પામે છે. ભય અને અહંકાર વચ્ચે સીધો સંબંધ છે. જેમ જેમ અહંકાર વિકસે છે તેમ તેમ ભયની લાગણી પણ પ્રબળ બને છે.

અહંકાર શું છે? અહંકાર એટલે સીમા નિર્ધારિત કરવી. હું કઈં છું, તેમ માનવું અને બ્રહ્માંડથી પોતાનાં અસ્તિત્વને અલગ સમજવું એ અહંકાર છે. બ્રહ્માંડથી પૃથક હોવાની ભ્રામક માન્યતા અને અસ્તિત્વના અનંત અવકાશમાં પોતાનો ખંડ જુદો રચવાની ચેષ્ટા એ અહંકાર છે. અને અહંકાર- જુદા હોવાની ભાવના ભયને ઉત્પન્ન કરે છે.

ભય માત્ર જાગૃત અવસ્થા કે સ્વપ્નાવસ્થામાં જ ઉપસ્થિત રહી શકે છે. નિદ્રાવસ્થામાં ભયની ઉપસ્થિતિ હોતી નથી. પરંતુ જ્યારે ભયની માત્રા અધિક હોય છે ત્યારે ઊંઘ આવતી નથી અને ઇનસોમીયાની સ્થિતિ ઉદભવે છે.

સંપૂર્ણ નિર્ભયતા સંભવ નથી. સન્યાસી અથવા તદ્દન મૂર્ખ વ્યક્તિ આ બન્ને જ સંપૂર્ણ રીતે નિર્ભય હોય છે. પ્રકૃતિએ જ પ્રાણીમાત્રમાં થોડી માત્રામાં પણ ભયની વૃત્તિનું નિર્માણ કર્યું છે. ભોજનમાં જેટલી માત્રામાં મીઠું આવશ્યક છે તેટલી જ માત્રામાં વ્યક્તિમાં ભય હોવો પણ આવશ્યક છે. મૃત્યુ નો ભય જીવનને જાળવી રાખે છે. ખોટું કરવાનો ભય વ્યક્તિને સત્યના માર્ગ પર રાખે છે. માંદગીનો ભય સ્વચ્છતા પ્રેરે છે અને દુ:ખના ભયથી વ્યક્તિ નીતિમત્તાનું પાલન કરે છે. ભય વ્યક્તિને હમેશા સતર્ક રાખે છે. અહંકાર- જુદાં હોવાની ભાવનાથી ભય ઉત્પન્ન થાય છે પરંતુ અતિ અહંકારી વ્યક્તિ, પ્રકૃતિ દ્વારા નિર્મિત, આવશ્યક ભયને પણ ગણકારતી નથી, જે અંતે હાનિકર્તા જ નીવડે છે.

વાસ્તવમાં પ્રેમનું શીર્ષાસન એટલે ભય! અને એટલે જ પ્રેમમાં જેવી લાગણીઓ ઉદભવે છે, ભયમાં પણ તેવી જ લાગણીઓ ઉદભવે છે. પ્રેમ, ભય અને તિરસ્કાર આ ત્રણેય અવસ્થામાં નાભિ અને કંઠની વચ્ચે તીવ્ર સંવેદન ઉત્પન્ન થાય છે. એક જ ઉર્જા આ ત્રણેય અવસ્થાનું સંચાલન કરે છે. અને એટલે જ એક સાથે, એક જ સમયે આ અવસ્થાઓનો અનુભવ થતો નથી. પ્રેમ હોય છે ત્યારે ભય નો બિલકુલ અભાવ હોય છે. તિરસ્કાર-નફરત જ્યારે તીવ્ર હોય છે ત્યારે પણ ભય હોતો નથી. આતંકવાદીઓ નિર્ભીક હોય છે કારણ તેઓ તીવ્ર તિરસ્કારની અવસ્થામાં હોય છે, એ જ રીતે એક શિશુ પણ નિર્ભીક હોય છે કારણ તે અનંત પ્રેમની અવસ્થામાં હોય છે.

એકલતાનો ભય એટલા માટે સતાવે છે કે તમે ક્યારેય તમારા અંતરાત્મા સાથે ગહન ઐક્યનો અનુભવ કર્યો નથી. તમે ભીતર ગયા નથી. જે ક્ષણે તમે સતર્ક અને સજગ થઈ જાઓ છો, તમારાં વાસ્તવિક સ્વરૂપને ઓળખવા લાગો છો, એ ક્ષણે ભય અને નકારાત્મકતા નિર્મૂળ થઈ જાય છે.

સ્વને કઈ રીતે ઓળખી શકાય? તમારી બધી જ ભૂમિકાઓ એક તરફ રાખો અને વિચારો: “હું કોણ છું?” તમારી જાતને આ પ્રશ્ન વારંવાર, નિરંતર પૂછો. આ પ્રશ્ન પૂછવાથી મન શાંત, સ્થિર અને મૌન બનતું જશે. તમે ગહન ધ્યાનની અવસ્થામાં ઉતરતા જશો અને ત્યારે તમને સત્યની ઝાંખી થશે. એક વખત આ સત્યનો પરિચય થશે, પછી દ્વેષ, તિરસ્કાર અને નકારાત્મકતા ક્ષણાર્ધમાં નષ્ટ  થઈ જશે.

તો ભયની અવસ્થામાંથી પ્રેમ તરફ વળવું એ ખૂબ જરૂરી છે. ભયની અવસ્થામાંથી પુન: પ્રેમની અવસ્થામાં સ્થિર થવું જ જોઈએ. કારણ સતત ભયની સ્થિતિ વ્યક્તિની ચેતનાને ખીલવા દેતી નથી. ભયની સ્થિતિમાં ચેતન શક્તિનું સંકોચન થાય છે જ્યારે પ્રેમની સ્થિતિમાં ચેતન શક્તિનું વિસ્તરણ થાય છે. મુક્તિનાં સઘળાં રહસ્યો ચેતનાનાં વિસ્તરણ સાથે જોડાયેલાં છે.

 

ભાવનાઓ તમારાં અસ્તિત્વનું અભિન્ન અંગ છે. દુ:ખી થવાના ડરને કારણે ભાવનાઓથી દૂર ન ભાગો. જો તમે સંવેદનશીલ વ્યક્તિ છો તો તમારી ભાવનાઓને ઠેસ પહોંચશે જ એ સ્વીકારીને ચાલો. લાગણીઓ ઘવાઈ જશે એ ડરથી તમે લાગણીઓથી દૂર ભાગો છો અથવા તો લાગણીઓને વ્યક્ત કરતા નથી, કઠોર બની જાઓ છો. જાગો અને જુઓ કે પ્રેમ શુદ્ધ છે, પીડાથી પરે છે. તમારી અપેક્ષાઓ તમારી લાગણીને ઠેસ પહોંચાડતી હોય છે. અને આ પીડાના ભયથી તમે તમારી લાગણીઓને બાંધી દો છો, વ્યક્ત કરતા નથી. પ્રેમમાં પીડાનો સ્વીકાર કરો. પીડાથી ડરો નહીં, સ્વીકારતા રહો, સ્વીકારતા રહો અને એક દિવસ તમે પીડાને અતિક્રમી જશો ને ત્યારે તમે અનુપમ દિવ્યતાનો અનુભવ કરશો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)